“મોદી કાયમ માટે મૌન થઈ જાય એમ ઈચ્છું છું”: કોંગ્રેસ નેતાનું વધુ એક આત્મઘાતી નિવેદન
- વડાપ્રધાન મોદીની કન્યાકુમારીની આધ્યાત્મિક યાત્રા પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન મહારાષ્ટ્ર કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે
નાગપુર, 31 મે: 2024ની લોકસભા ચૂંટણી માટેના છેલ્લા તબક્કાનું મતદાન આવતીકાલે થવાનું છે. આ દરમિયાન રાજ્યના વિપક્ષી નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવારે પીએમ મોદીને લઈને મોટું નિવેદન આપતા કહ્યું કે, ‘જો તેમનું મૌન કાયમ રહેશે તો દેશ સુખી થશે અને દેશમાં વસ્તી વધશે.’ 30મી મેની સાંજે પીએમ મોદી કન્યાકુમારીના પ્રખ્યાત વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન કરવા માટે આધ્યાત્મિક યાત્રા પર નીકળ્યા છે.
45 કલાક પીએમ મોદી કરશે ધ્યાન
PM મોદી વિવેકાનંદ રોક મેમોરિયલમાં 45 કલાક ધ્યાન કરી રહ્યા છે, એટલે કે તેઓ 1 જૂન સુધી અહીં રહેશે. આ દરમિયાન તેઓ 45 કલાક માટે મૌન ઉપવાસ પણ કરી રહ્યા છે, પરંતુ હવે આને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. આ અંગે મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિપક્ષી નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું છે કે, ‘જો તેમનું મૌન કાયમી બની જશે તો દેશ સુખી થઈ જશે.’
પસ્તાવો કરવા માટે મૌનનું વ્રત લીધું: વિજય વડેટ્ટીવાર
નાગપુરમાં મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા વિજય વડેટ્ટીવારે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું અને કહ્યું કે, ‘તેમણે 180 સભાઓ કરીને લોકોને ગેરમાર્ગે દોર્યા છે તેના બદલામાં પસ્તાવા માટે તેમણે મૌન ઉપવાસ કર્યા છે. જો તેમનું મૌન કાયમ રહેશે તો દેશ સુખી થશે અને દેશમાં વસ્તી વધશે. સરમુખત્યારશાહીથી પરેશાન દેશને આઝાદી મળશે.’
વધુમાં તેમણે કહ્યું કે, ‘લોકસભા ચૂંટણી 2024માં 180 સભાઓ ભરવી પડી છે, એ એ બતાવે છે કે સરકારે કામ કર્યું નથી, જો કામ કર્યું હોત તો તેઓ માત્ર 2 સભાઓમાં જીતી ગયા હોત. તેઓએ જનતાને ખાડામાં નાખી દીધી છે. ખેડૂતો અને યુવાનોને બર્બાદ કરી નાખ્યા છે. આ માટે જ તેમને 180 સભાઓ કરીને લોકોને આકર્ષવાની જરૂર પડી. આ તેમની સરકારની નિષ્ફળતા છે, એ હું સમજુ છું.
આ પણ વાંચો: આવકવેરા વિભાગે લોકસભા ચૂંટણી દરમિયાન 1100 કરોડની રોકડ-ઝવેરાત કરી જપ્ત