27 મે, મુંબઈ: ટીમ ઇન્ડિયા અને ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ ખેલાડી અંબાતી રાયડુ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ફેન્સ વચ્ચે કાયમ ચકમક ઝરતી રહે છે. એવામાં અંબાતી રાયડુનો વિરાટ કોહલીને ટોણો મારતો હોય એવો એક બનાવ સામે આવ્યો છે. હવે આ બનાવ બાદ RCB ફેન્સ રાયડુને વધુ ટ્રોલ કરે તેવી શક્યતાઓ સામે આવી ગઈ છે.
આપણે જાણીએ જ છીએ કે આ વર્ષની IPLમાં સહુથી વધુ રન્સ બનાવનાર વિરાટ કોહલીએ ઓરેન્જ કેપ જીતી લીધી છે. પરંતુ અંબાતી રાયડુએ આ ઓરેન્જ કેપને જ બહાનું બનાવીને વિરાટ કોહલી પર નિશાન તાંક્યું છે. જે રીતે તેણે આ વાત કરી છે તેનાથી સ્પષ્ટ થાય છે કે અંબાતી રાયડુનો ઈરાદો વિરાટ કોહલીને ટોણો મારવાનો જ છે.
રાયડુએ કહ્યું હતું કે, ‘એ ફરીથી સાબિત થઇ ગયું છે કે ઓરેન્જ કેપ જીતવાથી તમે IPL ટ્રોફી જીતી શકતા નથી. ઢગલાબંધ રન્સ બનાવનારની ટીમ કરતાં જે ટીમમાં બેટ્સમેનોએ 300-350 રન્સ આખી સિઝનમાં બનાવ્યા હોય તે ટીમની ચેમ્પિયન બનવાની શક્યતાઓ વધી જતી હોય છે.’
અંબાતી રાયડુનું કહેવું એમ હતું કે વિરાટ કોહલી એ મહાન ખેલાડી છે તેમાં કોઈજ શંકા નથી પરંતુ તેણે પોતાનું સ્ટાન્ડર્ડ એટલું ઊંચું કરી દીધું છે કે તેની ટીમમાં (RCB) રહેલા યુવા ખેલાડીઓ તેનાથી પ્રભાવિત થઇ જતા હોય છે અને આવામાં તેઓ સારી રીતે પરફોર્મ કરી શકતા નથી. પરિણામે ટીમ ધાર્યું પરિણામ લાવી શકતી નથી.
જ્યારે RCBએ ક્વોલીફાય થવા માટે જરૂરી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવી દીધા હતા અને ત્યારબાદ તેમણે જે રીતે એ જીતની ઉજવણી કરી હતી તેણે અંબાતી રાયડુને ઘણો ગુસ્સે કર્યો હતો. આ મેચ બાદ જ્યારે RCB એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સ સામે હાર્યું હતું ત્યારે રાયડુએ ટોણો માર્યો હતો કે ક્વોલીફાય થવાથી ટ્રોફી જીતી શકાતી નથી, તેને માટે તમારે પ્લેઓફ્સમાં જરૂરી મેચો જીતી અને ફાઈનલમાં પ્રવેશ કરવો પડે છે અને છેવટે એ ફાઈનલ મેચ પણ જીતવી પડે છે અને તો જ તમે ચેમ્પિયન કહેવાઓ છો.
અંબાતી રાયડુ CSK માટે રમ્યો છે અને તે આ ટીમનો હિસ્સો ત્યારે રહ્યો હતો જ્યારે 2023માં ટીમ ટ્રોફી જીતી હતી.