બનાસકાંઠાઃ ડીસામાં રસોડાના સામાનની ચોરી કરી વેચવા આવતો શખ્સ ઝડપાયો
પાલનપુર, 07 જૂન 2024, ધાનેરાથી કેટરિંગના ગોડાઉનમાંથી ચોરેલો રસોડાનો સામાન વેચવા ડીસા આવેલો શખ્સ દક્ષિણ પોલીસના હાથે ઝડપાયો હતો.ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટાફ ચોકી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન ખાનગી બાતમી હકીકત મળી હતી કે, રિશાલા બજાર પાસે એક ઇસમ શંકાસ્પદ રસોડાના વાસણોનું વેચાણ કરવા આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેને વિશ્વાસમાં લઇ તેની પૂછપરછ કરતા ધાનેરા પુલ પરથી બજારમાં જવાના રસ્તે આવેલા કેટરિંગના ગોડાઉનમાંથી ગોડાઉનના તાળા તોડી રસોડાના વિવિધ સામાનની ચોરી કરી હતી.
પોલીસે ચોરી નો મુદ્દા માલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી
આ માલ વેચવા તે ડીસા આવ્યો હતો. પોલીસે ત્રણ ગ્રેવી મશીનની ઘંટીઓ, અને કંપની વગરના બે સ્ટવ અને એક રોટલી બનાવવાનું બમ્પર અને ભારતીય કંપનીનો એક કોમર્શિયલ ખાલી ગેસ સિલિન્ડર અને મેટલ પ્લાસ્ટિકના બાઉલ આશરે 380 મળી કુલ કિંમત રૂ.46900/-નો માલસામાન મળી આવ્યો હતો. આ માલ સામાન ચોરી થઈ હોય તેવો ગુનો ધાનેરા પોલીસ મથકે પણ નોંધાયેલો હતો.આથી ડીસા શહેર દક્ષિણ પોલીસે ચોરી નો મુદ્દા માલ જપ્ત કરી ચોરી કરનાર શખ્સ દશરથ ઉર્ફે માકડી ગોવિંદજી ઠાકોર રહેવાસી- વાડી રોડ, ટેકરામેલડી માતાજી મંદિર પાસે ડીસા ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃગેનીબેનના નિવેદનથી પક્ષના કાર્યકરો નારાજ, જુઓ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પોસ્ટ