‘લોકો પાયલટ, ટ્રાન્સજેન્ડર અને શ્રમિક’ PMના શપથ સમારંભમાં હાજર રહેનારા મહેમાનોની યાદી જાણો
- નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદ માટેના શપથ ગ્રહણ સમારંભમાં ખાસ લોકો જ નહીં પરંતુ સામાન્ય લોકો પણ ભાગ લેશે
નવી દિલ્હી, 8 જૂન: નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન તરીકે શપથ લેશે. વડાપ્રધાન પદ માટે શપથ ગ્રહણ સમારંભનું રવિવારે 9 જૂનના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ શપથ ગ્રહણ સમારંભમાં માત્ર ખાસ લોકો જ નહીં પરંતુ સામાન્ય લોકો પણ ભાગ લઈ રહ્યા છે. આ પૈકી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ (નવી સંસદ ભવન)માં કામ કરતા કર્માચારીઓને બોલાવવામાં આવ્યા છે. વંદે ભારત અને મેટ્રોમાં કામ કરતા રેલવે કર્મચારીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકો, જાહેર આરોગ્ય સાથે જોડાયેલા લોકો, સ્વચ્છતા કાર્યકરો અને કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓને પણ બોલાવવામાં આવ્યા છે. આ સાથે રાંચીના હટિયા રેલવે ડિવિઝનમાં કાર્યરત લોકો પાયલટ ASP તિર્કીને પણ આ શપથ સમારંભમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝઝૂ પણ આપશે હાજરી
આ સાથે માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝઝૂ પણ મોદીના શપથ ગ્રહણ સમારંભમાં હાજરી આપશે. ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગે, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથ અને સેશેલ્સના પ્રમુખ વેવેલ રામખેલવાનને પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
બાંગ્લાદેશ PM શેખ હસીના અને નેપાળના વડાપ્રધાન આપશે હાજરી
અહેવાલો અનુસાર, રવિવારે યોજાનારા શપથ ગ્રહણ સમારંભમાં 8 હજારથી વધુ રાજનેતાઓ અને મહેમાનો આવવાની આશા છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, શ્રીલંકાના પ્રમુખ રાનિલ વિક્રમસિંઘે અને નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પણ સમારંભમાં હાજરી આપવાના હોવાની માહિતી મળી રહી છે.
બિહારથી કોણ-કોણ જોડાશે?
વડાપ્રધાનના શપથ ગ્રહણ સમારંભમાં બિહાર ભાજપના મોટા નેતાઓ અને પાર્ટીના અધિકારીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં બિહાર ભાજપના પ્રદેશ મહાસચિવ જગન્નાથ ઠાકુર, પ્રદેશ મહાસચિવ રાજેશ વર્મા અને સંજય ગુપ્તાના નામ સામેલ છે. આ સાથે બિહાર ભાજપે આ શપથ સમારંભમાં રાષ્ટ્રીય અધિકારીઓ, રાષ્ટ્રીય કાર્ય સમિતિના સભ્યો, ભાજપ મોરચાના પ્રદેશ અધ્યક્ષ, ભાજપના તમામ જિલ્લા પ્રમુખો, ક્લસ્ટર પ્રભારીઓ, લોકસભાના પ્રભારીઓને સામેલ કરવાની માંગ કરી છે.
આ પણ જુઓ: મીડિયા અને મનોરંજન ક્ષેત્રના દિગ્ગજ રામોજી રાવનું નિધન, PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