ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસે તેના કાર્યકર્તાઓને મતગણતરીના દિવસે સાવધાન રહેવા કહ્યું, અનિયમિતતા અંગે ફરિયાદ કરવા માટે જારી કર્યા નંબર

દિલ્હી, 03 જૂન: લોકસભા ચૂંટણીની મતગણતરીના એક દિવસ પહેલા સોમવારે કોંગ્રેસ મુખ્યાલયમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પાર્ટી હેડક્વાર્ટર ‘24 અકબર’ રોડના પરિસરમાં ટેન્ટ લગાવવામાં આવ્યો છે. ત્યાં કુલરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કોંગ્રેસ સમર્થકો પાર્ટીની આ તૈયારીઓને ઈન્ડી ગઠબંધનની જીતના કિસ્સામાં ઉજવણીની તૈયારી તરીકે જોઈ રહ્યા છે. તે જ સમયે, કોંગ્રેસે તેના કાર્યકરોને આવતીકાલે મતગણતરીનાં દિવસે સતર્ક રહેવા જણાવ્યું છે. આ ઉપરાંત અનિયમિતતા અંગે ફરિયાદ કરવા માટે નંબર પણ જારી કરવામાં આવ્યા છે.

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) એ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, “તાજેતરમાં આપણે બધાએ જોયું કે ભાજપના નેતાઓ અને તેમની સરકાર ચૂંટણી દરમિયાન લોકશાહી અને બંધારણની ગરિમાનું ઉલ્લંઘન કરે છે. તેથી, આવતીકાલે મતગણતરી દરમિયાન આપણે સાવચેત અને સતર્ક રહેવું પડશે.” નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ”દિલ્હીમાં કોંગ્રેસનું મોનિટરિંગ સેન્ટર 24 કલાક ખુલ્લું રહેશે. જો જનતાને લાગે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે તો તે તેમના મોબાઈલમાં રેકોર્ડ કરી અમે જારી કરેલા મોબાઈલ નંબર પર તેને તરત જ મોકલો. આ સાથે જે-તે મતગણતરી કેન્દ્રનો નંબર અને લોકસભા મતવિસ્તારની માહિતી પણ મોકલો.

  • આ નંબરો પર વીડિયો મોકલો: +91 7982839236
  • આ નંબરો પર તમારી ફરિયાદની જાણ કરો: +91 9560822897

રાહુલ ગાંધીએ પાર્ટીના ઉમેદવારો સાથે બેઠક યોજી

એક્ઝિટ પોલ જાહેર થયાના બીજા દિવસે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના ઉમેદવારો, વિધાયક દળના નેતાઓ અને પાર્ટીના રાજ્ય એકમોના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે મતગણતરીના દિવસે સતર્ક રહેવા અને ગેરરીતિના પ્રયાસને રોકવા માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું.

કોંગ્રેસે એક્ઝિટ પોલને ફગાવી દીધો

મંગળવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. મોટાભાગના એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતી મળવાની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના સર્વેમાં એનડીએને 350થી વધુ સીટો મળવાની સંભાવના છે. જો એક્ઝિટ પોલના અનુમાન મુજબ વાસ્તવિક પરિણામો આવશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત જંગી બહુમતી સાથે સત્તા સંભાળશે. કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધનના નેતાઓએ એક્ઝિટ પોલને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે વિપક્ષી ગઠબંધન આગામી સરકાર બનાવશે.

આ પણ વાંચો: દૂધ અને ટોલ ટેક્સનો ભાવ વધતાં કોંગ્રેસનો આક્ષેપ, ભાજપે અચ્છે દિનનો અહેસાસ કરાવ્યો

Back to top button