28 મે, અમૃતસર: ભારતના આગામી હેડ કોચ માટે જોરશોરથી શોધખોળ ચાલુ થઇ ગઈ છે. આ માટેની અરજીઓ સ્વીકારવાની અંતિમ તારીખ ગઈકાલે વીતી ગઈ હતી. આવામાં ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ઓપનીંગ બેટ્સમેન અને હવે કોમેન્ટેટર એવા નવજોત સિદ્ધુના મતે ટીમ ઈન્ડિયાનો કોચ કોણ હોવો જોઈએ તે પ્રકારનું એક મંતવ્ય સામે આવ્યું છે.
ટીમ ઇન્ડિયાના આગામી હેડ કોચ વિશે પોતાનું મંતવ્ય સ્ટાર સ્પોર્ટ્સને આપતાં નવજોત સિંઘ સિદ્ધુએ કહ્યું છે કે જો ગૌતમ ગંભીરને ટીમ ઇન્ડિયાના આગામી હેડ કોચ બનાવવામાં આવે તો એમાં કશું જ ખોટું નથી.
નવજોત સિદ્ધુના મતે, હાલમાં આ પ્રતિષ્ઠિત પદ માટે ગૌતમ ગંભીરના નામની ચર્ચા ચાલી રહી છે અને ઘણા લોકો એવું ઈચ્છી રહ્યા છે કે તે જ ટીમ ઇન્ડિયાના હેડ કોચ બને, તો તેમણે કશું પણ સાબિત કરવાની જરૂર નથી. તેમણે (ગંભીરે) વખતોવખત પોતાના પ્રદર્શન દ્વારા એ સાબિત કરી પણ આપ્યું છે કે તેઓ કોઇપણ ટીમના કોચ બની શકવાની અને ટીમને સફળતા મેળવવાના રસ્તે દોરી શકે છે.
સિદ્ધુનું માનવું છે કે ગૌતમ ગંભીર પાસે ક્રિકેટને લગતી તમામ કળાઓ છે અને તેમણે હવે એ કળાઓનો ઉપયોગ ટીમ ઈન્ડિયાને સફળતા અપાવવામાં કરવો જોઈએ.
નવજોત સિંઘ સિદ્ધુએ આગળ કહ્યું હતું કે, ‘કોલકાતા નાઈટ રાઈડર્સની સફળતાના કેન્દ્રબિંદુમાં જ ગૌતમ ગંભીર છે. શ્રેયસ ઐયરે ટીમની સુંદર કપ્તાની કરી છે તેમાં શંકાને કોઈજ સ્થાન નથી, પરંતુ અહીં કેન્દ્રબિંદુ તો ગંભીર જ છે. કારણકે દસ વર્ષ પહેલાં જ્યારે KKR એ IPL જીતી હતી ત્યારે મેન ઓફ ધ ટુર્નામેન્ટ સુનીલ નારાયણ હતા. તે વખતે પણ ફાઈનલ ચેન્નાઈમાં હતી અને આ વખતે પણ ફાઈનલ ચેન્નાઈમાં હતી. ગૌતમ ગંભીરે આ વર્ષે સુનીલ નારાયણ પાસે ઓપનીંગ કરાવીને કોલકાતા નાઈટ રાઈડર્સનું નસીબ જ બદલી નાખ્યું છે.
એક સમાચાર અનુસાર BCCI પાસે 3000થી પણ વધુ આવેદનપત્રો આવ્યા છે. પરંતુ આ આવેદનપત્રોમાંથી મોટાભાગના ફેક છે. નરેન્દ્ર મોદી, અમિત શાહ, સચિન તેંદુલકર અને મહેન્દ્ર સિંઘ ધોનીના નામે આવેદનપત્રો કરવામાં આવ્યા છે.
હાલમાં તો ટીમ ઇન્ડિયા ICC T20 World Cupમાં વ્યસ્ત છે આથી ટીમના ભારત પરત ફર્યા બાદ જ આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાશે તેવી આશા રાખવામાં આવી રહી છે.