નહેરુ 1.0થી નરેન્દ્ર મોદી 3.0 સુધી, જાણો ભૂતકાળના શપથ સમારંભો વિશે
- સતત ત્રણ વખત વડાપ્રધાન તરીકે શપથ લેનાર નરેન્દ્ર મોદી બીજા વડાપ્રધાન બનશે
શપથગ્રહણ સમારંભ, નવી દિલ્હી: 9 જૂન 2024… આજે નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. આ શપથ સાથે તેઓ સતત ત્રીજી વખત આ પદ સંભાળનાર બીજા વડાપ્રધાન બનશે. આ પહેલા માત્ર પંડિત જવાહરલાલ નેહરુ જ સતત ત્રણ વખત વડાપ્રધાન તરીકે દેશની બાગડોર સંભાળવામાં સફળ રહ્યા હતા. (જોકે, સ્વતંત્ર ભારતમાં જન્મેલા અને સળંગ ત્રણ વખત લોકપ્રિય રીતે ચૂંટાઈને વડાપ્રધાન બન્યા હોય એવા નરેન્દ્ર મોદી પ્રથમ નેતા છે.) દેશમાં એક સમય એવો હતો જ્યારે ગઠબંધન સરકારો હતી અને જેના કારણે મધ્યસત્ર ચૂંટણી પણ યોજાતી હતી. 1947માં નેહરુના PM બનવાથી લઈને 2024માં નરેન્દ્ર મોદી દ્વારા ફરીથી આ પદ સંભાળવા સુધીની આ સફર ઉથલપાથલથી ભરેલી રહી છે. તો આવો જણાવીએ કે આ વડાપ્રધાનોની શપથ ગ્રહણ કેવી રહી અને તે સમયે રાજકીય સ્થિતિ કેવી હતી.
1. જવાહરલાલ નેહરુ
I… Jawahar Lal Nehru, do solemnly affirm that… આ લાઈનો પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે લીધેલા શપથમાંથી છે. પંડિત નેહરુએ 15 ઓગસ્ટ 1947ના રોજ એવા સંજોગોમાં દેશની બાગડોર સંભાળી હતી, જ્યારે ભારતને બ્રિટિશ ગુલામીમાંથી થોડા સમય પહેલા જ આઝાદી મળી હતી. અગાઉ બ્રિટિશ શાસન દરમિયાન 1946માં ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીઓમાં કોંગ્રેસ 1585માંથી 923 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. પરિણામો પરથી નક્કી કરવામાં આવ્યું હતું કે, કોંગ્રેસના પ્રમુખ વચગાળાની સરકારના વડા હશે, તેથી કોંગ્રેસમાં પ્રમુખ પદ માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી.
મૌલાના આઝાદ 1940થી કોંગ્રેસના અધ્યક્ષ હતા. તે ચૂંટણી લડવા માંગતા હતા. પરંતુ મહાત્મા ગાંધીએ આઝાદને પત્ર લખીને કહ્યું કે, તેમના મતે નેહરુ આ પદ માટે યોગ્ય રહેશે. ત્યાં સુધી માત્ર રાજ્ય કોંગ્રેસ સમિતિઓ (PCC) જ પક્ષના અધ્યક્ષની નિમણૂક કરી શકતી અને ચૂંટતી હતી. 15માંથી 12 સમિતિઓએ સરદાર વલ્લભભાઈ પટેલને નોમિનેટ કર્યા હતા. પરંતુ ગાંધીજીના આગ્રહથી પટેલે આ રેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું. 2 સપ્ટેમ્બર, 1946ના રોજ નેહરુના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી. જો કે, ત્યાં સુધી વડાપ્રધાન પદ નહોતું.
15 ઓગસ્ટ 1947ના રોજ દેશ આઝાદ થયો ત્યારે આ વચગાળાની સરકાર ભારત સરકાર બની અને આ રીતે નેહરુ દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા. સરદાર પટેલને ડેપ્યુટી પીએમ પદ આપવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન, શ્યામા પ્રસાદ મુખર્જીએ પણ નેહરુ કેબિનેટમાં શપથ લીધા, જેમણે પાછળથી જનસંઘની સ્થાપના કરી.
