ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : બનાસની બહેને ભાજપ પાસેથી બેઠક આંચકી લીધી

  • ગેનીબેન ઠાકોર વિજેતા બનતા કોંગ્રેસમાં જશ્નનો માહોલ
  • 10 વર્ષ બાદ આ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ

બનાસકાંઠા 4 જૂન 2024 : બનાસકાંઠા જિલ્લામાં આજે મંગળવારે પાલનપુર ખાતે હાથ ધરાયેલી લોકસભા બેઠકની ચૂંટણીની મતગણતરીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીને 30,000 મતોના માર્જિનથી પરાજિત કર્યા છે. બનાસ ની દીકરી સામે બનાસનાબેન વિજેતા બન્યા હતા. ગેનીબેન ઠાકોર ચૂંટણીમાં મામેરુ ભરવાની વાત કરતા હતા તેમનું મામેરુ જિલ્લાની પ્રજાએ ભરી દીધું હતું.

ગુજરાતમાં 26 બેઠકો ભાજપને મળવાનો આત્મવિશ્વાસ હતો પરંતુ બનાસકાંઠા જિલ્લામાં ભાજપ પાસેથી કોંગ્રેસે આ બેઠક છીનવી લેતા ભાજપની હેટ્રિક થઈ શકી ન હતી. અગાઉ કોંગ્રેસનો ગઢ કહેવાતા બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી ભાજપ એ પ્રભુત્વ જમાવ્યું હતું. પરંતુ 2024 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે.
આજે મંગળવાર યોજાયેલી મતગણતરીમાં 20-20 મેચ જુઓ રોમાંચક ટ્રેન્ડ રહ્યો હતો. લીડમાં ક્યારેક ડો. રેખાબેન ચૌધરી આગળ, તો ક્યારેક ગેનીબેન ઠાકોર આગળ ચાલતા હતા. છેલ્લે ગેનીબેનનું મામેરુ ભરાઈ ગયું હતું. વર્ષ 2014માં આ બેઠક ભાજપે જીતી હતી. ત્યારબાદ 2019 ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઇ ભટોળ સામે ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ 3,68,000 મતોની જંગી લીડ થી વિજેતા બન્યા હતા.

આ વખતે લોકસભાની ચૂંટણીમાં ડીસા વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપને 1,21,000 મતની લીડ મળે તેવો સંકલ્પ ચૂંટણી પ્રચારમાં વારંવાર દોહરાવાતો હતો પરંતુ તે સંકલ્પ પૂરો થઈ શક્યો નથી. વળી ઠાકોર સમાજે આ વખતે ગેનીબેનને પણ મજબૂત સમર્થન પૂરૂ પાડયું હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. ગુજરાતમાં 26 માંથી માત્ર બનાસકાંઠા બેઠક ભાજપે ખોઈ દેતા હવે આ બેઠક ઉપર ક્યાં ક્યાં ભૂલો થઈ છે તેનું ભાજપ પક્ષ દ્વારા મંથન શરૂ થશે. વળી બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના મોટા ગજાના નેતાઓને ભાજપમાં ખેંચી લાવીને જીત જ નહીં પરંતુ લીડ વધારવાની જિલ્લા ભાજપની ધારણા ખોટી પડી હોય તેવું જણાય છે. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર વિજેતા બનતા બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના કાર્યકરોમાં અને ઠાકોર સમાજમાં જશ્ન નો માહોલ જોવા મળે છે. ઠાકોર સમાજ દ્વારા ડીસામાં પણ ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : અમિત શાહ 7.44 અને પાટીલ 7.44 લાખની લીડથી જીત્યા, જાણો ગુજરાતમાં વધુ લીડ કોને મળી?

Back to top button