IPL-2024વિશેષસ્પોર્ટસ

ધોની, કોહલી અને પ્રીતિ ઝીંટાની ટીમોના કરોડો રૂપિયા ડૂબી ગયા

27 મે, અમદાવાદ: IPL 2024ની પૂર્ણાહુતી થઇ ગઈ છે. હવે જો કઈ ટીમ નફામાં અને કઈ ટીમ નુકસાનમાં છે તેનો હિસાબ કરવા માંડીએ તો ધોની, વિરાટ અને પ્રીતિ ઝીંટાની ટીમોના કરોડો રૂપિયા ડૂબી ગયા હોવાનું સામે આવ્યું છે. ના ના, આ ત્રણેય ટીમો સાથે કોઈએ નાણાંકીય ફ્રોડ નથી કર્યો પરંતુ તેમણે જે ખેલાડીઓને  ઉંચી કિંમતે આપીને ઓક્શનમાંથી ખરીદ્યા હતા તેમણે તેમને મળેલી કિંમત અનુસાર દેખાવ નથી કર્યો આથી તેમને નુકસાન ગયું છે.

એવું પણ નથી કે ફક્ત આ ત્રણ ટીમોને જ નુકસાન થયું છે પરંતુ અન્ય ટીમોને પણ કેટલાક ખેલાડીઓને ઉંચી કિંમતે ખરીદવાથી નુકસાન વેઠવું પડ્યું છે. તો ચાલો જોઈએ એવા કયા ખેલાડીઓ છે જેના પર મોટો દાવ લગાવીને તેમની ટીમો નિરાશ થઇ છે.

ડેરિલ મિચલ: ન્યૂઝીલેન્ડના આ ઓલરાઉન્ડરને ગત વર્લ્ડ કપમાં તેના દેખાવને ધ્યાનમાં લઈને ધોનીની CSKએ 14 કરોડમાં ખરીદ્યો હતો. પરંતુ સિઝન પત્યા બાદ આંકડા જોઈએ તો 13 મેચોમાં મિચેલે ફક્ત 318 રન્સ બનાવ્યા અને ફક્ત છ ઓવર જ નાખી શક્યો હતો જેમાં તેણે એક વિકેટ લીધી હતી.

અલ્ઝારી જોસફ: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ એક સમયે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતાં 12 રનમાં 6 વિકેટ લઈને IPLમાં શ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ આ વર્ષે 11.50 કરોડ આપીને RCB દ્વારા ખરીદવામાં આવેલા જોસેફે 115 રન્સ આપીને રોકડી એક વિકેટ જ લીધી હતી.

સ્પેન્સર જોન્સન: ઓસ્ટ્રેલિયાના આ ફાસ્ટ બોલરનો બિગ બેશમાં દેખાવ જોઇને ગુજરાત ટાઈટન્સે તેને 10 કરોડની ભારે રકમ ચૂકવીને ખરીદ્યો હતો પરંતુ જોન્સને માત્ર પાંચ મેચ રમી અને તેમાં ચાર વિકેટ લીધી. જોન્સનની તરફેણમાં એ દલીલ કરી શકાય કે તેને ટીમે જ પૂરતી તક આપી ન હતી.

સમીર રીઝવી: ઉત્તર પ્રદેશના આ તોફાની બેટ્સમેનને સુરેશ રૈનાની ભલામણથી ચેન્નાઈએ 8.40 કરોડમાં ખરીદ્યો હતો. પરંતુ રિઝવીએ આઠ મેચમાં ફક્ત 51 રન્સ જ બનાવ્યા હતા.

રાઈલી રૂસો: દુનિયાની મોટાભાગની લીગમાં રમતા રાઈલી રૂસો પાછળ પ્રીતિ ઝીંટાની પંજાબ કિંગ્સે ઓક્શનમાં આઠ કરોડ ખર્ચી નાખ્યા હતા પરંતુ રૂસોએ સિઝનમાં ફક્ત 8 મેચ રમી અને 211 રન્સ બનાવ્યા અને ફક્ત એક હાફ સેન્ચુરી લગાવી. રૂસોના બચાવમાં કહી શકાય કે તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પંજાબના ઐતિહાસિક રન ચેઝમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આમ પણ IPLએ ખેલાડીના બજારભાવ પ્રમાણે રમાતી રમત છે એટલે ઓક્શન સમયે જે ખેલાડી ટીમ માટે યોગ્ય લાગે તે છેવટે ટુર્નામેન્ટમાં સરખું ન રમે તો તેની પાછળ લગાડેલા કરોડો રૂપિયા ડૂબી ગયા એવું કહી ન શકાય.

Back to top button