પરેશ ધાનાણીનો આક્ષેપઃ અગ્નિકાંડમાં 44 મૃતદેહ મળ્યા પણ સત્તાવાર 28 જાહેર કરાયા
રાજકોટ, 28 મે 2024, TRP ગેમઝોન અગ્નિકાંડમાં 28 જેટલા લોકોના મૃતદેહો મળ્યા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. બીજી બાજુ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ તંત્ર દ્વારા મોતના આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે મોતનો સાચો આંકડો જાહેર કરવા તેમજ ખસેડાયેલા માંચડાનાં પતરાઓમાંથી સેમ્પલ લેવા અને આસપાસના CCTV ચેક કરી સત્ય સામે લાવવા માગ કરી છે. એટલું જ નહીં આ બનાવની હેલ્પલાઇન તરીકે શહેર કોંગ્રેસ પ્રમુખનો નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.
કુલ 44 જેટલા મૃતદેહનાં અવશેષો પ્રાપ્ત થયાઃ પરેશ ધાનાણી
પરેશ ધાનાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, બનાવની જાણ થતાં તરત જ કોંગ્રેસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સત્તાવાર મૃત્યુઆંક 28એ અટકાવી સત્યને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રથમ પાંચ મૃતદેહો નજીકની ખાનગી હોસ્પિટલ ટ્રીનીટીમાં મોકલી દેવાયા હતા. રાત્રે 11:30 વાગ્યે ત્રણ જેટલા મૃતદેહ કાટમાળ નીચે સળગી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. બીજા દિવસે એટલે કે રવિવારે બપોરે 2 વાગ્યા સુધીમાં 5 મૃતદેહનાં અવશેષો હસ્તગત કરાયા હતા. બપોર બાદ અમે શક્તિસિંહ ગોહિલ સાથે બનાવ સ્થળની મુલાકાત લીધી ત્યારે પણ મૃતદેહનાં અવશેષો જોવા મળ્યા હતા. ગઈકાલે પણ 1 મૃતદેહનાં અવશેષો મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. આમ સત્તાવાર આંકડા 28 સહિતના કુલ 44 જેટલા મૃતદેહનાં અવશેષો પ્રાપ્ત થયા છે. સિવિલ હોસ્પિટલના તંત્ર અને વિવિધ ખાનગી હોસ્પિટલમાં કેટલા મૃતદેહો આવ્યા અને તેમાંથી કેટલાના પોસ્ટમોર્ટમ અને કેટલાના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા તેના આંકડાઓ આજ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.
સરકાર અસ્થિઓના વિસર્જન માટેનો મોકો પણ નહીં આપે?
પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, આ અંગે પૂછવામાં આવતા સિવિલ સર્જન પોલીસ કમિશનર પાસે અને કલેક્ટર પાસે મોકલે છે. કલેક્ટર પોલીસ કમિશનર પાસે મોકલે છે. પોલીસ કમિશનર સિવિલ સર્જન પાસે મોકલે છે ત્યારે મને લાગે છે કે આ ત્રણેય વિભાગ સરકારના ઈશારે આ રમત રમી રહ્યા છે. ગુમ થયેલામાં પોલીસે 28 લોકો અને કલેક્ટર તંત્રએ 33 લોકો જાહેર કર્યા છે.ઘટના સમયે 3000 ડિગ્રી તાપમાન હોવાનું SITએ પણ સ્વીકાર્યું છે. ત્યારે તેમાં કોઈ માનવ શરીર ટકી શકે નહીં તે સ્વાભાવિક છે. એટલા ઉંચા તાપમાનને કારણે નાના ભૂલકાઓના શરીર અને અવશેષો પણ ખાખ થઈ ગયા હશે. જેને કારણે ઘણા પરિવારોને પોતાના સ્વજનોના અસ્થિઓ પણ નહીં મળે. ત્યારે શું સરકાર અસ્થિઓના વિસર્જન માટેનો મોકો પણ નહીં આપે? આ લડાઈમાં કોંગ્રેસ છેલ્લે સુધી લડશે અને લોકોને ન્યાય અપાવવા માટેના પ્રયાસો કરવામાં આવશે.
આ પણ વાંચોઃરાજકોટ અગ્નિકાંડઃ રાજ્ય સરકારનો કલેકટરોને આદેશ, ફાયર NOC ના હોય તેની સામે ગુનો નોંધો