શપથ લેતાની સાથે જ મોદી 3.0 સરકાર એક્શનમાં, સાંજે કેબિનેટની પ્રથમ બેઠક
- પીએમ મોદી ડેવલપ્ડ ઈન્ડિયા મિશન અને મોદીની ગેરેન્ટીને ધ્યાનમાં રાખીને મંત્રીઓને પોતાનો પોર્ટફોલિયો આપશે
નવી દિલ્હી, 10 જૂન: મોદી સરકાર 3.0ની શરૂઆત થઈ ગઈ છે. શપથ લીધા બાદ મોદી સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. આજે સોમવારે મોદી સરકારના ત્રીજા કાર્યકાળની પ્રથમ કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. આજે સાંજે 5 વાગ્યે મોદી કેબિનેટની બેઠક મળી શકે છે. આ પહેલા મંત્રીઓના પોર્ટફોલિયોની જાહેરાત થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો આ વખતે પીએમ મોદી ડેવલપ્ડ ઈન્ડિયા મિશન અને મોદીની ગેરેન્ટીને ધ્યાનમાં રાખીને મંત્રીઓને પોતાનો પોર્ટફોલિયો આપશે. દરેકની નજર CCS મંત્રીઓ પર છે એટલે કે મોદી સરકારમાં ટોચના ચાર મંત્રી કોણ હશે.
આ વખતે મોદી કેબિનેટમાં ભાજપની સાથે ગઠબંધનના પૂરા રંગ દેખાઈ રહ્યા છે. આ વખતે મોદી સરકાર 3.0માં સમગ્ર દેશને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ ઉત્તરને જેટલી તક આપી છે તેટલી દક્ષિણને પણ આપી છે.
પીએમ મોદીનો ત્રીજો શપથ સમારોહ સૌથી લાંબો રહ્યો
આ પહેલા રવિવારે મોદી સરકાર 3.0નો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. શપથ સમારોહમાં વિદેશી મહેમાનો તેમજ દેશભરમાંથી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. પીએમ મોદીનો ત્રીજો શપથ સમારોહ સૌથી લાંબો હતો. પીએમ મોદી સહિત 72 લોકોએ મંત્રી તરીકે શપથ લીધા. જેમાં 30 કેબિનેટ મંત્રીઓ, 5 સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી અને 36 રાજ્ય મંત્રીઓએ શપથ લીધા હતા.
મોદી કેબિનેટમાં 6 પૂર્વ મુખ્યમંત્રીઓને સ્થાન મળ્યું
આ વખતે મોદી સરકાર 3.0માં 6 પૂર્વ મુખ્યમંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં રાજનાથ સિંહ ત્રીજી વખત કેબિનેટ મંત્રી બન્યા છે, જ્યારે શિવરાજ સિંહ ચૌહાણ અને મનોહર લાલ ખટ્ટર પહેલીવાર મંત્રી બન્યા છે. સર્બાનંદ સોનોવાલને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ સાથે ભાજપના સહયોગી હમ પાર્ટીના વડા જીતન રામ માંઝી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.
આ વખતે પીએમ મોદીએ તેમના તમામ સાથીઓને તેમની કેબિનેટમાં સ્થાન આપ્યું છે. આ વખતે 72 મંત્રીઓની કેબિનેટમાં 60 મંત્રીઓ ભાજપના ક્વોટામાંથી છે. જ્યારે જેડીયુ અને ટીડીપીમાંથી 2-2 મંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે જેડીએસ, એલજેપી, એચએએમ, આરપીઆઈ, અપના દળ એસ, શિવસેના શિંદે જૂથ અને RLDમાંથી એક-એક મંત્રી બનાવવામાં આવ્યા છે.
કયા પક્ષના કેટલા મંત્રી?
- ભાજપ – 60 મંત્રીઓ
- જેડીયુ- 02 મંત્રીઓ
- ટીડીપી- 02 મંત્રીઓ
- જેડીએસ- 01 મંત્રી
- LJP- 01 મંત્રી
- HAM- 01 મંત્રી
- RPI- 01 મંત્રી
- અપના દળ-01 મંત્રી
- શિવસેના- 01 મંત્રી
- આરએલડી- 01 મંત્રી
મોદી સરકારમાં લઘુમતી મંત્રી
આ વખતે મોદી સરકારમાં લઘુમતીઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. પીએમ મોદીએ શીખ સમુદાયમાંથી આવતા હરદીપ પુરી અને રવનીત બિટ્ટુને મંત્રી બનાવ્યા છે. બૌદ્ધ ધર્મમાંથી આવતા કિરેન રિજિજુને ફરીથી કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. ખ્રિસ્તી સમુદાયમાંથી આવતા જ્યોર્જ કુરિયન અને પવિત્રા માર્ગેરિટાને પણ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે.
મોદી 3.0 કેબિનેટ
- હરદીપ પુરી (શીખ)
- રવનીત બિટ્ટુ (શીખ)
- કિરેન રિજિજુ (બૌદ્ધ)
- જ્યોર્જ કુરિયન (ખ્રિસ્તી)
- પવિત્રા માર્ગેરીટા (ખ્રિસ્તી)
ઉલ્લેખનીય છે કે, ભારતના ઈતિહાસમાં આ બીજી વખત છે જ્યારે કોઈ નેતા સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા હોય. પહેલા આ રેકોર્ડ જવાહરલાલ નહેરુના નામે હતો, હવે નરેન્દ્ર મોદીના નામે પણ છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં PM મોદીએ વિશ્વની સૌથી મોટી ચૂંટણીમાં સતત ત્રીજી વખત વિજય નોંધાવવાનું અને 140 કરોડ લોકોના વિશ્વાસ પર ખરા ઉતરવાનું શક્ય બનાવ્યું છે.
આ પણ જુઓ: મોદી મંત્રીમંડળ 3.0 : BJP સિવાયની સહયોગી પક્ષના પ્રધાનોની જુઓ યાદી