2. ઈન્દિરા ગાંધી
11 જાન્યુઆરી, 1966ના રોજ તત્કાલિન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના અકાળે અવસાનથી દેશ શોકમાં ડૂબી ગયો હતો. તે સમયે કોંગ્રેસના અધ્યક્ષ કામરાજ હતા, જેમણે વડાપ્રધાન પદ માટે ઈન્દિરા ગાંધીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ મોરારજી દેસાઈની આગેવાની હેઠળનું જૂથ તેની સામે ઊભું હતું. મોરારજી દેસાઈએ સંસદીય દળના નેતાની ચૂંટણી માટે દબાણ કર્યું. આ રીતે શાસ્ત્રીના મૃત્યુના નવ દિવસ બાદ આ ચૂંટણી યોજાઈ હતી. ઈન્દિરા ગાંધી આ ચૂંટણી જીતી ગયા. તેમને 355 વોટ મળ્યા જ્યારે દેસાઈને માત્ર 169 વોટ મળ્યા.
ઈન્દિરા ગાંધીએ 24 જાન્યુઆરી 1966ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં ભગવાન બુદ્ધની પ્રતિમાની સામે વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. અગાઉની સરકારોમાં મંત્રી રહેલા મોટા ભાગના નેતાઓ ઈન્દિરા ગાંધીની પ્રથમ કેબિનેટમાં સામેલ હતા. શાસ્ત્રીના મૃત્યુ પછી, ગુલઝારીલાલ નંદા કાર્યકારી વડા પ્રધાન બન્યા અને તેમને ઈન્દિરા ગાંધી PM બન્યા બાદ ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યા. જોકે, થોડા મહિનાઓ પછી ઈન્દિરા ગાંધીએ ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખ્યું. ઈન્દિરાની પ્રથમ કેબિનેટમાં પહેલા યશવંતરાવ ચવ્હાણ અને પછી સ્વરણ સિંહ સંરક્ષણ મંત્રી બન્યા.
3. મોરારજી દેસાઈ
મોરારજી દેસાઈ દેશના છઠ્ઠા વડાપ્રધાન હતા. તેઓ દેશના પહેલા બિન-કોંગ્રેસી વડાપ્રધાન પણ હતા. કોંગ્રેસમાં હતા ત્યારે તેમના ઈન્દિરા ગાંધી સાથે વૈચારિક મતભેદ હતા. આ મતભેદોને કારણે તેઓ કોંગ્રેસ છોડીને જનતા પાર્ટીમાં જોડાયા હતા. બાદમાં તેઓ સર્વસંમતિથી જનતા પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા હતા. આ રીતે તેમણે 24 માર્ચ 1977ના રોજ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.
મોરારજી દેસાઈના નેતૃત્વમાં બનેલી આ જનતા પાર્ટીની સરકારમાં ચરણ સિંહ અને જગજીવન રામ ડેપ્યુટી પીએમ બન્યા. અટલ બિહારી વાજપેયી વિદેશ મંત્રી બન્યા અને લાલકૃષ્ણ અડવાણી માહિતી અને પ્રસારણ મંત્રી બન્યા. મોરારજી દેસાઇ દેશના પહેલા વડાપ્રધાન હતા, જેમના કાર્યકાળ દરમિયાન દેશમાં પહેલીવાર 16 જાન્યુઆરી, 1978ના રોજ 1000, 5000 અને 10,000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જોકે, મોરારજી દેસાઈ માત્ર બે વર્ષ જ વડાપ્રધાન રહ્યા.
