અમદાવાદગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

ગળતેશ્વરની મહીસાગર નદીમાં ન્હાવા પડેલા અમદાવાદના ચાર મિત્રો ડૂબ્યા, એકનો બચાવ

અમદાવાદ, 03 જૂન 2024 ગુજરાતમાં છેલ્લા એકાદ મહિનામાં નદી કે તળાવમાં ડૂબવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. તાજેતરમાં અમદાવાદના ઓઢવના ત્રણ યુવકો ઝાંઝરી ધોધમાં ન્હાવા પડ્યા હતા, જેમાંથી બે યુવકો લાપતા થયા અને એકનો આબાદ બચાવ થયો. ત્યારે હવે ફરીવાર અમદાવાદના 9 જેટલા મિત્રો ગળતેશ્વર ફરવા માટે આવ્યાં હતા. ગળતેશ્વરની મહીસાગર નદીમાં ન્હાવા આવેલા પૈકી ચાર મિત્રો ડૂબ્યા હતા. જે બાદ ઘટનાસ્થળે ઉપસ્થિત સ્થાનિક તરવૈયાઓએ 4 માંથી એકનો જીવ બચાવી લીધો હતો. ત્રણના મૃતદેહ હાથ લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સેવાલીયા પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી છે.

સ્થાનિક તરવૈયાઓએ એકનો જીવ બચાવ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ખેડાના ગળતેશ્વરની મહિસાગર નદીમાં અમદાવાદના 9 મિત્રો ન્હાવા માટે પડ્યા હતા. આ દરમિયાન 9માંથી ચાર મિત્રો નદીમાં ગરકાવ થયાં હતાં. આ ઘટનાને લઈને લોકોએ બુમાબુમ શરૂ કરી દીધી હતી.સ્થાનિક તરવૈયાઓ યુવકોને બચાવવા નદીમાં કુદી પડ્યા હતા. માત્ર એક જ યુવકનો જીવ બચાવી શકાયો હતો. જ્યારે ત્રણ યુવકોના માત્ર મૃતદેહ જ હાથ લાગ્યા હતા. મૃતદેહોને પીએમ માટે સેવાલીયા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યાં હતા.આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એક સપ્તાહમાં ડૂબવાની ઘટનાઓ
ગત સપ્તાહે સાબરકાંઠા જિલ્લામાં આવેલા ફરવાના સ્થળ પોળો ફોરેસ્ટમાં હરણાવ નદીમાં ન્હાવા પડેલા 12માંથી 2 યુવકોના મોત નીપજ્યા હતાં. આ યુવકો ઉત્તરપ્રદેશના મિરઝાપુરના હોવાનું જાણવા મળ્યું હતું. બુધવારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાલભંડી ગામની નદીમાં ન્હાવા પડેલા બે બાળકો ડૂબી ગયા હતા. બંને બાળકો બાલભંડી ગામમાં પરપ્રાંતિય શ્રમિક પરિવારના હતા. પરિવારના દીકરી અને દીકરી નદીમાં ન્હાવા ગયા હતા. માતા-પિતાએ શોધખોળ કરતા બંને બાળકો નદીમાંથી મળ્યા હતા. બંને બાળકોને કાલાવડની સરકારી હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા હતા. જયારે મંગળવારે અરવલ્લીના બાયડમાં આવેલ ઝાંઝરી ધોધમાં 3 યુવકો ડૂબ્યા હતા. અમદાવાદના ઓઢવના ત્રણ યુવકો ઝાંઝરી ધોધમાં ન્હાવા પડ્યા હતા, જેમાંથી બે યુવકો લાપતા થયા અને એકનો આબાદ બચાવ થયો. અગાઉ અમરેલીમાં પણ ખાખબાઈ ગામે ધાતરવડી નદીમાં ડૂબવાથી સગીરનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચોઃપોળો ફોરેસ્ટમાં હરણાવ નદીમાં ન્હાવા પડેલા બે યુવકો ડૂબ્યાઃ બંને મૃતકો ઉત્તર પ્રદેશના હતાં

Back to top button