અમદાવાદ, 06 જૂન 2024 સ્માર્ટસિટીમાં વરસાદની સિઝનમાં પાણી ભરાઈ જવાથી લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. ત્યારે હવે ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને AMCએ પાલડી સંસ્કાર કેન્દ્ર ખાતે મોનસુન મુખ્ય કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. ભારે કે અતિભારે વરસાદ કે ભારે પવન તેમજ વાવાઝોડાના સંજોગોમાં ઝાડ પડવાના, રસ્તા બેસી જવાના, બ્રેક ડાઉન, ભયજનક મકાનો પડી જવાના, હોર્ડિંગ્સ પડી જવાના, નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવા જેવી સમસ્યાઓના નિરાકરણ માટે મુખ્ય કંટ્રોલ રૂમ સહિત જુદાં જુદાં ઝોનમાં ઈજનેર, એસ.ટી.પી., બગીચા ખાતે તેમજ એસ્ટેટ વિભાગની ફરિયાદોના નિવારણ માટે સાત ઝોનમાં ત્રણ શિફ્ટમાં મોન્સૂન કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યો છે.
વોટ્સએપથી મોન્સૂન સંબંધિત ફરિયાદો નોંધાવી શકાશે
અમદાવાદમાં ચોમાસા દરમિયાન વરસાદને કારણે ઉદભવતી સમસ્યાઓનો તાત્કાલિક નિકાલ થઈ શકે તે માટે શહેરીજનો મોનસુન મુખ્ય કંટ્રોલ રૂમ સહિત સાત ઝોનમાં શરૂ કરવામાં આવેલા કંટ્રોલ રૂમમાં વોટ્સએપ માધ્યમથી મોન્સૂન સંબંધિત ફરિયાદો નોંધાવી શકે છે. જેના માટે દરેક ઝોનનો અલગ વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેના થકી લોકો ચોમાસામાં પાણી ભરાવવા, ઝાડ પડી જવા, હોર્ડીગ્સ પડી જવા વગેરે પ્રકારની ફરિયાદો કરી શકશે. મોન્સૂન કંટ્રોલ રૂમ દ્વારા જુદા જુદા ઝોનના કંટ્રોલ રૂમમાંથી દર બે કલાકે વરસાદની માહિતી / વરસાદના આંકડા મેળવવામાં આવે છે. ઉપરાંત વાસણા બેરેજ તથા ધરોઈ ડેમના લેવલ પણ મેળવવામાં આવશે.
કંટ્રોલ રૂમને ઈન્ટરનેટ માધ્યમથી ડિઝિટલી કનેકટ કરવામાં આવ્યા
મુખ્ય કંટ્રોલ રૂમ ખાતેથી જુદાં જુદાં ઝોનના 24 કંટ્રોલ રૂમો અને અન્ડરપાસોને વાયરલેસ સીસ્ટમ અને ઈન્ટરનેટ માધ્યમથી ડિઝિટલી કનેકટ કરવામાં આવ્યા છે તેમજ વરસાદ માપવાના કુલ 26 અદ્યતન ઓટોમેટીક રેઈન ગેજ મુકવામાં આવ્યા છે. મોન્સૂન કંટ્રોલ રૂમની કામગીરીનું 24 કલાક મોનીટરીંગ / સુપરવિઝન કરી મહત્તમ ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે. જુદા જુદા ઝોનમાં ઝોનલ લેવલે ડે. મ્યુનિસિપલ કમિશનરની સીધી દેખરેખ અને સુચના મુજબ ઇજનેર વિભાગ, એસ્ટેટ વિભાગ, હેલ્થ વિભાગ, બગીચા ખાતાના અધિકારીઓ તેમજ મજૂર લેવલના સ્ટાફને ચોમાસા દરમ્યાન ઉભી થનાર આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી આવશ્યક માલસામાન, મેનપાવર તેમજ જુદી જુદી મશીનરીઓને વ્યવસ્થા સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે.
અલગ અલગ ઝોન વોટ્સએપ નંબરો
મુખ્ય કંટ્રોલરૂમ – 9978355303
મધ્ય ઝોન – 9724615846
પૂર્વ ઝોન – 9099063856
પશ્ચિમ ઝોન – 6359980916
ઉત્તર પશ્ચિમ ઝોન – 9726416113
દક્ષિણ પશ્ચિમ ઝોન – 6359980913
ઉત્તર ઝોન – 9726415552
દક્ષિણ ઝોન – 9099063239
આ પણ વાંચોઃઅમદાવાદમાં AMC પ્લોટ વેચવા કાઢશે, કાયમી વેચાણથી પ્લોટ આપી દેવામાં આવશે