નવી દિલ્હી, 30 મે, 2024: આરોગ્ય વીમાના (Health Insurance) ક્ષેત્રમાં હવે ક્રાંતિકારી પરિવર્તન આવશે. ભારતના વીમા નિયમન અને વિકાસ સત્તામંડળ (IRDAI-ઈરડા) દ્વારા એક પરિપત્ર જારી કરીને તમામ આરોગ્ય વીમા કંપનીઓ માટે ચોક્કસ નિર્દેશ જારી કર્યા છે.
વીમા સત્તામંડળ દ્વારા વીમા કંપનીઓને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે, ગ્રાહક દ્વારા કૅશ-લેસ સારવાર માટેની વિનંતી કરવામાં આવે તેના એક કલાકમાં જ કંપનીએ નિર્ણય લેવો પડશે. એટલું જ નહીં પરંતુ સારવાર પૂરી થયા બાદ હોસ્પિટલમાંથી રજા લેવાની બાબતમાં પણ વીમા કંપનીએ વહેલામાં વહેલી તકે પ્રક્રિયા પૂરી કરવી પડશે. અને આ સમયગાળો ત્રણ કલાક કરતાં વધુ ન હોવો જોઈએ. વીમા કંપની જો હોસ્પિટલમાંથી દર્દીના ડિસ્ચાર્જની પ્રક્રિયામાં નિર્ણય લેવામાં ત્રણ કલાક કરતાં વધુ સમય પસાર કરશે તો ત્યારપછીનો જે કોઈ ખર્ચ થશે તે વીમા કંપનીએ ચૂકવવો પડશે.
ઈરડા દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશ અનુસાર, સ્વાસ્થ્ય વીમા સંદર્ભે અત્યાર સુધીના જે 55 પરિપત્ર છે તે સદંતર નાબૂદ કરી દેવામાં આવે છે અને તેના સ્થાને 29-05-2024ને બુધવારના રોજ જારી કરવામાં આવેલો પરિપત્ર અંતિમ અને માન્ય ગણાશે. ઈરડાએ જણાવ્યું કે, આ નિર્ણય લેવા પાછળનો આશય ગ્રાહકોની સરળતા માટે તથા ગ્રાહકોનો વિશ્વાસ ટકી રહે તે છે.
ઈરડાએ જણાવ્યું કે, ઈમર્જન્સીના કેસોમાં જે વિનંતી આવી હોય તેનો નિર્ણય વીમા કંપનીએ તરત જ લેવો પડશે. આ માટે વીમા સત્તામંડળે વીમા કંપનીઓને 31 જુલાઈ સુધીમાં જરૂરી વધારાના કર્મચારીઓની નિમણૂક કરવા નિર્દેશ આપ્યો છે એટલું જ નહીં પરંતુ વીમા કંપનીઓને હોસ્પિટલમાં હેલ્પડેસ્ક ઊભી કરવા જણાવ્યું છે જેથી વીમાધારકોને કોઈ મુશ્કેલી વિના તત્કાળ મદદ મળી શકે.
શા માટે ઈરડાએ આ નવો પરિપત્ર જારી કરવો પડ્યો?
એ જાણીતી વાત છે કે, મોટી સંખ્યામાં સ્વાસ્થ્ય વીમાધારકોની સતત ફરિયાદ રહેતી હોય છે કે, તેમની વીમા કંપની કૅશ-લેસ સુવિધા આપવાનો વાયદો કરીને વીમો તો લઈ લે છે પરંતુ જરૂર પડે ત્યારે એ માટેની મંજૂરી આપવામાં કાંતો વિલંબ કરે છે અથવા ઈનકાર કરી દે છે જેને કારણે ગ્રાહકોએ પોતે હોસ્પિટલમાં નાણા ભરવા પડે છે. આ અંગે ઈરડાને અનેક ફરિયાદ મળ્યા બાદ સરવે કરવામાં આવ્યો હતો જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આરોગ્ય વીમા લેનાર 43 ટકા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. અનેક કિસ્સામાં તો હોસ્પિટલ તરફથી ડિસ્ચાર્જ આપવામાં આવે ત્યારબાદ 8-10 કલાક સુધી વીમા કંપની દ્વારા હોસ્પિટલનો ક્લેઈમ સેટલ કરવામાં ન આવે, પરિણામે દર્દીઓને અને તેમના સગાઓને વગર કારણે હોસ્પિટલમાં બેસી રહેવું પડે.
આ બાબતને ધ્યાનમાં રાખીને ઈરડાના નવા નિર્દેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, વીમા કંપનીએ મહત્તમ ત્રણ કલાકમાં ક્લેઈમ સેટલમેન્ટ કરવું પડશે, અન્યથા ઉપરના તમામ સમયગાળાનો ખર્ચ વીમા કંપનીએ ચૂકવવો પડશે.
આ પણ વાંચોઃ ટેલી-માનસ હેલ્પલાઈન પર 10 લાખથી વધુ કોલ્સ પ્રાપ્ત થયા, ઓક્ટોબર 2022 માં શરૂ થયો હતો હેલ્થ પ્રોગ્રામ