અમદાવાદ, 01 જૂન 2024, ગત 25મી મેના રોજ રાજકોટ ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી જેમાં 27 લોકોના મોત નિપજ્યાં હતાં. આ ગોઝારી દુર્ઘટનાને પગલે રાજ્યભરમાં ફાયર -સેફટીનો મુદ્દો ચર્ચામાં આવી ગયો હતો અને રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને વહીવટી તંત્ર દ્વારા તપાસ શરૂ થઈ ગઈ હતી. અમદાવાદમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ સામે કાર્યવાહી કરીને અનેક ટ્યુશન ક્લાસ સીલ કરવામાં આવતા સંચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. અમદાવાદમાં ફાયર વિભાગે ફાયર સેફટીને લઇને કરેલી કાર્યવાહીમાં શહેરના અનેક ખાનગી ટ્યુશન ક્લાસ સીલ કરવામાં આવતા સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ટ્યૂશન ક્લાસીસ સીલ કરતા સંચાલકો લાલઘૂમ થયા
મળતી માહિતી મુજબ AMC દ્વારા 50થી વધુ ટ્યૂશન ક્લાસીસ સીલ કરતા સંચાલકો લાલઘૂમ થયા છે. જેને લઈને આજે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશનના વડપણ હેઠળ ટ્યૂશન ક્લાસીસ સંચાલકોની બેઠક મળી હતી. ટ્યુશન સંચાલકોનો દાવો છે કે જો ક્લાસીસ 9 મીટરથી વધારે ઊંચા ન હોય તો ફાયર NOCની જરૂર નથી. જો હાયરાઈઝ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટી હોય તો 500 સ્ક્વેર મીટરથી ઓછી જગ્યા વાળા ક્લાસીસને ફાયર સેફ્ટીની જરૂર નથી. ટ્યૂશન સંચાલકોને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાનો સંચાલકોએ બેઠકમાં દાવો કર્યો હતો. ફાયર NOC લેવા માટેની વ્યવસ્થા ઓનલાઈન કરવા એસોસિએશન દ્વારા માંગ કરાઈ છે.
એજ્યુકેશન સેન્ટર માલિકો કોર્ટના દરવાજા ખખડાવશે
ફેડરેશન ઓફ એકેડેમિક એસોના પ્રમુખ હેમાંગ રાવલ દ્વારા નિવેદન નિવેદન આપવામાં આવ્યું છે કે અધિકારીઓ સંચાલકો પાસે રૂપિયાની માંગણીઓ કરી રહ્યા છે. ટ્યુશન ક્લાસીસો NOC અને ફાયર સેફ્ટીના સાધનો રાખે જ છે. ક્લાસિસ વાળાને ખોટી રીતે પરેશાન કરવામાં આવે છે. અમદાવાદમાં 100 ક્લાસિસ પર તપાસ કરી 50 ક્લાસિસ સીલ કરવામાં આવ્યા છે. જો ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો એજ્યુકેશન સેન્ટર માલિકો કોર્ટના દરવાજા ખખડાવશે. સુરતની તક્ષશિલા ઘટના બાદ ક્લાસીસ માલિકો દ્વારા ફાયર સુરક્ષાને લઈને સુવિધાઓ ઉભી કરવામાં આવી જ છે.
પ્રિ-સ્કૂલો અંગે હજુ મુઝવણ છેઃ પૂર્વ ફાયર ઓફિસર
આ બેઠકમાં હાજર રહેલા પૂર્વ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે, નિયમ મુજબ 9 મીટરથી ઊંચા બિલ્ડિંગમાં અને 500 સ્ક્વેર મીટરથી વધુ જગ્યા હોય તો ફાયર NOCની જરૂર નથી. ઓછી જગ્યા અને ઊંચાઈ હોય તો ફાયર NOCની જરૂર નથી. પ્રિ સ્કૂલો અંગે હજુ મુઝવણ છે. કારણ કે, તે શિક્ષણ વિભાગના તાબા હેઠળ હજુ સુધી લેવામાં આવી નથી. તેના માટે કોઈ ધારાધોરણ નથી, જેથી તે ગંભીર વિષય છે. બેઝમેન્ટ અને છત નીચે બાળકોને ના રાખી શકાય.
આ પણ વાંચોઃરાજકોટ અગ્નિકાંડઃકેબિનેટ મંત્રી ભાનુબેન રડી પડ્યાં, મારુ નામ ખૂલશે તો જાહેર જીવન છોડી દઈશ