28 મે, મુંબઈ: નરેન્દ્ર મોદી, અમિત શાહ, મહેન્દ્ર સિંઘ ધોની અને સચિન તેન્દુલકર આ કેટલાક નામો છે જેમણે ટીમ ઇન્ડિયાના કોચ બનવા માટે અરજી કરી છે. ચોંકી ગયાને? પણ આ હકીકત છે. BCCIએ રાહુલ દ્રવિડના સ્થાને ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનવા માટેની અરજી મંગાવી હતી અને તેની છેલ્લી તારીખ ગઈકાલની હતી.
આ અરજીઓ ગૂગલ ફોર્મ્સ દ્વારા મંગાવવામાં આવી હતી અને તેમાં મોદી, શાહ, ધોની અને તેન્દુલકર જેવા ફેક નામોથી પણ અરજી આવી છે. એક જાણીતા અંગ્રેજી અખબારની વેબસાઈટ પર પ્રકાશિત સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે નવા કોચ માટે BCCIને 3000થી પણ વધુ અરજી મળી છે તેમાંથી મોટાભાગની ફેક છે. આ ફેક અરજીઓમાં રાજકારણીઓ, ભૂતપૂર્વ ક્રિકેટરો અને ફિલ્મ સ્ટાર્સના નામ સામેલ છે.
ભૂતપૂર્વ ક્રિકેટરોના નામે કરવામાં આવેલી ફેક અરજીઓમાં તેન્દુલકર અને ધોની ઉપરાંત હરભજન સિંઘ અને વીરેન્દર સહેવાગના નામ પણ સામેલ છે. ગત 13મી મે એ BCCIએ Google Forms દ્વારા ટીમ ઇન્ડિયાના કોચ માટે અરજી મંગાવી હતી અને દરરોજ મોટી સંખ્યામાં ફેક નામે અરજીઓ તેને મળી હતી.
આ અખબારનું કહેવું છે કે એ હજી સુધી સ્પષ્ટ નથી થયું કે BCCIને જાણકાર અને જવાબદારી સમજતા કેટલા લોકોની અરજી મળી છે.
જોકે આ પ્રમાણે ફેક પ્રોફાઈલથી અરજી મળવી એ BCCI માટે નવું નથી. જ્યારે 2022માં રવિ શાસ્ત્રીએ કોચપદ છોડ્યું હતું ત્યારે પણ આ જ રીતે 5000થી પણ વધુ લોકોની અરજી BCCIને મળી હતી જેમાંથી મોટાભાગની ફેક હતી.
BCCIના એક અધિકારીએ કહ્યું હતું કે, ‘ગયા વખતે પણ BCCIને આ જ રીતે ખોટા નામે અરજીઓ મળી હતી અને આ વખતે પણ એમ જ થયું છે. આ પાછળનું કારણ એ છે કે BCCI તમામ એપ્લિકેશનને Google Formsમાં જ મેળવવાનું પસંદ કરે છે કારણકે તેનાથી ફોર્મની ચકાસણી એક જ શીટમાં આસાનીથી થઇ શકે છે.
હમણાં થોડા દિવસ અગાઉ જ BCCIના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે BCCI ટીમ ઇન્ડિયાના કોચ નક્કી કરતાં અગાઉ ઘણી કાળજી લે છે અને દરેક વ્યક્તિની અરજીની ઝીણવટથી ચકાસણી પણ થતી હોય છે. જય શાહે આ વાત પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ દ્વારા BCCIનો તેમને કોચ બનવા બાબતે કરવામાં આવેલા કહેવાતા સંપર્કના દાવા બાદ કરી હતી.