ગુજરાત: અસામાજિક તત્ત્વોએ PSI પર થાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો
- આ બનાવને લઈ જિલ્લામાં ચકચાર મચી જવા પામી
- પ્રજાની સુરક્ષા કરતી ખેડા જિલ્લા પોલીસને એક કડવો અનુભવ થયો
- આઠ લોકો સામે FIR કરવામાં આવી છે
ગુજરાતના ખેડામાં અસામાજિક તત્ત્વોએ PSI પર થાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો છે. જેમાં આઠ લોકો સામે FIR કરવામાં આવી છે. લીંબાસીમાં ઘટના બની છે. પોલીસ પર હુમલો કરી આરોપીઓને છોડાવી ગયા તેમજ અન્ય વાહનોને ટકકર મારી તારાપુર તરફ કારમાં નાસી છૂટયા હતા. જેમાં આરોપી ગાડી રોડ વચ્ચે ઉભી રાખી પોલીસને અપશબ્દો બોલી ગાડીમાં બેસી ગયા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં અમદાવાદ સહિત વિવિધ શહેરોના આઇસક્રીમના 12 વેપારીને ત્યાં સ્ટેટ જીએસટીના દરોડા
આ બનાવને લઈ જિલ્લામાં ચકચાર મચી જવા પામી
ખેડા જિલ્લામાં કેટલાક અસામાજિક તત્વોને જાણે કે પોલીસ અને કાયદાનો ડર જ ન હોય તેવા બનાવો છેલ્લા કેટલાક સમયથી બની રહ્યા છે. ટ્રાફિક નિવારણ માટે ફરજ પર હાજર લીંબાસી પીએસઆઈ અને સ્ટાફે એક થાર ગાડીને રોકી હતી, જેમાં બેઠેલ ઈસમે પોલીસની ફરજમાં રુકાવટ ઊભી કરી થાર ગાડીને પોલીસ તથા હાજર લોકો તરફ હંકારી જાનથી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે પીછો કરી પકડી પાડી હતી. પણ તેના દસેક જેટલા સાથીદારો તેને છોડાવી જતા આ બનાવને લઈ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.
પ્રજાની સુરક્ષા કરતી ખેડા જિલ્લા પોલીસને એક કડવો અનુભવ થયો
પ્રજાની સુરક્ષા કરતી ખેડા જિલ્લા પોલીસને એક કડવો અનુભવ થયો છે. લીંબાસી ચોકડીથી તારાપુર ચોકડી વચ્ચે તબક્કાવાર સીસીરોડની કામગીરી ચાલુ હોય મેજીસ્ટ્રેટ દ્વારા ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવેલ છે. સીસી રોડનું કામ ચાલુ હોવાથી ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે લીંબાસી પોલીસની એક ટીમ પરીએજ રોડ પર સાયલા પાટીયા પાસે ફરજ પર હાજર હતી. દરમિયાન સાંજના પોણા સાતેક વાગ્યાના સુમારે મફત વજાભાઈ ભરવાડ (રહે.વાલોત્રી, માતર) તથા ગોવિંદ છગનભાઈ મારવાડી (રહે.તારાપુર, આણંદ) એક લાલ કલરની નંબર પ્લેટ વગરની મહિન્દ્રા ગાડી લઈને આવ્યા હતા. મફત ભરવાડે તેની ગાડી રોડ વચ્ચે ઉભી રાખી નીચે ઉતરી પોલીસને તમે કેમ મોટી ગાડીઓ જવા દેતા નથી, કહી ગમે તેમ અપશબ્દો બોલી, બીજી ગાડીઓ વાળાને તમે તમારી ગાડીઓ જવા દો, જોવું છું કેવી રોકે છે કહી વધુ અપશબ્દો બોલી ગાડીમાં બેસી ગયા હતા.