4. રાજીવ ગાંધી
31 ઓક્ટોબર 1984ના રોજ ઈન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીએ વડાપ્રધાન પદ સંભાળ્યું હતું. જ્યારે ઈન્દિરા ગાંધી પર હુમલો થયો ત્યારે રાજીવ ગાંધી બંગાળમાં હતા. હુમલાની માહિતી મળતા જ રાજીવ બંગાળથી તરત જ દિલ્હી પરત ફર્યા હતા. દિલ્હી પહોંચતા જ ઈન્દિરા ગાંધીના સચિવ પી.સી. એલેક્ઝાંડરે તેમને કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી ઈચ્છે છે કે તેઓ વડાપ્રધાન બને. પરંતુ સોનિયા ગાંધીએ તેનો વિરોધ કર્યો હતો. તે ઈચ્છતી ન હતી કે રાજીવ વડાપ્રધાન બને.
જોકે, પ્રણવ મુખર્જી સહિત કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓએ રાજીવ ગાંધીને વડાપ્રધાન બનવા માટે મનાવી લીધા હતા. તે જ દિવસે, રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહને એક પત્ર લખીને જાણ કરવામાં આવી હતી કે, કોંગ્રેસે રાજીવ ગાંધીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કર્યા છે અને વિનંતી છે કે તમે તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપો. આ પછી મોડી સાંજે રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહ પણ પોતાના વિદેશ પ્રવાસ પરથી સ્વદેશ પરત ફર્યા હતા.
આ રીતે, 31 ઓક્ટોબરના રોજ સાંજે 6.45 કલાકે રાજીવ ગાંધીએ રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન તરીકે શપથ લીધા. તેમની સાથે પ્રણવ મુખર્જી, પી.વી. નરસિમ્હા રાવ, પી. શિવ શંકર અને બુટા સિંહે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. અગાઉ રાજીવ ગાંધી સાથે માત્ર ત્રણ મંત્રીઓ શપથ લેવાના હતા. પરંતુ ઈન્દિરા ગાંધીની હત્યા બાદ શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા હતા, તેથી બુટા સિંહને પણ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા.
બીજા જ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. રાજીવ ગાંધીની તરફેણમાં જોરદાર લહેર હતી. કોંગ્રેસે લોકસભાની 543 બેઠકોમાંથી 415 બેઠકો જીતી હતી. આ પ્રથમ વખત હતું જ્યારે કોઈ પાર્ટી 400થી વધુ બેઠકો જીતવામાં સફળ રહી હતી.
5. વી.પી.સિંહ
વિશ્વનાથ પ્રતાપ સિંહે 2 ડિસેમ્બર 1989ના રોજ સાતમા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ આર. વેંકટરામને તેમને શપથ લેવડાવ્યા હતા. તેમણે બપોરે 12.15 કલાકે શપથ લીધા હતા. વી.પી.સિંહની સાથે હરિયાણાના તત્કાલિન મુખ્યમંત્રી દેવીલાલે ડેપ્યુટી પીએમ તરીકે શપથ લીધા હતા. દેવીલાલની નાયબ વડા પ્રધાન તરીકે નિમણૂક એ આઘાતજનક નિર્ણય હતો. દેવીલાલ એકમાત્ર એવા મંત્રી હતા જેમણે તે દિવસે શપથ લીધા હતા. બંને નેતાઓએ હિન્દીમાં શપથ લીધા. આ શપથ ગ્રહણ સમારોહ 10 મિનિટથી પણ ઓછા સમયમાં પૂર્ણ થઈ ગયો હતો.
રાષ્ટ્રપતિ ભવનની બહાર મીડિયા સાથે વાત કરતા વી.પી.સિંહે કહ્યું હતું કે, તેઓ બે-ત્રણ દિવસમાં કેબિનેટની રચના કરશે. જો કે, વી.પી.સિંહ એક વર્ષ પણ વડાપ્રધાન ન રહ્યા અને તેમણે 10 નવેમ્બર 1990ના રોજ રાજીનામું આપી દીધું.
