કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022વિશેષ

પરિપત્રનો ઉલાળ્યો ? ચૂંટણીની કામગીરીમાં બીએલઓની નિમણૂંક રહેઠાણની નજીક કરવા માંગ

Text To Speech

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજ્યભરમાં ચૂંટણીતંત્રની કામગીરીનો ધમધમાટ શરુ થઇ ગયો છે. દર વખતની જેમ બીએલઓને ચૂંટણીની કામગીરીમાં આ વર્ષે પણ વિધાનસભાની ચૂંટણી પૂર્વે અન્યાય થવાની દહેશત વ્યકત કરવા લાગ્યા છે અને કામગીરીનું સ્થળ રહેઠાણથી દૂર હોય તેને નજીક કરવા માંગ કરવામાં આવી છે.

જાગૃત નાગરિકે અન્યાય સામે બાંયો ચડાવી, રજુઆત અને ફરિયાદ કરી
ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા એક જાગૃત નાગરિકે બીએલઓને (બૂથ લેવલ ઓફિસર) થતા અન્યાય પરત્વે જાગૃતતા દાખવવાનો પ્રયાસ કરી રાજ્યપાલ, રાજ્યના માનવ અધિકાર આયોગ તેમજ મુખ્યમંત્રીને પત્ર લખી કલેકટર તેમજ મતદાર નોંધણી અધિકારી મામલતદાર વિરુદ્ધ ચૂંટણીપંચના લેખીત પરિપત્રના અનાદર કરવા બદલ ફરિયાદ કરી છે. બીએલઓની કામગીરીમાં માનવ અધિકાર તેમજ શ્રમ કાયદાનો ભંગ થતો હોવાનું ઉમેર્યું છે.

શું લખ્યું રજુઆત અને ફરિયાદમાં ? ક્યાં પરિપત્રનો થયો ઉલાળ્યો ?
ઉપરોકત લેખીત પત્રમાં દર્શાવયા મુજબ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર)ની નિમણૂંક તે કર્મચારીના રહેઠાણથી નજીક અને તેના પોતાના મતવિસ્તારમાં કરવી તેવો રાજ્ય ચૂંટણીપંચનો લેખિત પરિપત્ર હોવા છતાં તમામ બીએલઓની નિમણૂંક તેમના નિવાસસ્થાનથી આશરે 6થી 10 કિલોમીટરના અંતરે કરેલ છે. બીએલઓની કામગીરી લોકપ્રતિનિધિત્વ ધારા હેઠળ ના હોવા છતા કલેકટર તંત્ર દ્વારા અવાર-નવાર બીએલઓને નોકરીમાંથી સસ્પેન્ડ કરવાની અને ગંભીર પગલા લેવાની ધમકી આપવામાં આવે છે જેથી ઘણા બીએલઓ કર્મચારીઓ ડિપ્રેશન, સ્ટ્રેસ, અનિંદ્રાનો ભોગ બનીને બ્લડપ્રેસરના દર્દીઓ બની ચૂકયા છે. ઘણા મહિલા કર્મચારીઓ આ ડબલ ફરજથી ભયભીત થઇને મતદાન મથક ઉપર જ રડી પડ્યા હતા.

એક સાથે બે-બે સરકારી કામગીરી દ્વારા માનવ અધિકારોનો અને શ્રમ કામદાર કાયદાનો ભંગ
બીએલઓની કામગીરી માટે કર્મચારીઓને ઓન ડ્યુટીને બદલે તેમની કાયમી ફરજ નોકરીના પૂર્ણ સમય બાદ વધારાની કામગીરી તરીકે બીએલઓની ફરજ બજાવવાની હોય છે તેમ જેમ કે પોતાની કાયમી નોકરીના સ્થળે પૂર્ણ સમય ફરજ બજાવીને પછી પોતાના ઘરથી આઠ-નવ કિ.મી.ના અંતરે ચારથી પાંચ કલાક 75 ઘરની ફરજિયાત મુલાકાત લેવાનો સરમુખત્યાર આદેશ આપીને એક સાથે બે-બે સરકારી કામગીરી દ્વારા માનવ અધિકારોનો અને સાથોસાથ શ્રમ કામદાર કાયદાનો પણ દેખીતો ભંગ થાય છે.

10 વર્ષોથી માસિક ફકત રૂ. 500નું મશ્કરી અને શોષણ સમાન મામૂલી વેતન
પોતાની કાયમી ફરજ ઉપરાંતની બીએલઓની ખુબજઅગત્યની અને જટિલ, તણાવ વધારતી ઓવરટાઇમ જેવી કામગીરી માટે કર્મચારીને છેલ્લા 10 વર્ષોથી એકસરખુ માસિક ફકત રૂ. 500નું મશ્કરી અને શોષણ સમાન મામૂલી વેતન આપવામાં આવે છે. જેમાં બીએલઓને ઘરથી ખુબ દૂરના સ્થળે જવા-આવવા માટે પેટ્રોલનો ખર્ચ પણ નીકળતો નથી. વર્તમાન પેટ્રોલના ભયંકર રાક્ષસી ભાવ વધારાના સમયમાં આ વેતન એ માનવ અધિકારોનો ભંગ છે. જો પોતાની કાયમી ફરજના કામકાજના કલાકો ઉપરાંત આ વધારાની કામગીરી કરવાની હોય તો ઓવરટાઇમ મુજબ તેનું નિયમ મુજબનું મહેનતાણું આપવું જોઇએ.

બીએલઓના આરોગ્યની સંભાળ માટે કલેકટર તંત્રએ કોઇ કાર્યવાહી કરી નથી
કોરોનાની જીવલેણ મહામારીના સમયમાં બીએલઓ કર્મચારીઓને તેમના આરોગ્યની રક્ષા માટે પીપીઇ કીટ, હાથમોજા, સેનેટાઇજર, માસ્ક આપવામાં આવ્યા નથી. આમ બીએલઓના આરોગ્યની સંભાળ માટે કલેકટર તંત્રએ કોઇ કાર્યવાહી કરી નથી જે માનવ અધિકારનો ભંગ છે તેમ દર્શાવ્યું છે. અત્રે એ ઉલ્લેખનિય છે કે, હાલ રાજ્યના ગાંધીનગરમાં તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓની તાલીમ છે. દિલ્હીથી ભારતના ચૂંટણીપંચના ઉચ્ચ અધિકારીઓ આવ્યા છે ત્યારે પત્ર સૂચક ગણાય છે.

ત્રણ વર્ષનો નિયમ છતાં 40 બીએલઓને સાત વર્ષથી વધુ સમયથી મુકત કર્યા નથી
ચૂંટણીપંચનો લેખિત પરિપત્ર છે કે, કોઇપણ સરકારી કર્મચારીને સળંગ ફકત ત્રણ વર્ષ માટે જ બીએલઓની કામગીરી સોંપવી છતાં રાજકોટમાં આજે 40 બીએલઓને સાત વર્ષથી વધુ સમયથી મુકત કર્યા નથી જે ચૂંટણીપંચના આદેશનો અનાદર છે.

Back to top button