30 મે, નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર અને હવે ક્રિકેટ કોમેન્ટ્રી કરતા સાઈમન ડૂલે એક ઘટસ્ફોટ કર્યો છે. ડૂલનું કહેવું છે કે હાલમાં પૂર્ણ થયેલી IPL 2024 દરમ્યાન વિરાટ કોહલીની ટીકા કરવા બદલ તેને મારી નાખવાની ધમકી મળી હતી.
એક અખબારને આપેલી મૂલાકાતમાં ડૂલે કહ્યું છે કે તે આ વર્ષની IPLની શરૂઆતમાં જે રીતે વિરાટ રમતો હતો તેનાથી નાખુશ હતો. ખાસ કરીને વિરાટ કોહલીની સ્ટ્રાઈક રેટ વિશે તેને ફરિયાદ હતી. આથી એક ક્રિકેટ વેબસાઈટની યુટ્યુબ ચેનલ માટેની ચર્ચા દરમ્યાન તેણે આ બાબતે વિરાટ કોહલીની ટીકા કરી હતી.
ડૂલનું કહેવું છે કે વિરાટ કોહલી એક જબરદસ્ત ખેલાડી છે પરંતુ તેની ટીમ એટલેકે RCB તે સમયે બેટિંગમાં સંઘર્ષ કરી રહી હતી. આથી કદાચ વિરાટ કોહલીને એ બાબતનો ડર હતો કે જો તે આઉટ થઇ જશે તો પછી તેની ટીમનું શું થશે? કદાચ આ ડરને કારણે તે ઓછી સ્ટ્રાઈક રેટ સાથે રમતો હતો.
ડૂલનું માનવું છે કે વિરાટ કોહલીના સ્તરના ખેલાડીએ કોઇપણ પરિસ્થિતિમાં પોતાની રમવાની સ્ટાઈલ બદલવી ન જોઈએ. આથી તેનું કહેવું હતું કે વિરાટે કોઇપણ સંજોગોમાં ઓછી સ્ટ્રાઈક રેટથી નહોતું રમવું. ત્યારબાદ સાઈમન ડૂલે કહ્યું હતું કે અમારું (કોમેન્ટેટરનું) કામ વિશ્લેષણ કરવાનું હોય છે અને તેના બદલામાં અમે અમારી રચનાત્મક ટીકા થાય તેવી આશા રાખીએ છીએ.
પરંતુ સાઈમન ડૂલના કહેવા અનુસાર તેની આ ટીકાને બદલે વિરાટ કોહલીના કોઈ કટ્ટર ફેન દ્વારા તેને મારી નાખવાની ધમકી મળી હતી. અગાઉ આ જ રીતે વિરાટ કોહલીની સ્ટ્રાઈક રેટ અંગે બોલવાને કારણે ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કર વિશે પણ વિરાટના કેટલાંક ફેન્સ દ્વારા તેમના પર અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી.
જો કે સાઈમન ડૂલ માટે આ નવું નથી. 2023ની પાકિસ્તાન સુપર લીગ એટલેકે PSL દરમ્યાન તેણે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમની ઓછી સ્ટ્રાઈક રેટ વિશે ટીપ્પણી કરી હતી ત્યારે બાબરના ફેન્સે તેને મારી નાખવાની ધમકી આપી હતી.
ડૂલનું કહેવું છે કે તેણે બાબરને સમજાવ્યું હતું કે તેના જેવા કુદરતીરીતે ટેલેન્ટેડ ખેલાડીએ કોઇપણ ડર હેઠળ ન આવી જઈને પોતાની સ્ટાઈલ વિરુદ્ધ ન રમવું જોઈએ. ત્યારબાદ બાબરે તેને કહ્યું હતું કે તેના કોચ પણ તેને આમ જ કહેતા હોય છે.