6. ચંદ્રશેખર
વિદ્યાર્થીકાળથી જ રાજનીતિની શરૂઆત કરનારા દેશના પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરને એક માસ લીડર તરીકે પણ ઓળખવામાં આવે છે. 17 એપ્રિલ 1927ના રોજ ઉત્તર પ્રદેશના બલિયામાં એક ખેડૂત પરિવારમાં જન્મેલા ચંદ્રશેખરે 10 નવેમ્બર 1990થી 21 જૂન 1991 સુધી ભારતના 8મા વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. જ્યારે તેમણે દેશની કમાન સંભાળી ત્યારે દેશ ગઠબંધન સરકારોના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો હતો.
1984ની ચૂંટણીમાં 400 બેઠકો મેળવનાર કોંગ્રેસ 1989ની સામાન્ય ચૂંટણીમાં પણ બહુમતી મેળવી શકી ન હતી. અહીંથી ગઠબંધન સરકારોનો સમયગાળો શરૂ થયો જે લાંબા સમય સુધી ચાલ્યો. પહેલા ડાબેરી પક્ષોના સમર્થનથી જનતા દળના વિશ્વનાથ પ્રતાપ સિંહ વડાપ્રધાન બન્યા, પરંતુ એક વર્ષમાં આ સરકાર પણ પડી ગઈ અને તેમની જ પાર્ટીના ચંદ્રશેખર 64 સાંસદો સાથે જનતા દળથી અલગ થઈ ગયા. બાદમાં તેમણે પીએમ પદ સંભાળ્યું અને કોંગ્રેસના સમર્થનથી સરકાર બનાવી જેના વિરોધમાં જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી.
જોકે આ સરકાર ચાર મહિનામાં પડી ગઈ. કહેવાય છે કે, કોંગ્રેસે ચંદ્રશેખર પર રાજીવ ગાંધીની જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેના કારણે સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધું હતું. રાજકીય નિષ્ણાતો માને છે કે, જ્યારે તેમની સરકારમાં કોંગ્રેસની દખલગીરી વધવા લાગી ત્યારે ચંદ્રશેખરે તેનો વિરોધ કર્યો અને આ પણ સરકારના પતનનું એક કારણ હતું. જો કે, રાજીનામું આપ્યા પછી પણ, નવી સરકાર બની ત્યાં સુધી તેઓ લગભગ 3 મહિના સુધી પીએમ રહ્યા હતા.
7. નરસિંહ રાવ
નરસિમ્હા રાવનો વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ દેશમાં સૌથી મહત્ત્વપૂર્ણ ફેરફારોના કાર્યકાળ તરીકે ઓળખાય છે. આ કારણોસર તેમને ‘ફાધર ઓફ ઈન્ડિયન ઈકોનોમિક રિફોર્મ્સ’ (Father of Indian Economic Reforms)નું બિરુદ મળ્યું છે. 28 જૂન 1921ના રોજ આંધ્રપ્રદેશના કરીમનગરમાં જન્મેલા નરસિમ્હા રાવ એક કૃષિ નિષ્ણાત અને વકીલ પણ હતા. રાવ, જે સ્વતંત્રતા સેનાની હતા, આઝાદી પછી કોંગ્રેસમાં જોડાયા હતા. રાવ, જેઓ આંધ્રપ્રદેશના મંત્રીથી લઈને રાજ્યના મુખ્યમંત્રી સુધીના ધારાસભ્ય બન્યા, બાદમાં કેન્દ્રીય રાજકારણમાં પ્રવેશ્યા અને કેન્દ્રમાં વિદેશ, ગૃહ અને સંરક્ષણ જેવા મહત્ત્વપૂર્ણ મંત્રાલયો સંભાળ્યા.
