ઉત્તર ગુજરાતટોપ ન્યૂઝ

લમ્પી વાયરસની કહેર વચ્ચે બનાસકાંઠાની અમીરગઢ, ખોડા બોર્ડર સીલ કરાઇ, તંત્રએ ભર્યા કડક પગલાં

Text To Speech

પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી લમ્પી વાયરસનો કહેર વધ્યો છે. જેને લઈને તકેદારીના પગલાં રૂપે બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ અને ખોડા ચેકપોસ્ટ સીલ કરી દેવામાં આવી છે. જ્યાં રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા પશુઓની નોંધણી અને તપાસ કરવામાં આવશે. હાલમાં લમ્પી વાયરસને લઈને જિલ્લાના 14 તાલુકાઓમાં પશુપાલન વિભાગની 14 ટીમો કાર્યરત કરવામાં આવી છે. જેમાં જે પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જણાશે તેને સાત દિવસ માટે ક્વોરોન્ટાઇન કરવામાં આવશે.

અગાઉ ધાનેરામાં 100 અને દિયોદર તાલુકામાં 25 થી વધુ મળીને શનિવાર સુધીમાં 223 જેટલા પશુઓ લમ્પી વાયરસમાં સપડાયા હોવાનું તંત્ર દ્વારા સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે. ત્યારે લમ્પી વાયરસને લઈને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે એ તાકીદની બેઠક બોલાવી હતી. જેમાં પશુપાલન વિભાગ અને બનાસ ડેરીના વેટર્નરી ર્ડાકટરો સાથે બેઠકમાં જિલ્લાના લમ્પી વાઇરસ અસરગ્રસ્ત તાલુકાઓમાં કરવાની કામગીરી, સર્વે અને સારવાર અંગે ચર્ચા કરવામાં આવી હતી.

lampi virus Banskantha

આ વાઇરસને પ્રસરતો અટકાવવા સર્વે અને સારવાર પર ભાર મુકતાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે, લમ્પી વાઇરસથી પશુપાલકોએ બિલકુલ ગભરાવાની જરૂર નથી, આ વાઇરસ એક પશુમાંથી બીજા પશુમાં ફેલાય છે. આ વાઇરસમાં પશુને સામાન્ય તાવ આવે, આંખ-નાકમાંથી પ્રવાહી આવે, આખા શરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા પડે, પશુ ખાવાનું બંધ કરે જેવા સામાન્ય લક્ષણો દેખાય તો તાત્કાલિક 1962 નંબર અથવા તો નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવો. આ બેઠકમાં મદદનીશ પશુપાલન નિયામક ર્ડા. જે. પી. મજેઠીયા, નાયબ પશુપાલન નિયામક ર્ડા. બી. એમ. સરગરા, બનાસ ડેરીના ર્ડા. સંજય ઓઝા સહિત વિવિધ તાલુકાના પશુપાલન અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

lampi virus Banskantha

પાંચ તાલુકા, 19 ગામ,223 પશુઓને અસર

બનાસકાંઠા જિલ્લાના 5 તાલુકાઓના 19 ગામમાં 223 પશુઓમાં આ વાઇરસ જોવા મળ્યો છે. આ વાઇરસમાં મરણનું પ્રમાણ 1 થી 2 ટકા જ છે. જે પણ પશુમાં આ વાઇરસના લક્ષણો દેખાય તેને અન્ય પશુથી અલગ રાખીને આઇસોલેટ કરવામાં આવે, તેની ખાવા-પીવાની વ્યવસ્થા અલગ રાખવાની સલાહ અપાઈ છે.

Back to top button