ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

દાંડી અને ઉભરાટ દરિયા કિનારો 5 દિવસ પર્યટકો માટે બંધ,પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Text To Speech

નવસારીઃ 30 મે 2024, દક્ષિણ ગુજરાતમાં ઉભરાટ અને દાંડીનો દરિયા કિનારો પ્રવાસીઓથી વેકેશનમાં ઉભરાતો હોય છે. પરંતુ હવામાન વિભાગની આગાહીના પગલે આ બંને બીચ પર્યટકો માટે બંધ કરાયા છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે પવન ફૂંકાવવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. આગાહી કરતા નવસારી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયું છે. દરિયામાં કરંટની સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. સાવચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર બાજ નજર રાખી રહ્યું છે.

અધિક કલેક્ટર દ્વારા ગઈકાલે બહાર પાડવામાં આવ્યું હતું
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 29 તારીખથી 2 તારીખ સુધી ભારે પવન અને ધૂળની ડમરી ફુંકાવાની આગાહી કરતા નવસારી જિલ્લાના બે બીચ બંધ કરી દેવામાં આવ્યા છે.હાલમાં ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કોઈ સહેલાણી બીચ ઉપર ન જાય.વહીવટી તંત્રના નિર્ણયથી સ્થાનિક વેપારીઓને થોડી આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.પાંચ દિવસ માટે સહેલાણીઓ દરિયા કિનારા ઉપર નહીં જ શકે તેવું એક જાહેરનામું નવસારી જિલ્લા નિવાસી અધિક કલેક્ટર દ્વારા ગઈકાલે બહાર પાડવામાં આવ્યું હતું.

આગમચેતીના ભાગરૂપે જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું
15 દિવસ અગાઉ નવસારીના દાંડીના દરિયા કિનારે એક જ પરિવારના ચાર લોકો ગરકાવ થઈ ગયા હતા. ભરતીના પાણી એકાએક શરૂ થતા તેમને ખ્યાલ જ ન રહ્યો કે આ પાણીમાં તેઓ ડૂબી જશે જેથી તંત્રએ હવામાન વિભાગની આગાહીને પગલે પવન ફૂંકાતા આગમચેતીના ભાગરૂપે જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું છે. ભરતી કે ઓટના પાણીનો સમય સહેલાણીઓને ખ્યાલ રહેતો નથી તેથી તેઓ ઊંડા દરિયામાં મોજ કરવા જાય છે જેને કારણે અકસ્માત સર્જાય છે.

આ પણ વાંચોઃગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે આંશિક રાહત, દરિયામાં ડીપ પ્રેશર બનશે

Back to top button