1991માં જ્યારે સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ત્યારે કોંગ્રેસ 232 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી પરંતુ બહુમતીના આંકડાથી દૂર રહી હતી. 21 જૂન, 1991ના રોજ વડાપ્રધાન બનેલા રાવે બહુમતી ન હોવા છતાં પાંચ વર્ષ સુધી સરકાર ચલાવી અને દેશના પ્રથમ વડાપ્રધાન હતા જેમણે નહેરુ-ગાંધી પરિવારમાંથી ન હોવા છતાં તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો. તેમની સૌથી મોટી સિદ્ધિ 1991ના આર્થિક સુધારા હતા જેણે ભારતના લાયસન્સ રાજને નાબૂદ કર્યું હતું. 1992માં બાબરી ધ્વંસ દરમિયાન અને પછી તેમની ભૂમિકાએ નહેરુ-ગાંધી પરિવાર સાથેના તેમના સંબંધોમાં તિરાડ પાડી અને બાદમાં તેમને પાર્ટીમાં હાંસિયામાં ધકેલી દીધા.
8. ઇન્દ્રકુમાર ગુજરાલ
1996માં, જ્યારે દેશ અસ્થિરતાના અસાધારણ સમયગાળામાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ઇન્દ્રકુમાર ગુજરાલે દેશના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. આ તે સમયગાળો હતો જ્યારે સમર્થન પાછું ખેંચવામાં આવી રહ્યું હતું અથવા સત્તામાંથી દૂર કરવામાં આવી રહ્યું હતું. 21 એપ્રિલ, 1997ના રોજ ભારતના 12મા વડાપ્રધાન બનેલા ગુજરાલ પણ સ્વતંત્રતા સેનાની હતા. નોકરિયાતમાંથી રાજકારણી બનેલા ગુજરાલે વડાપ્રધાન બનતા પહેલા વિદેશ મંત્રી સહિત કેન્દ્રમાં ઘણા મંત્રાલયો સંભાળ્યા હતા. તેમના વિશે એવું કહેવાય છે કે, તેઓ એવા નેતા હતા જે લોકપ્રિયતાના આધારે નહીં પરંતુ સંયોગ અને નસીબના આધારે પીએમ બન્યા હતા. જોકે, તેઓ માત્ર 11 મહિના સુધી જ પીએમ રહ્યા. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે ભારત-પાકિસ્તાન સંબંધોને સામાન્ય બનાવવા માટે રાજદ્વારી પ્રયાસો કર્યા.
9. અટલ બિહારી વાજપેયી
ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખનાર ચહેરાઓમાંથી એક અટલ બિહારી વાજપેયી ત્રણ વખત દેશના વડાપ્રધાન હતા. 25 ડિસેમ્બર 1924ના રોજ જન્મેલા અટલ બિહારી વાજપેયીએ 1942માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો જ્યારે તેમના ભાઈને ભારત છોડો આંદોલન દરમિયાન 23 દિવસની જેલમાં રાખવામાં આવ્યા હતા. 1951માં વાજપેયીએ RSSની મદદથી ભારતીય જન સંઘ પાર્ટીની રચના કરી જેમાં શ્યામા પ્રસાદ મુખર્જી જેવા નેતાઓ જોડાયા. ઈમરજન્સી દરમિયાન જેલમાં બંધ વાજપેયી 1996થી 2004 દરમિયાન ત્રણ વખત વડાપ્રધાન બન્યા હતા. 1996ની લોકસભા ચૂંટણીમાં ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી અને વાજપેયી પહેલીવાર વડાપ્રધાન બન્યા હતા. જો કે, સંસદમાં સંપૂર્ણ બહુમતી હાંસલ ન કરવાને કારણે તેમની સરકાર 13 દિવસમાં પડી ગઈ.
