રાજકોટ : લોકમેળામાં રમકડાના સ્ટોલના કાળાબજાર થવાની ભીતિ
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આ વર્ષે ખાનગી તેમજ સરકારી મેળાનું ઠેરઠેર આયોજન હાથ ધરવામાં આવ્યું છે. કોરોના કાળના બે વર્ષ બાદ રાજકોટમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે પ્રસિદ્ધ લોકમેળો શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે જે બાબતે અગાઉના વર્ષો કરતા પણ આ વખતે લોકમેળાના રમકડાના સૌથી વધારે ફોર્મ સ્ટોલ મેળવવા માટેના ભરાયા છે. જેને લઇ લોકમેળામાં રમકડાના સ્ટોલના કાળાબજાર થવાની ભીતિ સર્જાઈ રહી છે.
178 સ્ટોલ સામે 1563 ફોર્મ ભરાયા
આગામી તા. 27ના રોજ બુધવારે રમકડાના સ્ટોલ માટે ડ્રો યોજાનાર છે. 178 રમકડાના સ્ટોલ સ્ટોલ માટે 1563 ફોર્મ ભરાયા છે પરિણામે દર વખતની જેમ આ વર્ષે લોકમેળામાં રમકડાના સ્ટોલ માટે કાળાબજાર ન થાય તે બાબતે તંત્રએ સાવચેતી રાખવી જરુરી છે. રમકડાના સ્ટોલ પેટે એડવાન્સ ડિપોઝીટ રૂ. 30 હજાર લેવામાં આવી છે.
વચેટિયાઓએ એક સાથે દસ-દસ ફોર્મ ભરે છે
લોકમેળામાં રમકડાના સ્ટોલ માટે દર વર્ષે ધંધાર્થીઓ કરતા વચેટિયાઓ એક નહીં પરંતુ દસ-દસ ફોર્મ ભરી મોટી રકમનું રોકાણ કરી લે છે. બાદમાં જે ધંધાર્થી ખરેખર પરપ્રાંતમાંથી રમકડાનો સ્ટોલ કરવા માટે રાજકોટ આવ્યા હોય અને માંડ-માંડ 30 હજાર ડિપોઝીટ ભરી હોય તેવા ધંધાર્થીને સંભવિત સ્ટોલ ન લાગે તો ફરી પોતાના વતનમાં રમકડા લઇ પરત જવું ન પોષાય અથવા યેનકેન પ્રકારે સ્ટોલ મેળવવા કાળાબજારમાંથી સ્ટોલ મેળવી લેતા હોય છે. સ્ટોલ દીઠ મોટી રકમ પડાવી કાળાબજાર ન થાય તે માટે લોકમેળા અમલીકરણ સહિત સચેત રહેવું જરુરી છે.