ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બ્રેકિંગ ન્યૂઝ અને અફવાના આધારે દેશ નહીં ચાલેઃ મોદી

  • મારી સહી વાળો કાગળ બતાવે તો પણ સીધેસીધું માની ન લેશોઃ વડાપ્રધાન
  • વિપક્ષોએ આ વખતે ફેક ન્યૂઝ ફેલાવવામાં ડબલ પીએચ.ડી કરી લીધી છેઃ મોદી

નવી દિલ્હી, 7 જૂનઃ નવી સરકારની રચનાની કામગીરીનો ધમધમાટ આજથી શરૂ થઈ ગયો છે. એનડીએ જૂથના 290 કરતાં વધુ નવા ચૂંટાયેલા તમામ સાંસદો આજે શુક્રવારે નવી દિલ્હીમાં એકત્ર થયા હતા અને દળના નેતા અને વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના નામ ઉપર મહોર મારી હતી.

રાજધાની દિલ્હીમાં જૂના સંસદભવનમાં આવેલા સેન્ટ્રલ હૉલ, જેને હવે બંધારણ હૉલ નામ આપવામાં આવ્યું છે ત્યાં એનડીએ દળની બેઠકમાં નેતા તરીકે સર્વસંમતિથી ચૂંટાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ટ્રેડમાર્ક મુજબ જબરજસ્ત ચાબખા મારતું પ્રવચન કર્યું હતું. વડાપ્રધાને ગત 10 વર્ષમાં તેમની સરકારે સાધેલી પ્રગતિ અને આગામી સમયમાં સરકારની પ્રાથમિકતાઓ વિશે વાત કરી હતી.

NDAના નવા ચૂંટાયેલા સાંસદોને સંબોધતા વડાપ્રધાને કેટલીક સલાહ પણ આપી હતી. તેમણે જણાવ્યું કે, કેટલાક લોકો તમારી પાસે આવશે અને કહેશે કે તમને પ્રધાનમંડળમાં સ્થાન અપાવી દઈશું, અમે કહીએ એટલું કરો. પરંતુ આવી વાતો ઉપર વિશ્વાસ ન કરશો.

નરેન્દ્ર મોદીએ વિપક્ષો ઉપર આકરો પ્રહાર કરતા કહ્યું કે, હવે એવી ટેકનિક નીકળી છે કે મારી સહી વાળો કાગળ તમને બતાવવામાં આવશે જેમાં નવી સરકારના પ્રધાનોના નામો હોય. પરંતુ તેના ઉપર વિશ્વાસ ન કરશો. આ વખતે વિરોધ પક્ષોએ આવી ફેક બાબતોમાં મહારત હાંસલ કરી લીધી છે. હકીકતે વિપક્ષોએ આવા ફેક સમાચારો ફેલાવવામાં ડબલ પીએચ.ડી. કર્યું છે તેમ વડાપ્રધાન મોદીએ એનડીએના સાંસદોને સંબોધતા કહ્યું હતું. સાથે તેમણે ઉમેર્યું કે, આ તમામ વાતો અને પ્રયાસો તદ્દન નિરર્થક રહેશે. કશા ઉપર વિશ્વાસ કરશો નહીં. અફવા અને બ્રેકિંગ ન્યૂઝના આધારે દેશ નહીં ચાલે, તેમ તેમણે જણાવ્યું હતું.

આ અગાઉ, એનડીએના તમામ પક્ષોની સંયુક્ત બેઠક સેન્ટ્રલ હૉલ (બંધારણ હૉલ)માં મળી હતી, જ્યાં વિદાય લેતી સરકારના સંરક્ષણપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહે ભાજપ અને એનડીએના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામોનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. નારા ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર, એકનાથ શિંદે, અજિત પવાર, અનુપ્રિયા પટેલ, ચિરાગ પાસવાન, કુમાર સ્વામી સહિત તમામ સાથી પક્ષોના નેતાઓએ તેનું સમર્થન કર્યું હતું.

આ પણ વાંચોઃ જાણી લો: રાહુલ ગાંધીએ શૅરબજાર અંગે ચિંતા તો વ્યક્ત કરી પણ એ પોતે ત્રણ દિવસમાં કેટલું કમાયા?

Back to top button