અમદાવાદ, 06 જૂન 2024, ગુજરાતમાં મોબાઈલ સ્નેચિંગ અને ચેઈન સ્નેચિંગની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. જેમાં ખાસ કરીને ટ્રેનમાં મુસાફરી કરતાં લોકોના મોબાઈલ ઝૂંટવાઈ જવાની ઘટનાઓ વધી રહી છે. વડોદરાથી મહેસાણા જતી ટ્રેનમાં એક મુસાફર દરવાજા પાસે ઉભા હતાં અને શાહિબાગ અન્ડરબ્રિજ નીચે ઉભેલા બે ઈસમોએ મુસાફરના હાથમાંથી મોબાઈલ ઝૂંટવ્યો હતો અને મુસાફરનું બેલેન્સ ખસી જતાં તેઓ નીચે પડી ગયાં હતાં. આ ઈસમો મોબાઈલ લઈને ફરાર થઈ ગયાં હતાં. મુસાફરે અમદાવાદ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરાથી મહેસાણા જઈ રહ્યા હતાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે સોહિત ગીરી હાલોલ ખાતે રહે છે અને પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે. તેમણે અમદાવાદ રેલવે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ ગત બીજી જૂનના રોડ વલસાડ-વડનગર ઇન્ટરસીટી ટ્રેનના આગળના જનરલ કોચમાં બેસી વડોદરાથી મહેસાણા જવા માટે મુસાફરી કરતા હતાં. આ ટ્રેન સવારે અમદાવાદ રેલવે સ્ટેશનથી ઉપડી હતી. આ દરમિયાન ફરિયાદી સોહિત વોશરૂમ જવા માટે ગયા હતાં અને પરત આવતાં તેઓ ટ્રેનના દરવાજા પાસે ઉભા હતાં.
સ્નેચરો મોબાઈલ ફોન લઈને ભાગી ગયાં
તેમણે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ટ્રેન ધીમી થઈને શાહિબાગ અંડરબ્રિજ પાસે પહોંચી હતી અને બે ઈસમોએ તેમના હાથમાંથી મોબાઈલ ખેંચ્યો હતો. આ દરમિયાન ફરિયાદી મુસાફરનું સંતુલન ખસી જતાં તેઓ નીચે પડી ગયાં હતાં. ત્યાં ચાલતા રાહદારીઓએ 108ને ફોન કરીને તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યાં હતાં. બે ઈસમોએ તેમનો 17 હજારની કિંમતનો મોબાઈલ ફોન સ્નેચિંગ કરીને ભાગી ગયાં હતાં. પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃકેન્સરની બીમારીએ પોલીસકર્મીને ગુનેગાર બનાવ્યો, ઈલાજ માટે 53.65 લાખની ઉચાપત કરી