મતદાર યાદીમાં તો સંખ્યા વધી, પરંતુ સંસદમાં નહીં: માત્ર 73 મહિલા સાંસદો જ લોકસભામાં ચૂંટાયા
- 2019ની સરખામણીમાં મહિલા સાંસદોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો
નવી દિલ્હી, 6 જૂન: લોકસભા ચૂંટણીના મંગળવારે જાહેર થયેલા પરિણામોમાં કુલ 73 મહિલાઓ સાંસદ તરીકે ચૂંટાયા છે, જ્યારે 2019ની સામાન્ય ચૂંટણીમાં આ સંખ્યા 78 હતી. દેશભરમાંથી નીચલા ગૃહમાં ચૂંટાયેલી કુલ મહિલા સાંસદોમાં પશ્ચિમ બંગાળ 11 મહિલાઓ સાથે આગળ છે. કુલ 797 મહિલા ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાં ભાજપે સૌથી વધુ 69 મહિલા ઉમેદવારો અને કોંગ્રેસે 41 મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. સંસદમાં મહિલા અનામત બિલ પસાર થયા બાદ આ પ્રથમ ચૂંટણી છે. આ કાયદામાં લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે. આ કાયદો હજુ અમલમાં આવ્યો નથી.
હેમા માલિની, મહુઆ મોઇત્રા, સુપ્રિયા સુલે અને ડિમ્પલ યાદવે લોકસભા ચૂંટણીમાં તેમની બેઠકો જાળવી રાખી હતી જ્યારે કંગના રનૌત અને મીસા ભારતી જેવા ઉમેદવારોએ તેમની જીત સાથે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું.
ક્યા પક્ષમાંથી કેટલી મહિલાઓ ચૂંટણી જીત્યા?
ચૂંટણીપંચના ડેટાના વિશ્લેષણ મુજબ, આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપની 30 મહિલા ઉમેદવારોએ જીત મેળવી હતી, જેમાં કોંગ્રેસની 14, તૃણમૂલ કોંગ્રેસની 11, સમાજવાદી પાર્ટીની 4, ડીએમકેની 3 તો જનતા દળ (યુનાઇટેડ) અને LJP(R)ની 2-2 મહિલા ઉમેદવારોએ જીત મેળવી હતી. સત્તરમી લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા સૌથી વધુ 78 હતી, જે કુલ સંખ્યાના 14 ટકા હતી.
પ્રિયા સરોજ, ઇકરા ચૌધરી સૌથી નાની વયના સાંસદ
16મી લોકસભામાં 64 મહિલા સભ્યો હતી જ્યારે 15મી લોકસભામાં આ સંખ્યા 52 હતી. ભાજપની હેમા માલિની, તૃણમૂલના મહુઆ મોઇત્રા, એનસીપીના (શરદચંદ્ર પવાર) સુપ્રિયા સુલે અને સમાજવાદી પાર્ટીના ડિમ્પલ યાદવે લોકસભા ચૂંટણીમાં પોતાની બેઠકો જાળવી રાખી હતી, જ્યારે કંગના રનૌત અને મીસા ભારતી જેવા ઉમેદવારોએ તેમની જીત સાથે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. સમાજવાદી પાર્ટીના 25 વર્ષીય ઉમેદવાર પ્રિયા સરોજ મછલીશહરથી અને 29 વર્ષીય ઈકરા ચૌધરી કૈરાના સીટથી જીતનારા સૌથી યુવા ઉમેદવારોમાં સામેલ છે.
આ પણ જુઓ: નરેન્દ્ર મોદી 7 જૂને સરકાર બનાવવા કરશે દાવો : NDA બેઠકમાં પ્રસ્તાવ પાસ