ભાજપના MLAના પુત્રની ધરપકડ નહીં થાય તો જૂનાગઢ બંધઃ દલિત સમાજની ચીમકી
રાજકોટ, 03 જૂન 2024, ગોંડલ ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશસિંહ સામે જૂનાગઢ દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીનુ અપહરણ કરી, નગ્ન કરી માર મારવાનો ગુનો નોંધાયો છે. આ ઘટનાને 72 કલાકથી વધુ સમય થયો હોવા છતા હજૂ સૂધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. ધારાસભ્યના પુત્રની ધરપકડ કરવામાં આવે તેવી ઉગ્ર માગ સાથે રાજકોટમાં દલિત સમાજના આગેવાનોએ એકઠા થઈને કલેકટર પ્રભવ જોશીને આવેદન આપ્યું હતું. ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, જો આગામી 48 કલાકમાં આરોપીની ધરપકડ નહીં થાય તો જૂનાગઢ બંધની સાથે ગોંડલની ધરતી પર જ દલિત અસ્મિતા સંમેલન યોજીશું.
ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કલેક્ટરને આવેદન આપ્યું
ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા ઉપર 30 મે, 2024ની સાંજે જૂનાગઢ NSUIના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ અને માર મારવાનો આરોપ છે. આ ઘટનાના 72 કલાકથી વધુનો સમય થયો હોવા છતાં પણ આરોપીની ધરપકડ કરવામાં ન આવતા સમગ્ર મામલે દલિત સમાજના લોકો આજે રાજકોટ કલેકટર કચેરી ખાતે એકઠા થયા હતા. વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અધ્યક્ષતામાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારના શાસનમાં છેલ્લા એક વર્ષમાં 51 હજાર દલિત અત્યાચારની ઘટના બની છે. દલિત બહેનો પર બળાત્કાર અને અત્યાચારના બનાવોમાં 49 ટકાનો વધારો અને દલિત અત્યાચારની ઘટનામાં 48 ટકાનો વધારો થયો છે.
ધરપકડ નહિ થાય તો જૂનાગઢ બંધની ચિમકી ઉચ્ચારી
જિજ્ઞેશ મેવાણીએ વધુમાં કહ્યું હતું કે, ભાજપના ધારાસભ્યનો દીકરો સત્તાના ઘમંડમાં જૂનાગઢના દલિત સમાજના આગેવાન રાજુભાઈ સોંલકીના દીકરાનું અપહરણ કરી ગાડીમાં બેસાડી તેને સંપૂર્ણ નિવસ્ત્ર કરીને વીડિયો રેકોર્ડિંગ કરીને જાણે જાનથી મારી નાખવાનો હોય તે પ્રમાણે તેની સાથે મારપીટ કરવામાં આવી છે. સમાજના આગેવાનોને સાથે રાખીને આજે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. આગામી 24થી 48 કલાકમાં આરોપીની ધરપકડ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. જો આરોપીની ધરપકડ નહિ થાય તો જૂનાગઢ બંધ અને ગોંડલની ધરતી પર જ દલિત અસ્મિતા સંમેલનનું અમે વિચારી રહ્યા છીએ.
આ પણ વાંચોઃજૂનાગઢનાં ડે.મેયરનો ઓડિયો વાઈરલ, કેસ પરત ખેંચવા પિતા ઉપર રાજકીય દબાણ