T-20 વર્લ્ડ કપT20 વર્લ્ડકપટોપ ન્યૂઝવિશેષસ્પોર્ટસ

T20 World Cupના ઇતિહાસનો સહુથી મોટો અપસેટ; પાકિસ્તાનની શરમજનક હાર!

Text To Speech

7 જૂન, ડલાસ: 2007થી ICC T20નો વર્લ્ડ કપ આયોજિત કરી રહ્યું છે. ત્યારથી આજ સુધી જો આ ટુર્નામેન્ટમાં સહુથી મોટો અપસેટ જોવામાં આવ્યો છે તો તે ગઈકાલની મેચમાં જોવા મળ્યો છે. ગઈકાલે ICC T20 World Cup 2024ની રાઉન્ડ મેચમાં સહ-યજમાન યુએસએ સામે પાકિસ્તાનની શરમજનક હાર થઇ છે. પૂરી 20 ઓવર્સમાં મેચનું પરિણામ મળ્યું ન હતું આથી મેચ સુપર ઓવરમાં ગઈ હતી જ્યાં યુએસએની ટીમે પાકિસ્તાનને હાર આપી હતી.

ટોસ જીતીને યુએસએ પહેલા બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનની શરૂઆત જ ખરાબ રહી હતી. સમાન્ય રીતે પાવરપ્લેમાં ફટકાબાજી જોવા મળતી હોય છે પરંતુ પાકિસ્તાન તેમ કરવામાં નિષ્ફળ રહ્યું હતું. ઉલટું પાકિસ્તાને પાવરપ્લેમાં જ પોતાની ત્રણ મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી.

ત્યારબાદ કેપ્ટન બાબર આઝમ અને શાદાબ ખાન વચ્ચે મહત્વની ભાગીદારી નોંધાઈ હતી, પરંતુ શાદાબના આઉટ થયા બાદ ફરીથી પાકિસ્તાનની વિકેટો પડવા લાગી હતી અને તે ફક્ત 159 રન્સ બનાવી શક્યું હતું.

જવાબમાં યુએસએની શરૂઆત ઘણી સારી રહી હતી. કેપ્ટન મોનાંક પટેલ અને સ્ટીવન ટેલરે મિશ્ર શરૂઆત કરી હતી. ત્યારબાદ એન્ડ્રીયસ ગૌસે જબરદસ્ત ફટકાબાજી કરી હતી. પરંતુ પાકિસ્તાની બોલર્સે એક પછી એક વિકેટો લઈને ટીમને મેચમાં પરત લાવી હતી. તેમ છતાં યુએસની ટીમે 20મી ઓવરના છેલ્લા બોલે ફોર મારીને મેચ ટાઈ કરી દીધી હતી અને ત્યારબાદ સુપર ઓવર રમાઈ હતી.

સુપર ઓવરમાં અમેરિકાએ પહેલી બેટિંગ કરતાં 18 રન્સ બનાવ્યા હતા જેના જવાબમાં પાકિસ્તાને 1 વિકેટ ગુમાવીને ફક્ત 13 રન્સ બનાવ્યા હતા. આ રીતે આ વર્લ્ડ કપનો જ નહીં પરંતુ અત્યાર સુધીના તમામ T20 World Cups અને કદાચ ક્રિકેટના ઇતિહાસનો સહુથી મોટો અપસેટ સર્જાયો હતો.

અત્રે એ નોંધનીય છે કે અમેરિકાની ટીમમાં અમેરિકન મૂળના ખેલાડીઓ સાવ ઓછા કે પછી નહીવત છે. આ ટીમમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા કે પછી વેસ્ટ ઇન્ડિઝથી આવેલા પ્રવાસીઓ જ સામેલ છે. આ ઉપરાંત યુએસએની ટીમ તેનો સહુથી પ્રથમ વર્લ્ડ કપ રમી રહી છે અને આથી જ આ પાકિસ્તાનની શરમજનક હાર ગણવામાં આવી રહી છે.

પાકિસ્તાન માટે હવે વર્લ્ડ કપના આગલા રાઉન્ડમાં પહોંચવું કદાચ તકલીફભર્યું રહી શકે છે. તે પોતાની આગલી મેચ ભારત સામે રવિવારે ન્યૂયોર્કમાં રમશે.

Back to top button