ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લાલુ પ્રસાદ યાદવ સહિત 78 સામે CBIએ દાખલ કર્યું આરોપનામું, જાણો શું છે કેસ?

Text To Speech

નવી દિલ્હી, 7 જૂન, 2024: નોકરીના બદલામાં જમીનનો સોદો કરવાના કેસમાં સીબીઆઈએ આજે ​​લાલુ પ્રસાદ યાદવ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં અંતિમ ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં 78 લોકોના નામ છે, જેમાં નોકરી મેળવવા માટે જમીન આપનારા અરજદારોનો પણ સમાવેશ થાય છે. આ પહેલા દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સીબીઆઈને ચાર્જશીટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 29 મેના રોજ પોતાના આદેશમાં કહ્યું હતું કે સીબીઆઈએ 7 જૂન સુધીમાં અંતિમ ચાર્જશીટ દાખલ કરવી પડશે. કોર્ટે સીબીઆઈ દ્વારા દરેક તારીખે ચાર્જશીટ દાખલ કરવા માટે સમય માંગવા પર પણ નારાજગી વ્યક્ત કરી હતી.

આ કેસમાં આરોપનામું દાખલ કરવામાં થઈ રહેલા વિલંબ સામે અગાઉ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને તેથી જ આજે CBIએ લેન્ડ ફોર જોબ (નોકરીના બદલામાં જમીન) કેસમાં લાલુ પ્રસાદ યાદવ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ અંતિમ ચાર્જશીટ દાખલ કરી હતી. સીબીઆઈએ લાલુ પ્રસાદ યાદવ અને અન્યો વિરુદ્ધ એડિશનલ સેશન્સ જજ વિશાલ ગોગણેની કોર્ટમાં આ ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈએ આ ગંભીર કેસમાં 78 લોકોને આરોપી બનાવ્યા છે. આ અંગે સીબીઆઈએ કહ્યું કે આરોપીઓમાં એ 38 ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે જેમણે લાલુ યાદવ અને તેમના માણસોની માગણી સામે ઝૂકીને નોકરી મેળવવા માટે પોતાની જમીન આપી દીધી હતી. આ ઉપરાંત આ કેસના આરોપીઓમાં રેલવેના કેટલાક અધિકારીઓ પણ સામેલ છે અને તેમની સામે કેસ ચલાવવા માટે મંત્રાલયની મંજૂરીની રાહ જોવાઈ રહી છે તેમ સીબીઆઈએ કહ્યું હતું. આ કેસમાં રેલવેના અધિકારીઓ વિરુદ્ધ કેસ ચલાવવા માટે 6 જુલાઈ સુધીમાં મંજૂરી મળવાની આશા છે. કોર્ટ 6 જુલાઈએ ચાર્જશીટ પર સુનાવણી કરશે.

લેન્ડ ફોર જોબ કેસ 2004 થી 2009નો છે, જ્યારે લાલુ યાદવ રેલવેમંત્રી હતા. લાલુ પર આરોપ છે કે જ્યારે પદ પર હતા ત્યારે લાલુ યાદવે તેમના પરિવાર માટે જમીનના બદલામાં રેલવેમાં નોકરીઓ આપી હતી. સીબીઆઈએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે રેલવેમાં જે ભરતી કરવામાં આવી છે તે ભારતીય રેલવેની માર્ગદર્શિકા અને ધોરણો અનુસાર નથી.

આ પણ વાંચોઃ બ્રેકિંગ ન્યૂઝ અને અફવાના આધારે દેશ નહીં ચાલેઃ મોદી

Back to top button