ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શું ભાજપ 400 પાર નહીં કરી શકે? ચાર કલાક પછીનાં વલણ શું કહે છે?

Text To Speech
  • ભાજપ-એનડીએને ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળમાં ધાર્યા મુજબ બેઠકો મળતી હોય એવું લાગતું નથી
  • ગુજરાતમાં પણ એક અથવા બે બેઠક ભાજપ ગુમાવે તેવી શક્યતા
  • મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ, ત્રિપુરામાં લોકસભાની તમામ બેઠકો ઉપર ભાજપને લીડ

નવી દિલ્હી, 4 જુનઃ 18મી લોકસભાનાં પરિણામો એનડીએની જીત તરફ તો જઈ રહ્યાં છે, પરંતુ ભાજપની ધારણાથી વિરુદ્ધ ઘણાં રાજ્યમાં હાલ તેની પીછેહઠ થઈ રહી હોય એવું જોવા મળે છે. તો સામે ઓછામાં ઓછા પાંચ રાજ્યમાં ભાજપને એ રાજ્યોની તમામ લોકસભા બેઠક ઉપર લીડ મળી રહી હોય એવું લાગે છે.

મતગણતરી શરૂ થયાના ચાર કલાક પછીનાં વલણ મુજબ ભાજપને મધ્યપ્રદેશ, દિલ્હી, હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ તથા ત્રિપુરામાં લોકસભાની તમામ બેઠકો મળશે તેવી શક્યતા છે. આથી વિરુદ્ધ ગુજરાતમાં બે વખતનો રેકોર્ડ તૂટે તેવી શક્યતા છે. ગુજરાતમાં ભાજપને આ વખતે અત્યાર સુધીમાં 25 બેઠક ઉપર લીડ મળી છે, જ્યારે પાટણની બેઠક ઉપર કોંગ્રેસે લીડ જાળવી રાખી છે. જોકે, બનાસકાંઠાની બેઠક ઉપર પણ લીડમાં સતત વધ-ઘટ થયા કરતી હોવાથી આ બેઠક પર પણ છેલ્લે પરિણાન ન આવે ત્યાં સુધી કશું કહી શકાય નહીં.

ભાજપને ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન જેવાં રાજ્યોમાં ધાર્યા મુજબની સફળતા મળી નથી અને તેથી 400 પારની ગણતરી સફળ નહીં થાય એવું હાલ લાગે છે.

ભાજપને આ વખતે આશા હતી કે, ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી જેવાં રાજ્યોમાં તે 2019નો રેકોર્ડ જાળવી રાખશે અને તે ઉપરાંત અન્ય રાજ્યોમાં બેઠકો મેળવશે જેથી પક્ષ પોતે 370ની આસપાસ અને એનડીએ 400 પાર કરી દેશે. પરંતુ બપોરે 12 વાગ્યા સુધીનાં વલણના આધારે એવું કહી શકાય કે ભાજપ-એનડીએને ધારણા મુજબ બેઠકો મળી નથી. ભાજપ-એનડીએને સૌથી મોટો ફટકો ઉત્તરપ્રદેશમાં પડી રહ્યો હોય એવું લાગે છે.

આ સ્થિતિની અસર શૅરબજાર ઉપર પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. બપોરની સ્થિતિ અનુસાર શૅરબજાર 4000 કરતાં વધુ અંક તૂટી ગયો છે. ધારણા મુજબ ચૂંટણી પરિણામ આવતું નહીં લાગતું હોવાથી શૅરબજાર પણ તૂટી રહ્યું છે.

જોકે મધ્યપ્રદેશ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ત્રિપુરામાં તમામ બેઠકો ઉપર ભાજપ વિજય તરફ આગળ છે.

આ પણ વાંચોઃ ઓડિશામાં લોકસભા અને વિધાનસભા બંનેમાં ભાજપ બહુમતી તરફ આગળ

Back to top button