T-20 વર્લ્ડ કપT20 વર્લ્ડકપટોપ ન્યૂઝવિશેષસ્પોર્ટસ

બાંગ્લાદેશ સામેની મેચ અંગેના રિપોર્ટરના સવાલ પર કેમ ગુસ્સે થયો રોહિત?

Text To Speech

5 જૂન, ન્યૂયોર્ક: ICC T20 World Cup 2024માં ભારત આજે પોતાની પહેલી મેચ આયરલેન્ડ સામે રમશે.  આ મેચ ન્યૂયોર્કના નસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરુ થશે. પરંતુ આ મેચ અગાઉ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં એક રિપોર્ટરના સવાલ પર ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ગુસ્સે થઇ ગયો હતો.

ગઈકાલે મેચ અગાઉની પરંપરા અનુસાર આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માને એક રિપોર્ટરે બાંગ્લાદેશ સામેની મેચમાં ઘટેલી ઘટના અંગે પ્રશ્ન કર્યો હતો. આ રિપોર્ટરે રોહિતને પૂછ્યું હતું કે જ્યારે મેચ દરમ્યાન એક ચાહક સિક્યોરીટીને તોડીને તેમની પાસે આવી ગયો હતો ત્યારે તમને કેવું લાગ્યું હતું.

રિપોર્ટરના સવાલ પર રોહિત શર્મા ગુસ્સે થઇ ગયો હતો. રોહિતે પોતાનો પ્રતિભાવ જણાવતા કહ્યું હતું કે સહુથી પહેલાં તો આ સવાલ જ ખોટો છે. આ પ્રકારે તમે સવાલ કરીને લોકોને કાયદો તોડવા માટે પ્રોત્સાહિત કરો છો જે ન થવું જોઈએ.

ત્યારબાદ રોહિતે પેલી ઘટના અંગે કહેતાં જણાવ્યું હતું કે આમ ન થવું જોઈએ. દરેક ખેલાડીની સુરક્ષા અતિશય મહત્વની હોય છે. ખેલાડી માટે તો હોય જ છે પરંતુ જે સંસ્થાઓ ખેલાડીઓની સુરક્ષાની જવાબદારી લેતા હોય છે તેમના માટે પણ તે ખૂબ મહત્વ ધરાવે છે.

રોહિતે આવનારી મેચો દરમ્યાન સુરક્ષા અંગે ફેન્સને વિનંતી કરી હતી કે તેઓ એવું કોઇપણ પગલું ન લે જેને કારણે તેમને, ખેલાડીઓને તેમજ સુરક્ષા એજન્સીઓને કોઈ તકલીફ પડે. રોહિતે કહ્યું હતું કે દરેક દેશના કાયદા અલગ હોય છે અને આપણે તમામે તેનું પાલન કરવું જોઈએ. રોહિતનું કહેવું હતું કે આટલું સુંદર સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે તો લોકોએ બેસીને આરામથી મેચની મજા માણવી જોઈએ.

જ્યારે એ જ રિપોર્ટરે પૂરક પ્રશ્ન પૂછ્યો હતો કે આવી ઘટનાથી તેમનું ધ્યાન ભટકે છે, ત્યારે રોહિતે તુરંત તેનો જવાબ આપતાં કહ્યું હતું કે આવી ઘટનાથી ખેલાડીનું ધ્યાન ભટકતું નથી. અમારું ધ્યાન અન્ય બીજી ઘણી બાબતો ઉપર હોય છે.

અત્રે એ નોંધનીય છે કે બાંગ્લાદેશ સામે ન્યૂયોર્કના જ આ સ્ટેડિયમમાં એક ફેન મેદાનમાં ઘૂસી આવ્યો હતો અને રોહિત શર્મા નજીક પહોંચી ગયો હતો. ત્યારબાદ ન્યૂયોર્ક પોલીસે તેની ખાસીએવી ખાતરબર્દાશ્ત કરી હતી.

Back to top button