ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બંગાળમાં હિંસા: EVM તળાવમાં ફેંકવામાં આવ્યું, ક્રૂડ બોંબથી હુમલો; જુઓ વીડિયો

  • દક્ષિણ 24 પરગણાના કુલતાલીમાં EVM અને VVPAT મશીનને તળાવમાં ફેંકી દેતા પોલીસ ભીડની પાછળ દોડી 

પશ્ચિમ બંગાળ, 1 જૂન: લોકસભા ચૂંટણીના સાતમાં અને છેલ્લા તબક્કાના ભાગરૂપે આજે શનિવારે દેશના ઘણા રાજ્યોમાં મતદાન થઈ રહ્યું છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર મતદાન દરમિયાન હિંસા જોવા મળી છે. દક્ષિણ 24 પરગણાના કુલતાલીમાં EVM અને VVPAT મશીનને પાણીમાં ફેંકી દેવામાં આવ્યા છે. લોકોના ટોળાએ EVM અને VVPATને તળાવમાં ફેંકી દીધા, આ ઘટના કુલતાલીના બૂથ નંબર 40, 41 પર બની છે. પોલેરહાટમાં સાતમા તબક્કાની ચૂંટણી દરમિયાન થયેલી હિંસામાં ISF, CPIMના ઘણા સમર્થકો ઘાયલ થયા છે. આ હુમલા માટે તૃણમૂલ સમર્થકોને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. હુમલામાં દેશી બોંબનો ઉપયોગ થયો છે. હાલ પોલેરહાટ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઘટનાસ્થળે હાજર છે.

 

પોલીસકર્મીઓ ભીડની પાછળ દોડી, ઘણા લોકો તળાવમાં કૂદી પડ્યા

સોશિયલ મીડિયા પર સામે આવેલા ચૂંટણી હિંસાના વીડિયોમાં કેટલાક પોલીસકર્મીઓ ભીડની પાછળ દોડતા જોવા મળે છે. આ દરમિયાન કેટલાક લોકોએ નજીકના તળાવમાં ઝંપલાવ્યું હતું. પોલીસકર્મીઓ હાથમાં લાકડીઓ લઈને ભીડની પાછળ દોડી રહ્યા છે. આ પહેલા પણ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન અનેકવાર હિંસાના મામલા બહાર આવ્યા છે. ચૂંટણી હિંસાને લઈને તૃણમૂલ કોંગ્રેસ ઘણીવાર વિપક્ષના નિશાના પર રહી છે. પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસા પણ સમગ્ર દેશમાં ચર્ચામાં રહી હતી. ત્યારે કલકત્તા હાઈકોર્ટે પણ પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસા અંગે રાજ્ય ચૂંટણી પંચને ફટકાર લગાવી હતી.

 

છેલ્લા તબક્કામાં 57 બેઠકો પર મતદાન ચાલુ

લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં આજે શનિવારે સવારથી કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ અને સાત રાજ્યોની 57 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ તબક્કામાં વારાણસી સંસદીય ક્ષેત્રમાં પણ મતદાન થઈ રહ્યું છે જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ તબક્કામાં કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની એક લોકસભા બેઠક પર મતદાન થઈ રહ્યું છે, પંજાબની તમામ 13, હિમાચલ પ્રદેશની ચાર, ઉત્તર પ્રદેશની 13, પશ્ચિમ બંગાળની નવ, બિહારની આઠ, ઓડિશાની છ અને ઝારખંડની ત્રણ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

 

ઓડિશાની બાકીની 42 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી અને હિમાચલ પ્રદેશની છ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ એકસાથે યોજાઈ રહી છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને દેશના ઘણા ભાગોમાં આકરી ગરમી વચ્ચે લોકો વહેલી સવારથી જ મતદાન મથકોની બહાર કતારોમાં ઉભા જોવા મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન શરૂ થતાં લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી હતી.

સાતમા તબક્કામાં આ દિગ્ગજો પર દાવ

કુલ 904 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જેમાં સામેલ અગ્રણી ઉમેદવારોમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી, રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સુપ્રીમો લાલુ પ્રસાદની પુત્રી મીસા ભારતી અને અભિનેત્રી કંગના રનૌતનો સમાવેશ થાય છે. લગભગ 5.24 કરોડ પુરૂષો, 4.82 કરોડ મહિલાઓ અને 3,574 ‘ટ્રાન્સજેન્ડર’ મતદારો સહિત 10.06 કરોડથી વધુ નાગરિકો આ તબક્કામાં મતદાન કરવા પાત્ર છે.

4 જૂને ચૂંટણીના પરિણામો થશે જાહેર

આજે શનિવારે મતદાન થવાની સાથે 19 એપ્રિલથી શરૂ થયેલી લાંબી મતદાન પ્રક્રિયાનો અંત આવશે. જેની 4 જૂને મતગણતરી થશે. અત્યાર સુધીમાં 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 486 લોકસભા બેઠકો માટે મતદાન થયું છે. આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભા માટે પણ મતદાન થયું હતું. અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીની મતગણતરી 2 જૂને થશે.

આ પણ જુઓ: સાતમા અને અંતિમ તબક્કામાં 8 રાજ્યો/UTની 57 બેઠકો પર મતદાન શરૂ

Back to top button