ધરખમ ટીકાઓ અને ખેલાડીઓ માટે ભયજનક પીચ હોવા છતાં ન્યૂયોર્કની મેચો અન્યત્ર ખસેડવા ICC તૈયાર નથી
6 જૂન, ન્યૂયોર્ક: ન્યૂયોર્કના નસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની ભયજનક પીચની ચોમેર ટીકા થઇ રહી છે. ફક્ત પૂર્વ ક્રિકેટરો જ નહીં પરંતુ આ ICC T20 World Cup 2024 રમી રહેલા ક્રિકેટરો પણ ધીમાં સાદે તેનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે ICCને ખેલાડીઓની સુરક્ષાની કોઈજ ચિંતા નથી. ફક્ત પીચ જ નહીં પરંતુ આ મેદાનનું આઉટ ફિલ્ડ પણ ખતરનાક લાગી રહ્યું છે. ઉપર ઉપરથી ઘાસ જરૂર દેખાય છે પરંતુ નીચે ફક્ત અને ફક્ત માટી અથવાતો રેતી જ છે જે ફિલ્ડરોને ગમે ત્યારે ઈજાગ્રસ્ત કરી શકે છે.
અત્યારસુધી આ મેદાન પર રમાયેલી બે મેચમાંથી પહેલી મેચમાં શ્રીલંકાએ પહેલી બેટિંગ કરતાં ફક્ત 77 રન્સ બનાવ્યા હતા. જ્યારે ગઈકાલે ભારત સામે રમતાં આયરલેન્ડની પૂરી ટીમ ફક્ત 96 રન્સમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. આ મેચમાં ટાર્ગેટનો પીછો કરતાં ભારતના કેપ્ટન રોહિત શર્માને ઈજા થઇ હતી અને તે રીટાયર હર્ટ થઈને પેવેલીયન પરત જતો રહ્યો હતો.
રોહિતના ગયા બાદ તુરંત જ ઋષભ પંતને પણ એક અસામાન્ય ઉછાળ ધરાવતા બોલ ઉપર ઈજા થઇ હતી. આમ આ રીતે આ ભયજનક પીચ વિશે તમામ ખેલાડીઓના મનમાં શંકા છે. એક રિપોર્ટ અનુસાર ભારતીય ટીમના મેનેજમેન્ટને આ ટુર્નામેન્ટના આયોજકોને ખાનગીમાં પીચ વિશે પોતાની નારાજગી જતાવી દીધી છે.
અત્રે એ નોંધવું જરૂરી છે કે આ મેદાનની પીચો ઓસ્ટ્રેલિયાના એડિલેડથી આયાત કરવામાં આવી છે. આ પીચોને જહાજ દ્વારા ખાસ એડિલેડથી ન્યૂયોર્ક લાવવામાં આવી હતી. જોકે આ પ્રકારની ડ્રોપઇન પીચો ક્રિકેટ માટે નવાઈ નથી પરંતુ જે રીતે આ પીચનું વર્તન રહ્યું છે તે ખેલાડીઓમાં ભય પમાડી રહ્યું છે. આ પીચ પર અમુક બોલ નીચાં રહી જાય છે તો અમુક બોલ ગૂડ લેન્થ પરથી ભયજનક રીતે બાઉન્સ થાય છે જે બેટ્સમેનની કોણી, ખભો, છાતી અથવાતો માથાને ઈજાગ્રસ્ત કરી શકે તેમ છે.
એક રિપોર્ટ અનુસાર ICC આ પીચોનું નિરીક્ષણ તો કરી રહી છે પરંતુ આ મેદાન પર રમાનાર મેચો અન્યત્ર લઇ જવાનો તેનો કોઈજ ઈરાદો નથી. એ પણ અહીં નોંધવું જોઈએ કે આ મેદાનને ફક્ત આ વર્લ્ડ કપ પૂરતું જ ઉભું કરવામાં આવ્યું છે.