1998ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીને વધુ બેઠકો મળી અને કેટલાક અન્ય પક્ષોની મદદથી વાજપેયીએ એનડીએની રચના કરી અને ફરીથી વડાપ્રધાન બન્યા. આ સરકાર 13 મહિના સુધી ચાલી, પરંતુ વચ્ચે જયલલિતાની પાર્ટીએ સરકાર છોડી દીધી, જેના કારણે સરકાર પડી ગઈ. 1999માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં બીજેપી ફરી સત્તામાં આવી અને આ વખતે વાજપેયીએ પોતાનો કાર્યકાળ પૂરો કર્યો. તેમના કાર્યકાળ દરમિયાન જ ભારતમાં ખાનગીકરણને પ્રોત્સાહન આપવામાં આવ્યું, ડિસઇન્વેસ્ટમેન્ટ શરૂ થયું અને પોખરણનું પરમાણુ પરીક્ષણ પણ વાજપેયી સરકાર દરમિયાન થયું. તેમણે ભારત-પાકિસ્તાન સંબંધોને પાટા પર લાવવા માટે ઘણા મહત્વપૂર્ણ પ્રયાસો કર્યા.
10. મનમોહન સિંહ
દેશના 13મા વડાપ્રધાન મનમોહન સિંહ સતત 10 વર્ષ (22 મે 2004થી 26 મે 2014 સુધી) વડાપ્રધાન રહ્યા. મનમોહન સિંહ 1991માં પ્રથમ વખત રાજ્યસભાના સાંસદ બન્યા હતા. તેઓ 1991થી 1996 સુધી નરસિમ્હા રાવ સરકારમાં નાણામંત્રી હતા. દેશના આર્થિક સુધારાનો શ્રેય એટલો જ નરસિમ્હા રાવને જાય છે જેટલો મનમોહન સિંહને જાય છે.
26 સપ્ટેમ્બર 1932ના રોજ અવિભાજિત ભારતમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જન્મેલા, મનમોહન સિંહના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન અમેરિકા સાથે ભારતનો ઐતિહાસિક નાગરિક પરમાણુ કરાર થયો હતો. ડૉ.મનમોહને દેશમાં આર્થિક સુધારામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. દેશમાં રોજગાર ગેરંટી યોજનાને સફળ બનાવનાર અધિનિયમની શરૂઆત પણ તેમના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી. અગાઉ તેને રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (NREGA) કહેવામાં આવતું હતું, પરંતુ 2 ઓક્ટોબર 2009ના રોજ તેનું નામ બદલીને કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શિક્ષણનો અધિકાર અને માહિતીનો અધિકાર તેમના કાર્યકાળની મહત્ત્વની સિદ્ધિઓ હતી.
11. નરેન્દ્ર મોદી
2014થી 2019 અને ત્યારબાદ 2024 સુધી સતત બે ટર્મ સુધી વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદી હવે ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળવા જઈ રહ્યા છે, જે પોતાનામાં એક રેકોર્ડ છે. મોદીએ 2014માં એવા સમયે દેશની કમાન સંભાળી હતી જ્યારે કૌભાંડો સામાન્ય હતા અને ઘણા કેન્દ્રીય પ્રધાનોએ તેમના હોદ્દા ગુમાવ્યા હતા.
17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં જન્મેલા નરેન્દ્ર મોદી સંઘના સ્વયંસેવક રહી ચૂક્યા છે. ત્રણ વખત ગુજરાતના મુખ્યમંત્રી રહેલા મોદીના નેતૃત્વમાં ભાજપે સતત બે વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી. ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ’ ના સૂત્રથી પ્રેરિત થઈને, તેમણે દેશના શાસનમાં પરિવર્તનની શરૂઆત કરી જે સર્વસમાવેશક, વિકાસલક્ષી અને ભ્રષ્ટાચારમુક્ત હતી. તેમના કાર્યકાળ દરમિયાન જન ધન, સ્વચ્છ ભારત, આયુષ્માન ભારત અને ડિજિટલ ઈન્ડિયા જેવા કાર્યક્રમોને કારણે દેશમાં ક્રાંતિકારી ફેરફારો થયા. આ સમયગાળા દરમિયાન ભારતની વિદેશ નીતિમાં સૌથી મહત્વપૂર્ણ ફેરફારો થયા.
આ પણ જુઓ: કોણ બનશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ? ગુજરાતમાં પણ પ્રદેશ અધ્યક્ષ બદલાશે?