ગુજરાતટોપ ન્યૂઝ

ડૉક્ટરોની હડતાળ મુદ્દે હાઈકોર્ટેની ટિપ્પણી,તબીબો તેમના શપથ ભૂલ્યા !!!, સાથે જ કોરોનાકાળની વાત યાદ કરાવી

Text To Speech

શુક્રવારે રાજ્યભરમાં ફાયરસેફ્ટી અંગેની જાહેરહિતની રિટની સુનાવણી દરિમ્યાન હોસ્પિટલોમાં આઇસીયુ ગ્રાઉન્ડ ફલોર પર શીફટ કરવા અંગેના આદેશના વિરોધમાં ડોકટરો દ્વારા પાડવામાં આવેલી હડતાળને લઇ ગુજરાત હાઇકોર્ટે ભારોભાર નારાજગી વ્યકત કરી હતી. હાઇકોર્ટે જણાવ્યુ હતું કે, ડોકટરો આ પ્રકારે હડતાળ પાડે એ કેવી રીતે ચાલે..?

ઠેર-ઠેર ડૉક્ટરોના કારણે દર્દીઓની તકલીફ વધી હતી. જેમાં રાજ્યની વિવિધ સિવિલ હોસ્પિટલમાં ભારણ વધ્યું હતું. આ મુદ્દે હાઇકોર્ટે ડોકટરોની હડતાળની ગંભીર નોંધ લઇ રાજય સરકાર અને સત્તાવાળાઓને ડોકટરો સાથે પરામર્શ કરી કાયદાનુસાર સમગ્ર પ્રશ્નનું સમાધાનકારી નિરાકરણ લાવવા નિર્દેશ કર્યો હતો.

તબીબો તેમના શપથ ભૂલ્યા, તે દુ:ખદ બાબત : હાઇકોર્ટ

હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ભારતના બંધારણમાં અનુચ્છેદ-૨૧ અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંધિ લોકોને સારા સ્વાસ્થ્ય અને જીવન જીવવાના અધિકારની ગેરેંટી આપે છે ત્યારે ડોકટર જેવા વ્યવસાયમાં આવ્યા બાદ ડોકટરો પોતે લીધેલા શપથ ભૂલીને વર્તે એ કોઇપણ સંજોગોમાં વાજબી નથી. ડોકટરોના હડતાળ પર ઉતરવાના વલણ પરથી જ સ્પષ્ટ થાય છે કે, ડોકટરો પોતાની ફરજ અને શપથ પ્રમાણે વર્તતા નથી.

આ પણ વાંચો : ગુજરાતમાં તબીબોની હડતાળ, દર્દીઓને હાલાકી

રાજયમાં ફાયરસેફ્ટીની અમલવારી મુદ્દે ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ અમિત પંચાલે જાતે જ કરેલી જાહેરહિતની રિટ અરજીની આજે જેવી સુનાવણી નીકળી કે, ચીફ જસ્ટિસે સૌથી પહેલાં જ ડોકટરોની આજની હડતાળને લઇ બહુ ગંભીર પ્રશ્નાર્થ ઉઠાવ્યો હતો. હાઇકોર્ટે ડોકટરો સાથે બેઠક-પરામર્શ કરી હડતાળના વિવાદનું સમાધાનકારી નિરાકરણ લાવવા રાજય સરકારને નિર્દેશ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી તા.૧લી સપ્ટેમ્બર પર રાખી હતી.

જો કે, હાઇકોર્ટે તબીબોની સરાહના પણ કરી હતી કે, કોરોના કાળમાં ડોકટરોની સેવા બહુ પ્રશંસનીય રહી છે. ડોકટરોએ રાત-દિવસ દર્દીઓની સેવા કરી છે. ડોકટરનો વ્યવસાય એ ઉમદા વ્યવસાય છે અને ડોકટરો સમાજની સેવા કરે છે. સામાન્ય રીતે ડોકટરો હડતાળ પર જતા નથી. ડોકટર્સનું હડતાળ પર જવું એ કમનસીબ ઘટના છે. અમે આશા રાખીએ છીએ કે, ભવિષ્યમાં આવું નહી બને.

Back to top button