વડોદરામાં લોકોએ સ્માર્ટ મીટરનું બેસણું યોજ્યું, મહિલાઓએ સુત્રોચ્ચાર કર્યા
વડોદરા, 03 જૂન 2024,ગુજરાતમાં સ્માર્ટ મીટર નાંખ્યા પછી વિવાદ વધી રહ્યો છે. લોકોને લાખોની રકમનું બીલ આવતાં રોષ વધારે ફેલાયો છે. ત્યારે રાજ્યમાં નવા સ્માર્ટ મીટરનો વિરોધ વધી રહ્યો છે. વડોદરાનાં સુભાનપુરામાં સ્માર્ટ મીટરથી ત્રસ્ત નાગરિકોએ વીજ કંપનીની ઓફીસમાં સ્માર્ટ મીટરનો અનોખો વિરોધ કર્યો હતો. જેમાં સ્માર્ટ મીટરનાં ફોટા પર હાર પહેરાવી બેસણાનો કાર્યક્રમ યોજ્યો હતો.
વીજ કંપનીની ઓફિસમાં મહિલાઓએ સુત્રોચ્ચાર કર્યા
વડોદરાનાં સુભાનપુરામાં આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ સ્માર્ટ મીટરનો વિરોધ કરવા વીજ કંપનીની ઓફીસ પહોંચી હતી.વીજ કંપનીની ઓફીસે પહોંચી મહિલાઓએ જૂના મીટર પાછા આપોની માંગ ઉચ્ચારી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સમગ્ર બાબતે નાગરિકોએ જણાવ્યું હતું કે, આજે સુભાનપુરા એમજીવીસીએલની ઓફીસ ખાતે પશ્ચિમ વિસ્તારનાં રહીશો વીજ કંપનીની ઓફીસ એટલા માટે આવ્યા છીએ. અહીંયા આવેલ તમામ લોકોનાં ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. લોકોની આવક કરતાં બિલની રકમ વધારે આવે છે એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
જુના મીટર પરત આપવા માંગ કરી
સરકારે સ્માર્ટ મીટર તો લગાવવાનાં બંધ કરી દીધા છે. જેમનાં ઘરે લાગ્યા છે એમનાં ઘરે સ્માર્ટ મીટરને લીધે આજે પણ રોજનું 400 રૂપિયા બિલ આવે છે. ત્યારે જેમની આવક 400 રૂપિયા નથી તેમનાં ઘરે આટલું બધુ રોજનું લાઈટ બિલ આવવું એ ખૂબ જ દુઃખદ બાબત છે.આ સ્માર્ટ મીટરનો અમે સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. તેમજ અમારી એક જ માંગ છે કે અમને અમારા જૂના મીટર પાછા જોઈએ છે. આ માંગ સાથે આજે અમે એમજીવીસીએલ ખાતે સ્માર્ટ મીટરનાં બેસણાનો કાર્યક્રમ રાખ્યો છે. અને સરકારને કહીએ છીએ કે આ મીટર તમે પાછા લઈ લો અને અમને જૂના મીટર પરત આપો.
આ પણ વાંચોઃવડોદરામાં સ્માર્ટ મીટર લગાવતા ઘરમાં બે પંખા અને બે લાઈટનું રૂપિયા 13 લાખનું બિલ આવ્યું