ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નીતિશ કુમારને ઈન્ડિ ગઠબંધનની PM પદની ઑફર હતી: JDU નેતા કે.સી.ત્યાગી

  • જે લોકો નીતિશ કુમારને સંયોજક તરીકે લાયક માનતા ન હતા, આજે તેઓ તેમણે વડાપ્રધાન પદની ઓફર કરી રહ્યા છે: કે.સી.ત્યાગી

નવી દિલ્હી, 8 જુન: નરેન્દ્ર મોદીની ત્રીજી વખત વડાપ્રધાન બનવાની તૈયારીઓ ચાલી રહી છે. તેઓ રવિવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લેવાના છે. આ દરમિયાન JDUના વરિષ્ઠ નેતા કે.સી.ત્યાગીએ દાવો કર્યો છે કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ‘ઈન્ડિ ગઠબંધન’ દ્વારા વડાપ્રધાન પદની ઓફર કરવામાં આવી હતી. આ ઓફરને નીતિશ કુમારે નકારી કાઢી હતી. અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવ્યા મુજબ, મોદી કેબિનેટમાં ઘણા સહયોગી પક્ષોના સાંસદોને પણ સામેલ કરવામાં આવી શકે છે. ગઈકાલે શુક્રવારે રાત્રે ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાના ઘરે NDA ગઠબંધનના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રાલયોને લઈને ચર્ચા થઈ હતી. મોદી 3.0 કેબિનેટનો ચહેરો કેવો હશે તેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે. NDAના સહયોગી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી), જનતા દળ યુનાઈટેડ (જેડીયુ) અને જનતા દળ (સેક્યુલર) સહિત અન્ય પક્ષોએ ભાજપ સમક્ષ તેમની માગણીઓ રજૂ કરી છે. જો કે હજુ સુધી એ જાહેર થયું નથી કે કઈ પાર્ટીને કયો પોર્ટફોલિયો મળશે.

શપથ સમારોહ પહેલા નવા ચૂંટાયેલા NDA સાંસદ કેબિનેટ મંત્રીઓની યાદીને અંતિમ રૂપ આપવા માટે એક બેઠક યોજાઈ હતી. PM મોદી અને તેમની નવી કેબિનેટના સભ્યો આવતીકાલે સાંજે એક ભવ્ય સમારોહમાં શપથ લેશે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જવાહરલાલ નેહરુ બાદ તેઓ પ્રથમ એવા વ્યક્તિ હશે કે જેઓ ત્રીજી વખત વડાપ્રધાન બનશે. 2014માં 282 બેઠકો અને 2019માં 303 બેઠકો જીતનાર ભાજપે આ વખતે 240 બેઠકો જીતી હતી (272-બહુમતીના નિશાનથી 32 ઓછી), પરંતુ NDAના સહયોગીઓની મદદથી {ચંદ્રબાબુ નાયડુની TDP (16 બેઠકો) અને નીતીશ કુમારની JDU (12 બેઠકો)} બહુમતીનો આંકડો પાર કર્યો અને 293 બેઠકો મેળવી. વિપક્ષી INDI ગઠબંધનને 232 બેઠકો મળી હતી.

JDU નેતા કે.સી. ત્યાગીએ શું કહ્યું?

ઈન્ડિ ગઠબંધન હજુ પણ નીતિશ કુમારને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યું છે. JDUનું કહેવું છે કે, “એક દિવસ પહેલા સુધી નીતિશ કુમારને પીએમ પદની ઓફર કરવામાં આવી હતી. પરંતુ તે હવે NDA સાથે છે.” કેસી ત્યાગીએ જણાવ્યું હતું કે, ‘ નીતિશ કુમારે અને અમારી પાર્ટીએ ઇન્ડિ બ્લોકની પીએમ પદની ઓફરને સીધો ફગાવી દીધી છે. સમયનું ચક્ર જુઓ, જે લોકો નીતિશ કુમારને સંયોજક તરીકે લાયક માનતા ન હતા, આજે તેઓ તેમણે વડાપ્રધાન પદની ઓફર કરી રહ્યા છે, પરંતુ હવે અમે NDA સાથે મજબૂતીથી છીએ.

JDUને કયું મંત્રાલય મળશે…?

હાલ રાજકીય વર્તુળોમાં સૌથી મોટી ચર્ચા એ છે કે, મોદી કેબિનેટમાં કયા પક્ષને કેટલા મંત્રી પદ મળવાના છે? મળતી માહિતી મુજબ. ભાજપે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. જ્યારે કે.સી. ત્યાગીને પૂછવામાં આવ્યું કે, JDUને મોદી કેબિનેટમાં કયું મંત્રાલય મળશે, તો તેમણે કહ્યું કે, “જુઓ, કયું મંત્રાલય આપવામાં આવશે અને કયું નહીં, તે વડાપ્રધાનનો વિશેષાધિકાર છે.

JDU તરફથી રામનાથ ઠાકુર અને લલન સિંહ કેબિનેટ મંત્રી બની શકે છે: સૂત્રો

જેડીયુમાંથી લલન સિંહ અને રામનાથ ઠાકુર કેબિનેટ મંત્રી બની શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બંને નેતાઓને કેન્દ્ર સરકારમાં મહત્ત્વપૂર્ણ મંત્રાલય પણ મળે તેવી શક્યતા છે.

આ પણ જુઓ: ઈન્ડી ગઠબંધન એક-બીજા સાથીદારોનો સ્વીકાર ન કરે તો…ખડગેએ કેમ આવું કહ્યું?

Back to top button