ભૂતપૂર્વ બ્રહ્મોસ એન્જિનિયરને આજીવન કેદ ની સજા: ISI માટે જાસૂસી કરવાનો છે આરોપ
નાગપુર, 3 જૂન: નાગપુરની કોર્ટે સોમવારે પૂર્વ બ્રહ્મોસ એરોસ્પેસ એન્જિનિયર નિશાંત અગ્રવાલને આજીવન કેદની સજા ફટકારી છે. અગ્રવાલ પર પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI માટે જાસૂસી કરવાનો આરોપ છે. નિશાંત અગ્રવાલની 2018માં બ્રહ્મોસ મિસાઈલની માહિતી પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIને લીક કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
નિશાંત અગ્રવાલ બ્રહ્મોસ એરોસ્પેસમાં સિનિયર સિસ્ટમ એન્જિનિયર હતા અને મિસાઈલ પ્રોજેક્ટ્સમાં સામેલ હતા. અગ્રવાલની ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર એટીએસ અને મિલિટરી ઈન્ટેલિજન્સ દ્વારા 2018 માં નાગપુર નજીક ISIને પ્રોજેક્ટ્સ વિશેની ગુપ્ત માહિતી આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
બ્રહ્મોસ એરોસ્પેસ DRDO અને રશિયાના મિલિટરી ઈન્ડસ્ટ્રીયલ કન્સોર્ટિયમ (NPO Mashinostroyenia)નું સંયુક્ત સાહસ છે, જે ભારતમાં સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ વિકસાવે છે અને તેનું ઉત્પાદન કરે છે. આ સુપરસોનિક મિસાઇલોને જમીન, હવા, સમુદ્ર અને પાણીની અંદરથી પણ લોન્ચ કરી શકાય છે.
જ્યારે 2018 માં અગ્રવાલની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે સમાચારે હલચલ મચાવી હતી કારણ કે તે બ્રહ્મોસ એરોસ્પેસ સંબંધિત પ્રથમ જાસૂસી કેસ હતો. ત્યારે આક્ષેપો થયા હતા કે અગ્રવાલ બે ફેસબુક એકાઉન્ટ – નેહા શર્મા અને પૂજા રંજન દ્વારા શંકાસ્પદ પાકિસ્તાની ગુપ્તચર એજન્ટોના સંપર્કમાં હતા. ઈસ્લામાબાદથી સંચાલિત આ ખાતાઓ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓ દ્વારા ચલાવવામાં આવતી હોવાનું માનવામાં આવે છે.
નિશાંત અગ્રવાલ ખૂબ જ તેજસ્વી એન્જિનિયર હતા. તેમને DRDOના યંગ સાયન્ટિસ્ટ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ NIT કુરુક્ષેત્રના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. ચાર્જશીટ મુજબ તેના લેપટોપમાંથી અત્યંત ગોપનીય ફાઈલો મળી આવી હતી. આ સિવાય એક સોફ્ટવેર પણ મળી આવ્યું હતું, જેના દ્વારા લેપટોપમાં હાજર સંવેદનશીલ ટેકનિકલ માહિતી વિદેશ અને અસામાજિક તત્વોને મોકલવામાં આવતી હતી.
આ પણ વાંચો :એક્ઝિટ પોલના કારણે શેરબજારમાં ઉછાળો! સેન્સેક્સ 2500 પોઇન્ટના વધારા સાથે ખુલ્યો, નિફ્ટી 23,300ને પાર