અમને તંત્રની કામગીરી પર ભરોસો નથી, હવે કામ નહી થાય તો વિચારવું પડશેઃ હાઈકોર્ટ
રાજકોટ, 27 મે 2024, શહેરમાં શનિવારે TRP ગેમઝોનમાં લાગેલી આગની ઘટના અંગે હાઈકોર્ટમાં સુઓમોટો અરજી દાખલ કરવામાં આવી છે. જેની આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ચાર કલાક સુધી ચાલેલી સુનાવણીમાં હાઈકોર્ટે તંત્ર સામે લાલ આંખ કરી હતી. કોર્ટે અગાઉ કરવામાં આવેલા નિર્દેશોનું પાલન કેમ નથી કરાયું તે અંગેનું એફિડેવિટ આગામી ત્રીજી જૂન સુધી રજૂ કરવા આદેશ કર્યો છે. સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું કે, રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને સસ્પેન્ડ કરી શકાય છે પણ અત્યારે કરતા નથી. જો ધ્યાન દઇને કામ નહી કરાય તો અમારે વિચારવું પડશે.
SIT 72 કલાકમાં વચગાળાનો રિપોર્ટ આપશે
આજે હાઈકોર્ટમાં સરકારી વકીલ અને બે અરજદારોએ પોતાની દલીલો રજૂ કરી હતી. જેમાં સરકારે એસઆઇટીની રચના કરી છે અને આ એસઆઇટીએ 72 કલાકની અંદર પોતાનો વચગાળાનો રિપોર્ટ આપવાનો છે જ્યારે 10 દિવસની અંદર ફાઇનલ રિપોર્ટ રજૂ કરવાનો છે. કોર્ટે દરેક બાબતોને બારિકાઈથી જોઇને કહ્યું હતું કે, અમને રાજ્યની મશીનરી પર ભરોસો રહ્યો નથી. 2020થી હાઇકોર્ટમાં જે પિટિશન ચાલી રહી છે તેમાં અલગ-અલગ જે ઓર્ડર કરવામાં આવ્યા છે તેનું પાલન કરાયું નથી. આ પાલન શા માટે નથી કરવામાં આવ્યું કોર્ટ દ્વારા તેનો જવાબ માગવામાં આવ્યો છે. રાજ્યની તમામ મહાનગર પાલિકા અને નગર પાલિકાના અધિકારીઓને એફિડેવિટમાં તેમના રિપોર્ટ 3 જૂન સુધીમાં રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે.
પ્રોસિઝર થઇ જાત તો આજે આ બાળકો બચી ગયા હોત
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, જે કામ કમિશનર અને અધિકારીઓને કરવાનું હોય છે તે યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી. 2020થી ગુજરાત હાઇકોર્ટે અલગ-અલગ ઓબ્ઝર્વેશન અને ઓર્ડર પાસ કરેલા છે પરંતુ આ અધિકારીઓએ તેને ગંભીરતાથી નથી લીધા. જો તેમણે પોતાનું કામ યોગ્ય રીતે કર્યું હોત તો આજે આ બાળકો મર્યા ના હોત. જો આ લોકો ધ્યાન દઇને કામ નહીં કરે તો તેમના સસ્પેન્શન અંગે પણ વિચારવું પડશે. જે ફોટો અધિકારીઓના વાયરલ થયા છે એ અંગે કોર્ટે કહ્યું છે કે, આ અધિકારીઓ ત્યાં ગયા હતા તો તેમણે યોગ્ય ધ્યાન આપ્યું હોત અને જોયુ હોત કે તેમની પાસે લાયસન્સ સહિતની પરવાનગી નથી તો એ તે દિવસે જ પરમિશન વગેરે મળી જાત અથવા તેની પ્રોસિઝર થઇ જાત તો આજે આ બાળકો બચી ગયા હોત.રાજકોટ પોલીસ કમિશનર TRP ગેમ ઝોનને કોઈ પરમિશન અપાય હતી તેની માહિતી આપે.
રાજ્ય સરકારે દર વખતની જેમ સીટની રચના કરી છે.
કોર્ટે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કાયદાનું સાશન પ્રવર્તવું જોઈએ, લોકો પ્રત્યે ઓથોરિટીએ જવાબદાર હોવું જોઈએ. ઓથોરિટીએ નિરીક્ષણ કર્યું નહીં, ગેમ ઝોન ચાલતો રહ્યો અને નિર્દોષ બાળકો મૃત્યુ પામ્યા. કોર્ટે કહ્યું કે, આ દુર્ઘટના આંખ ઉઘાડનાર છે, સૌથી દુઃખદ વાત એ છે કે, નિર્દોષ બાળકો પણ મર્યા છે. રાજ્યએ પણ દર વખતની જેમ સીટની રચના કરી છે.કોર્ટે કહ્યું કે, માલિકો સામે શું પગલા લીધા? તો સરકારે કહ્યું કે, એકને પકડી લેવાયો છે. ત્યારે કોર્ટે કહ્યું કે, બીજા ભાગી ગયા છે? સરકાર જવામાં કહ્યું કે, તપાસ ચાલુ છે. જે આરોપી નથી પકડાયા તેમની સામે લૂકઆઉટ સર્ક્યુલર જાહેર કરાયો છે. 6 સસ્પેન્ડ કરાયેલ ઓફિસરોમાં TP, એન્જિનિયરિંગ અને પોલીસ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ સામેલ છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે.
આ પણ વાંચોઃરાજકોટઃ TRP ગેમ ઝોનમાં 15 દિવસ પહેલાં જ નોકરી કરવા આવ્યા અને કાળનો કોળિયો બન્યાં