ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : પાલનપુર ખાતે મતગણતરી સ્ટાફની તાલીમ યોજાઈ

Text To Speech
  • EVM કાઉન્ટિંગ અને પોસ્ટલ બેલેટ કાઉન્ટિંગ અંગે વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું

પાલનપુર  28 મે 2024: નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે.ગઢવીની અધ્યક્ષતામાં આજરોજ નગરપાલિકા ટાઉનહોલ, પાલનપુર ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ૦૨ બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની મત ગણતરીમાં રોકાયેલા સ્ટાફની તાલીમ યોજાઈ હતી.

લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અંતર્ગત ૦૨ સંસદીય મતદાર વિભાગ બનાસકાંઠામાં તા.૭ મે ના રોજ મતદાન યોજાયું હતું. આગામી તા. ૪ જુનના રોજ જગાણા સ્થિત એન્જીનીયરીંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. મત ગણતરીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી વરૂણકુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર મતગણતરી માટે સજ્જ બન્યું છે.

મતગણતરીમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને મત ગણતરી સંબંધિત જરૂરી જાણકારી, માર્ગદર્શન, અને સુચનોથી વાકેફ કરવાના ભાગરૂપે આજરોજ નગરપાલિકા ટાઉનહોલ પાલનપુર ખાતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ. કે ગઢવીના માર્ગદર્શન હેઠળ મત ગણતરી સુપર વાઇઝર, મતગણતરી આસિસ્ટન્ટ, અને માઈક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઈ હતી. બે સેશનમાં યોજાયેલ આ તાલીમમાં સવારે દસ થી બાર વાગ્યા સુધીના પહેલા સેશનમાં EVM કાઉન્ટીંગ સ્ટાફ અને બપોરે બાર થી બે વાગ્યાના સેશનમાં પોસ્ટલ બેલેટ કાઉન્ટિંગ સ્ટાફની તાલીમ યોજાઈ હતી.

 

જેમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએચ. કે ગઢવીએ જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. જ્યારે ડીસા પ્રાંત અધિકારી અને જિલ્લાના માસ્ટર ટ્રેનર નેહાબેન પંચાલે મત ગણતરી વખતે રાખવાની જરૂરી સાવધાની અને ભરવાના જરૂરી ફોર્મ્સની વિગતવાર સમજૂતી આપી હતી. તાલીમમાં સાતે સાત વિધાનસભા ક્ષેત્રના મદદનીશ ચૂંટણી અધિકારીઓ, પોસ્ટલ બેલેટના મદદનીશ ચૂંટણી અધિકારી સહિત 638 જેટલા મત ગણતરી સુપર વાઇઝર, મતગણતરી આસિસ્ટન્ટ, અને માઈક્રો ઓબ્ઝર્વરએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો : ગુજરાતના આ 26 કેન્દ્રો પર 4 જૂને સવારના 8 વાગ્યાથી શરૂ થશે મત ગણતરી

Back to top button