કેન્દ્ર સરકારે દેશના ફ્લેગ કોડમાં ફેરફાર કર્યો છે, જેના હેઠળ હવે દિવસ અને રાત બંને સમયે ત્રિરંગો ફરકાવવાની મંજૂરી આપવામાં આવશે. તેમજ હવે પોલિએસ્ટર અને મશીનથી બનેલા રાષ્ટ્રધ્વજનો પણ ઉપયોગ કરી શકાશે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સરકાર 13 થી 15 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને આ પગલું સામે આવ્યું છે.
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના સચિવોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ભારતીય રાષ્ટ્રીય ધ્વજનું પ્રદર્શન, ફરકાવવું અને તેનો ઉપયોગ ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002 અને રાષ્ટ્રીય ગૌરવના અપમાન નિવારણ અધિનિયમ, 1971 હેઠળ આવે છે.
પત્ર અનુસાર, 20મી જુલાઈ, 2022ના આદેશ દ્વારા ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002માં સુધારો કરવામાં આવ્યો છે અને હવે ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002ના ભાગ II ના પેરા 2.2 ની કલમ (11) હવે આ રીતે વાંચવામાં આવશે, ‘જ્યાં ધ્વજ ખુલ્લામાં પ્રદર્શિત થાય છે અથવા નાગરિકના ઘરે પ્રદર્શિત થાય છે, તે દિવસ-રાત લહેરાવી શકાય છે.’
અગાઉ તિરંગો માત્ર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ફરકાવવાની છૂટ હતી. તેવી જ રીતે, ધ્વજ સંહિતાની બીજી જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘રાષ્ટ્રધ્વજ હાથથી કાંતવામાં આવશે અને હાથથી વણાયેલ અથવા મશીનથી બનેલો હશે. તે કોટન-પોલિએસ્ટર-ઉન સિલ્ક ખાદીમાંથી બનાવવામાં આવશે. અગાઉ, મશીનથી બનેલા અને પોલિએસ્ટરથી બનેલા રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવાની પરવાનગી ન હતી.