ગેનીબેનની સંગઠન મુદ્દે ટકોરઃ કોંગ્રેસ મજબૂત થઈને ચૂંટણી લડશે તો લોકોના આશિર્વાદ મળશે
બનાસકાંઠા, 05 જૂન 2024, ગુજરાતમાં બનાસકાંઠાની બેઠક પર જીત મેળવીને કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર હવે દિલ્હી દરબારમાં પહોંચી ગયાં છે. રાજ્યમાં ત્રીજી વાર હેટ્રિક મેળવવાનું ભાજપનું સપનું તેમણે રોળી નાંખ્યું છે. જીત મેળવ્યાના એક દિવસ બાદ જ ગેનીબેન ઠાકોર દ્વારા કોંગ્રેસના સંગઠનને લઈ સૂચક ટકોર કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસમાં હાલમાં ઉમેદવારે પોતાના દમ અને સમાજની તાકાત પર ચૂંટણી લડવી પડે છે. એના બદલે પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે કોંગ્રેસ મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ જન આશીર્વાદ મેળવશે.ગુજરાતમાં બનાસકાંઠા બેઠક પરની જીત કોંગ્રેસ માટે મોટી જીત ગણાઈ રહી છે. છેલ્લી બે ટર્મથી પાર્ટી એકપણ બેઠક જીતી શકતી ન હતી.
હું કોઈને સલાહ આપવા માટે સક્ષમ નથી
ગેનીબેને પાર્ટીના સંગઠન અંગે વાત કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો છે કે, ભાજપની સરખામણીમાં કોંગ્રેસનું સંગઠન હજી કાચુ છે. કોંગ્રેસની કામ કરવાની પદ્ધતિમાં ઘણો બધો અભાવ છે. જેના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય એના દમ પર લડવું પડે, પોતાની સમાજની તાકાતથી લડવું પડે. એના બદલે પેરેલલ પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે કોંગ્રેસ મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ જન આશીર્વાદ મેળવશે. બનાસકાંઠાએ એની શરૂઆત કરી દીધી છે. જે માણસ ખોટું કરે છે તેને જો પક્ષમાંથી દૂર નહીં કરો તો બીજા તેનાથી પ્રેરિત થતા હોય છે જેના કારણે પાર્ટીને નુકસાન થતું હોય છે. હું કોઈને સલાહ આપવા માટે સક્ષમ નથી, સલાહ આપવાનો મારો અધિકાર પણ નથી.
બનાસકાંઠા બેઠક ગેનીબેન ઠાકોરે જીતી બતાવી
ગેનીબેન ઠાકોરને કોંગ્રેસે 2024ના ચૂંટણી જંગમાં બનાસકાંઠાથી મેદાને ઉતાર્યા હતા. ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી. કોંગ્રેસને ગુજરાતમાં કેટલીક બેઠક મળવાનો અંદાજ હતો તેમાંની એક બનાસકાંઠા બેઠક પણ હતી. જે ગેનીબેન ઠાકોરે જીતી બતાવી છે. બનાસકાંઠામાં દરેક મુદ્દા ઉપર બેબાક બોલતા ગેનીબેને એકલા હાથે આખી ચૂંટણી લડી હતી. ગેનીબેનને એક લાભ એ થયો કે, કોંગ્રેસે તેમનું નામ પહેલું જાહેર કરી દેતા તેમણે એક પણ ચૂંટણી કાર્યાલય ખોલ્યા વગર આક્રમક પ્રચાર કર્યો હતો અને હર હંમેશ અલગ અલગ વિષયો મૂકીને ચર્ચામાં રહ્યા હતા. બનાસ ડેરી બનાસ બેંક સામે તેઓ હંમેશા નિશાન સાધતા રહ્યા. ભાજપના ઉમેદવારના હું ભણેલી ગણેલી શિક્ષિત મહિલા છું તેવા નિવેદનના સામે ગેનીબેને બનાસની બેનના મામેરા ભરવાનો ભાવનાત્મક માહોલ ઊભો કર્યો અને ગામેગામ મામેરુ ભરવા ટહેલ કરી હતી.
આ પણ વાંચોઃભાજપની હેટ્રિક અટકવાનો અફસોસ છે પણ ગેનીબેનની જીત મોટી જીત ના કહેવાયઃ વિજય રૂપાણી