ભાજપ અને મોદી સાથે લોકોએ વિશ્વાસઘાત કર્યો, પણ…જાણો શું કહ્યું સ્વામી રામભદ્રાચાર્યે
- ભારતીય શાસ્ત્રોના મહાપંડિત સ્વામી રામભદ્રાચાર્ય મોદી સરકારની શપથવિધિમાં હાજરી આપશે
નવી દિલ્હી, 9 જૂનઃ ભારતીય શાસ્ત્રોના મહાપંડિત સ્વામી રામભદ્રાચાર્ય આજે રવિવારે સાંજે નવી દિલ્હીમાં યોજાઈ રહેલા મોદી-3.0 સરકારના શપથવિધિ સમારંભમાં હાજરી આપશે. સ્વામીજી હાલ હરિદ્વારના કંખલમાં શ્રી રામકથા કરી રહ્યા છે, તેમાંથી સમય કાઢીને દિલ્હી આવશે.
નરેન્દ્ર મોદી સરકારના શપથવિધિ સમારંભમાં હાજર રહેવાનું નિમંત્રણ મળ્યા બાદ કંખલમાં સમાચાર ચેનલ ઈન્ડિયા ટીવી સાથે વાત કરતા સ્વામી રામભદ્રાચાર્યે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી ત્રીજી વખત સરકાર બનાવી રહ્યા છે તે અત્યંત આનંદની વાત છે. નરેન્દ્ર મોદી મારા મિત્ર છે. તેઓ એક કુશળ શાસક અને સફળ વડાપ્રધાન છે.
ઈન્ડિયા ટીવી સાથે વાતચીત દરમિયાન એક પ્રશ્નના જવાબમાં આ મહાપંડિતે કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં અયોધ્યા (ફૈઝાબાદ લોકસભા બેઠક) તથા તેની આસપાસના ક્ષેત્રોમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો તેનાથી તેમને ઘણું ખરાબ લાગ્યું છે. ભાજપ અને મોદી સાથે લોકોએ વિશ્વાસઘાત કર્યો છે, પરંતુ ધીમેધીમે બધું ઠીક થઈ જશે.
આ તરફ, મોદીના નેતૃત્વ હેઠળ NDA સરકાર ત્રીજી વખત શપથ લેવાની તડામાર તૈયારી કરી રહી છે. રાષ્ટ્રપતિ ભવનના આંગણમાં યોજનાર આ સમારંભમાં આશરે 8,000થી વધુ મહેમાનો હાજરી આપશે. જેમાં સ્વામી રામભદ્રાચાર્ય સહિત મોટી સંખ્યામાં સાધુ-સંતોનો પણ સમાવેશ થાય છે. સ્વામી રામભદ્રાચાર્યે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, વડાપ્રધાન મોદીની સરકાર પાંચ વર્ષ સુધી મજબૂતીથી ચાલશે. ભાજપ પોતે ટૂંક સમયમાં પૂર્ણ બહુમતી મેળવી લેશે તેવો પણ તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
સ્વામી રામભદ્રાચાર્યજી હાલ મહાદેવ શિવનું સાસરું ગણાતા કંખલમાં રામકથા કરી રહ્યા છે. આ રામકથા 15 જૂન સુધી ચાલવાની છે. જોકે, એ દરમિયાન તેમને દિલ્હી આવવાનું નિમંત્રણ મળતા તેઓ શપથવિધિમાં હાજરી આપ્યા બાદ આવતીકાલે સોમવારે કંખલ પરત ફરશે અને રામકથા ફરી શરૂ કરશે.