સંસદીય સમિતિમાંથી વિપક્ષનું વૉકઆઉટ, જાણો- શું છે સમગ્ર મામલો ?
સંરક્ષણ અંગેની સંસદીય સમિતિની શુક્રવારે મળેલી બેઠકમાં ભારે હોબાળો થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠક દરમિયાન અગ્નિપથ યોજના પર ચર્ચાની માંગને લઈને સભ્યોની નારાજગી જોવા મળી હતી. વિપક્ષી સાંસદોએ આક્ષેપ કર્યો હતો કે તેમને અગ્નિપથ યોજના પર ચર્ચા કરવા દેવામાં આવી નથી.
બસપાના સાંસદ દાનિશ અલીએ બેઠકમાં અગ્નિપથ યોજનાનો મુદ્દો ઉઠાવ્યો હતો. બસપા સાંસદે સંસદીય સમિતિની બેઠકમાં આ મુદ્દાને એજન્ડામાં સામેલ કરવાની માંગ કરી હતી. કોંગ્રેસના સાંસદોએ પણ બસપા સાંસદની આ માંગને સમર્થન આપ્યું હતું. માંગ ન સ્વીકારાયા બાદ આ સાંસદોએ બેઠકમાંથી વોકઆઉટ કર્યો હતો.
દિલ્હી હાઈકોર્ટ અગ્નિપથ પર સુનાવણી કરશે
બીજી તરફ, દિલ્હી હાઈકોર્ટે બુધવારે કહ્યું કે તે સશસ્ત્ર દળોમાં ભરતી માટે અગ્નિપથ યોજનાને પડકારતી અરજીઓના સમૂહ પર 25 ઓગસ્ટે સુનાવણી કરશે, કારણ કે તેને સુપ્રીમ દ્વારા ટ્રાન્સફર કરાયેલી ફાઇલ હજુ પ્રાપ્ત થવાની બાકી છે.
જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને સુબ્રમણ્યમ પ્રસાદની બેંચને સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતે 19 જુલાઈએ આ યોજનાને પડકારતી તમામ અરજીઓ અહીં ટ્રાન્સફર કરી દીધી છે.
સર્વોચ્ચ અદાલતે કેરળ, પંજાબ અને હરિયાણા, પટના અને ઉત્તરાખંડ હાઈકોર્ટને આ યોજના વિરુદ્ધ તેમની સમક્ષ દાખલ કરાયેલી તમામ પીઆઈએલને દિલ્હી હાઈકોર્ટમાં સ્થાનાંતરિત કરવા અથવા દિલ્હી હાઈકોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી મુલતવી રાખવા જણાવ્યું હતું.