ઈન્ડિગોની ફ્લાઈટમાં બોંબ હોવાની ધમકી, મુંબઈમાં કરવામાં આવ્યું ઈમરજન્સી લેન્ડિંગ
- ચેન્નાઈથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ક્રૂ મેમ્બરને બોંબની ધમકીનો પત્ર મળ્યો
મુંબઈ, 1 જૂન: ચેન્નાઈથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટને આજે શનિવારે બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બોંબની ધમકી મળ્યા બાદ આ ફ્લાઈટનું મુંબઈ એરપોર્ટમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, પ્લેનમાં 172 મુસાફરો અને ક્રૂ મેમ્બર સવાર હતા. ઈન્ડિયોએ કહ્યું છે કે, તમામ મુસાફરોને ફ્લાઈટમાંથી સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા છે અને વિમાનની તપાસ કરવામાં આવી રહી છે. ઈન્ડિગોએ નિવેદન જારી કરીને કહ્યું કે, ચેન્નાઈથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 5314માં બોંબની ધમકી મળી હતી. મુંબઈમાં ઉતરાણ કર્યા પછી, ક્રૂએ પ્રોટોકોલનું પાલન કર્યું અને સુરક્ષા એજન્સીની માર્ગદર્શિકા અનુસાર ફ્લાઇટને એકાંતમાં લઈ જવામાં આવી. તમામ મુસાફરો વિમાનમાંથી સુરક્ષિત ઉતરી ગયા હતા. આ ફ્લાઇટના ક્રૂ મેમ્બરને એક પત્ર મળ્યો હતો જેમાં પ્લેનને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. મહત્ત્વપૂર્ણ છે કે, આ પહેલો મામલો નથી જ્યારે વિમાનને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોય. અગાઉ પણ આવી ધમકીઓ આપવામાં આવી છે.
STORY | #IndiGo flight lands in ‘full emergency’ after bomb threat; all 172 passengers disembark safely
READ: https://t.co/5Tv4T78dZT pic.twitter.com/JL1l0I3kiP
— Press Trust of India (@PTI_News) June 1, 2024
મળતી માહિતી મુજબ, શનિવારે સવારે લગભગ 8.40 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી કરવામાં આવ્યું હતું. ઈન્ડિગોના ક્રૂ મેમ્બરને ફ્લાઈટમાં એક નોટ મળી જેમાં લખ્યું હતું –”ડુ નોટ લેન્ડ બોમ્બે.. યૂ લેન્ડ બોંબ બ્લાસ્ટ..” આ પછી સનસનાટી મચી ગઈ હતી. આ અંગે સુરક્ષા એજન્સીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.
થોડા દિવસોમાં ત્રીજી ધમકી
ઉલ્લેખનીય છે કે, હાલના સમયમાં કોઈપણ ફ્લાઈટ માટે આ ત્રીજો ખતરો છે. આ પહેલા દિલ્હીથી બનારસ જતી ફ્લાઈટને પણ આવી જ ધમકી મળી હતી. બાદમાં તે હોક્સ કોલ હોવાનું સાબિત થયું હતું. દિલ્હીથી શ્રીનગર જતી ફ્લાઈટમાં આવી જ એક ઘટના બહાર આવી હતી. જ્યારે હવે આજે શનિવારે ચેન્નાઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આ પ્રકારની નોટ મળી આવી હતી. જેને પગલે સુરક્ષા એજન્સીઓએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
શ્રીનગર એરપોર્ટ પર મળ્યો હતો ધમકીભર્યો કોલ
આ પહેલા શુક્રવારે શ્રીનગર એરપોર્ટ પર અરાજકતાનો માહોલ સર્જાયો હતો જ્યારે શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓએ તરત જ એક્શન લેવાનું શરૂ કર્યું હતું. એક કલાક સુધી ચાલેલી તપાસ પ્રક્રિયાથી દરેક વ્યક્તિ ગભરાય ગઈ હતી. આ સમયગાળા દરમિયાન, એરપોર્ટ પર તમામ ફ્લાઈટ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. જો કે તપાસ દરમિયાન આ ધમકી ખોટી સાબિત થઈ હતી. આ પછી, એરપોર્ટ પરથી ફ્લાઈટ કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી.
આ પણ જુઓ: સટ્ટાબાજીમાં સામેલ ઈંગ્લેન્ડના આ ફાસ્ટ બૉલર પર ત્રણ મહિનાનો પ્રતિબંધ