ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

ફિલ્મ ‘હમારે બારહ’ના વિવાદને કારણે અન્નુ કપૂરની ગભરાટ વધી, સુરક્ષા માટે કરી અપીલ

મુંબઈ, 28 મે: અન્નુ કપૂર ફરી એકવાર પોતાની ફિલ્મ અને આ ફિલ્મની આસપાસના વિવાદોને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં, અભિનેતાની આગામી ફિલ્મ ‘હમારે બારહ’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેના વિશે વિવાદ સર્જાયો છે. અન્નુ કપૂરની ફિલ્મનાં ટાઈટલ અને કન્ટેન્ટને લઈને સામાન્ય લોકો જ નહીં પરંતુ કેટલાક રાજકીય પક્ષો પણ પોતાનો વાંધો વ્યક્ત કરી રહ્યા છે. હવે અન્નુ કપૂરે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં તે કહે છે કે ‘હમારે બારહ’નાં કલાકારો અને ક્રૂને સતત ધમકીઓ આપવામાં આવી રહી છે. અભિનેતાનાં કહેવા પ્રમાણે, કેટલાક અજાણ્યા લોકો તેને જાનથી મારી નાખવાની અને બળાત્કારની ધમકી આપી રહ્યા છે. આ સાથે અન્નુ કપૂરે પોલીસ સુરક્ષાની પણ માંગ કરી છે. અભિનેતાએ ફક્ત ફિલ્મનું ટીઝર જોઈને કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાનું ટાળવા વિનંતી કરી છે.

ઉતાવળમાં નિર્ણયો ન લો

‘હમારે બારહ’ ફિલ્મ વિશે સતત વધી રહેલા વિરોધ વચ્ચે અન્નુ કપૂરે એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. આ વીડિયોમાં અભિનેતા દર્શકોને વિનંતી કરી રહ્યા છે કે માત્ર ફિલ્મનું ટીઝર જોઈને કોઈ ઉતાવળિયો નિર્ણય ન લે. અન્નુ કપૂરના કહેવા પ્રમાણે, આ ફિલ્મ એક સામાજિક મુદ્દા પર આધારિત છે. વીડિયોમાં અભિનેતાએ કહ્યું- ‘આ ફિલ્મ માત્ર મહિલા સશક્તિકરણ અને મહિલાઓના અધિકારોની તરફેણ કરે છે. તમે સૌ પ્રથમ ફિલ્મ જુઓ અને પછી જ કોઈ અભિપ્રાય આપો અથવા તમારો નિર્ણય આપો. દરેકને પોતાના મંતવ્યો વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે, પરંતુ કોઈનો પણ આ રીતે અપશબ્દ ન બોલવા જોઈએ. જાનથી મારી નાખવાની ધમકી ન આપો. અમે આ વસ્તુઓથી ડરીશું નહીં.

યોગ્ય સુરક્ષા માટે કરી અપીલ

વીડિયોમાં અન્નુ કપૂર મહારાષ્ટ્ર પોલીસ અને ગૃહ મંત્રાલય પાસેથી યોગ્ય સુરક્ષાની માંગ કરી રહ્યા છે. અન્નુ કપૂરે વધુમાં કહ્યું, ‘અમે આ ફિલ્મ મહિલા સશક્તિકરણની વાત કરવા માટે બનાવી છે. તે સતત વધતી વસ્તી વિશે વાત કરે છે. અમારો હેતુ કોઈપણ જાતિ, ધર્મ કે સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી.

ફિલ્મનું બદલાઈ ગયું છે નામ

સોમવારથી ફિલ્મ પર વિવાદ શરૂ થતાં જ મેકર્સે જાહેરાત કરી હતી કે સેન્સર બોર્ડની સૂચના પર ફિલ્મનું ટાઇટલ બદલવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં, આ ફિલ્મનું શીર્ષક પહેલા ‘હમ દો હમારે બારહ’ હતું, પરંતુ તેના પર વિવાદ શરૂ થતાં જ તેનું ટાઈટલ બદલીને ‘હમારે બારહ’ કરવામાં આવ્યું. આ ફિલ્મ 7 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

આ પણ વાંચો: મુંબઈ ઇન્ફ્રાસ્ટ્રકચર બૂમ: નવા ઇન્ફ્રા પ્રોજેક્ટથી રહેવા માટે બનશે વધુ સારું શહેર

Back to top button