તો હું અમેરિકા જાત જ નહીંઃ Adobeના CEO શાંતનુ નારાયણે કેમ આવું કહ્યું?
- નોર્જસ બેંક ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ સાથે વાતચીત કરતા શાંતનુ નારાયણે ભારતના બે-મોંઢે વખાણ કર્યાં
- ભારતમાં જે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ટર વિકસી રહ્યું છે તેનો હું મોટો ચાહક છુંઃ શાંતનુ નારાયણ
સિલિકોન વેલી, 10 જૂન, 2024: વિશ્વ વિખ્યાત ટેકનોલોજી કંપની એડબ (Adobe)ના ભારતીય મૂળના સીઈઓ શાંતનુ નારાયણે તાજેતરમાં એક એવું નિવેદન આપ્યું છે જેનાથી દરેક ભારતીય નાગરિકની છાતી ગૌરવથી ફૂલી જાય. શાંતનુએ જણાવ્યું કે, છેલ્લા થોડાં વર્ષમાં વધારે સંખ્યામાં ભારતીયો અમેરિકા આવવા ઉત્સુક નથી કેમ કે હવે ભારતમાં જ પુષ્કળ માત્રામાં તકો ઉપલબ્ધ છે.
નોર્જસ બેંક ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ સાથે વાતચીત કરતા શાંતનુ નારાયણે ભારતના બે-મોંઢે વખાણ કર્યાં હતાં. તેમણે જણાવ્યું કે, “મને લાગે છે કે ભારતમાં અર્થતંત્ર પ્રચંડ માત્રામાં વિકસી રહ્યું છે. જો હું હાલ ત્યાં અભ્યાસ કરતો હોત અને સ્નાતક થયો હોત તો મને નથી લાગતું કે હું અમેરિકા આવવાનું વિચારત, કેમ કે ત્યાં ભારતમાં જ પુષ્કળ તકો ઉપલબ્ધ છે.”
View this post on Instagram
આ વાતચીત દરમિયાન નારાયણે વધુમાં જણાવ્યું હતું કે, સત્ય (નાદેલા) અને સુંદર (પીચાઈ)… સ્ટારબક્સમાં લક્ષ્મણ (નરસિંહ્મન)ને જોઉં ત્યારે અત્યંત આનંદની લાગણી થાય છે. જ્યારે પણ અન્ય ભારતીય વિશે વાંચવા મળે ત્યારે હૃદય અને મન ગૌરવથી છલકાઈ જાય છે.
શાંતનુ નારાયણના આ તાજેતરના નિવેદનના સંદર્ભમાં અહીં એ નોંધવું જોઇએ કે, તેમણે ગયા વર્ષે અર્થાત 2023ના ઑગસ્ટ મહિનામાં કહ્યું હતું કે, ભારતમાં જે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ટર વિકસી રહ્યું છે તેનો હું મોટો ચાહક છું. “ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કુશળતા, ટેકનોલોજી, ઈનોવેશન અને ઉદ્યોગસાહસિકતા જોવા મળી રહ્યા છે” તેમ તેમણે ગયા વર્ષે જ કહ્યું હતું. તેઓ B20 સમિટ ઈન્ડિયા 2023માં ભાગ લઈ રહ્યા હતા ત્યારે પીટીઆઈ સમાચાર સંસ્થા સાથે વાત કરતા આ મુજબ કહ્યું હતું. નવી દિલ્હીમાં યોજાયેલી એ શિખર બેઠકમાં વૈશ્વિક કંપનીઓના સીઈઓ તેમજ કોર્પોરેટ ક્ષેત્રના ટોચના અગ્રણીઓએ હાજરી આપી હતી.