મીડિયા અને મનોરંજન ક્ષેત્રના દિગ્ગજ રામોજી રાવનું નિધન, PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ
- 87 વર્ષીય રામોજી રાવે ખરાબ તબિયતને કારણે હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં શનિવારે મધરાત્રીના 3.45 કલાકે અંતિમ શ્વાસ લીધા
હૈદરાબાદ, 8 જૂન: મનોરંજન જગતમાંથી વહેલી સવારે એક ખૂબ જ દુઃખદ સમાચાર બહાર આવ્યા છે, જેનાથી દરેકની આંખોમાં આંસુ આવી ગયા છે. ઈનાડુ અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું આજે શનિવારે નિધન થયું છે. મળતી માહિતી મુજબ, 87 વર્ષીય રામોજી રાવને શુક્રવારે ખરાબ તબિયતના કારણે તેલંગાણામાં હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન શનિવારે મધરાત્રીના 3.45 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા અને આ દુનિયાને અલવિદા કહ્યું હતું. રામોજી રાવના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રામોજી ફિલ્મ સિટીમાં રાખવામાં આવશે. રામોજી રાવના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
The passing away of Shri Ramoji Rao Garu is extremely saddening. He was a visionary who revolutionized Indian media. His rich contributions have left an indelible mark on journalism and the world of films. Through his noteworthy efforts, he set new standards for innovation and… pic.twitter.com/siC7aSHUxK
— Narendra Modi (@narendramodi) June 8, 2024
પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
પીએમ મોદીએ પણ રામોજી રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું છે કે ‘શ્રી રામોજી રાવ ગારુનું નિધન અત્યંત દુઃખદ છે. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા હતા જેમણે ભારતીય મીડિયામાં ક્રાંતિ લાવી હતી. તેમના સમૃદ્ધ યોગદાનથી પત્રકારત્વ અને ફિલ્મની દુનિયા પર અમીટ(મોટી) છાપ છોડી છે. તેમના નોંધપાત્ર પ્રયાસોથી, તેમણે મીડિયા અને મનોરંજનની દુનિયામાં નવીનતા અને શ્રેષ્ઠતાના નવા ધોરણો સ્થાપિત કર્યા. રામોજી રાવ ગારુ ભારતના વિકાસ માટે ખૂબ જ ઉત્સાહી હતા. હું ભાગ્યશાળી છું કે તેમની સાથે વાર્તાલાપ કરવાની અને તેમની શાણપણનો લાભ લેવાની ઘણી તકો મળી. હું આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય ચાહકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.
રામોજી ફિલ્મ સિટી વિશે જાણો
મહત્ત્વપૂર્ણ છે કે, રામોજી ફિલ્મ સિટી હૈદરાબાદની સ્થાપના 1996માં રામોજી રાવ દ્વારા કરવામાં આવી હતી, જેનો જન્મ 16 નવેમ્બર, 1936ના રોજ થયો હતો. રામોજી ફિલ્મ સિટીને વિશ્વનો સૌથી મોટો ફિલ્મ શૂટિંગ સ્ટુડિયો માનવામાં આવે છે. તે ભારતના તેલંગાણા રાજ્યમાં આવેલું છે. આ સ્ટુડિયો કુલ કેમ્પસ 1666 એકરમાં ફેલાયેલો છે. રામોજી સ્ટુડિયોની સૌથી મોટી ખાસિયત એ છે કે, અહીં એક સાથે 15થી 25 ફિલ્મોનું શૂટિંગ થઈ શકે છે. અહીં કુલ 50 શૂટિંગ ફ્લોર છે. અત્યાર સુધીમાં આ સ્ટુડિયોમાં કુલ 25,000 ફિલ્મોનું શૂટિંગ થઈ ચૂક્યું છે. સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાહુબલી’ સિવાય ‘ચેન્નઈ એક્સપ્રેસ’, ‘સૂર્યવંશમ’, ‘દિલવાલે’, ‘નાયક’, ‘ગોલમાલ’ જેવી બોલિવૂડ ફિલ્મોનું પણ શૂટિંગ અહિયાં થયું હતું. આ સિવાય પણ ઘણી સીરીયલોનું શૂટિંગ અહીં થયું છે.
ચંદ્ર બાબુ નાયડુ હૈદરાબાદ જવા થયા રવાના
મીડિયા અને ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં રામોજી રાવનું યોગદાન ઘણું મોટું છે. તેમનું નિધનએ સમગ્ર મનોરંજન સમુદાય માટે મોટી ખોટ છે. હાલમાં તેમના નિધનના સમાચારથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મળતી માહિતી મુજબ, ચંદ્રાબાબુ નાયડુ રામોજી રાવના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપવા હૈદરાબાદ જશે. તેઓ ટૂંક સમયમાં નવી દિલ્હીના 50 અશોકા રોડથી હૈદરાબાદ જવા રવાના થશે.
આ પણ જુઓ:18મા મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનો આવતા અઠવાડિયે પ્રારંભ, આ વર્ષે થયું રેકોર્ડ સબમિશન