IPL-2024વિશેષસ્પોર્ટસ

હાર્યા બાદ કાવ્યા મારન રડવા લાગી; વિડીયો થયો વાયરલ

Text To Speech

27 મે, ચેન્નાઈ: ગઈકાલે ચેન્નાઈના ચેપોક વિસ્તારમાં આવેલા એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં IPL 2024ની ફાઈનલ રમાઈ હતી. આ ફાઈનલ બે વખતની ચેમ્પિયન ટીમો કોલકાતા નાઈટ રાઈડર્સ અને સન રાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં હૈદરાબાદની નાલેશીભરી હાર જોઇને ટીમની માલિક કાવ્યા મારન રડવા લાગી હતી અને તેનો વિડીયો વાયરલ થયો હતો.

આમ પણ કાવ્યા મારન એકદમ ભાવુક વ્યક્તિ છે. છેલ્લી ઘણી સિઝનથી SRHની મેચમાં કેમેરા ઘણી વખત કાવ્યા ઉપર જતો હોય છે અને તેના ભાવુક એક્સપ્રેશન ઝડપી લેતો હોય છે. કાવ્યા મારનના હાવભાવ જોઇને કોઇપણ વ્યક્તિ તેની ટીમ મેચમાં કેવું રમી રહી છે તેનો તાળો આસાનીથી મેળવી શકતો હોય છે.

જ્યારે પોતાની ટીમનો ખેલાડી ફોર કે સિક્સ મારે અથવાતો કેચ કરે અને વિકેટ લે ત્યારે કાવ્યા મારન ખુશીથી ઉછળી પડતી હોય છે અને જ્યારે SRH કોઈ મેચ જીતે ત્યારે તેનો આનંદ તેનાથી છુપાવી શકાતો નથી.

પહેલા ક્વોલિફાયરમાં જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા સામે જ રમાયો હતો તેમાં હૈદરબાદ આસાનીથી હારી ગયું હતું ત્યારે કાવ્યા નિરાશ તો થઇ હતી પરંતુ હજી બીજા ક્વોલિફાયરમાં રમવાની તક  હોવાની તેને ખબર હતી એટલે તેણે પોતાનું દુઃખ કાબુમાં રાખ્યું હતું.

જ્યારે બીજા ક્વોલિફાયરમાં સન રાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને આસાનીથી હરાવી દીધું હતું ત્યારે કાવ્યા મારન VIP બોક્સમાં જ ઉછળી પડી હતી અને પાછળ બેસેલા પોતાના પિતા કલાનિધિ મારનની પાસે દોડીને તેમને વળગી પડી હતી.

પરંતુ ગઈકાલે હૈદરાબાદનો દિવસ જ ખરાબ હતો. ન તો બેટિંગમાં કે ન તો પછી બોલિંગમાં તેનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. એક સમયે IPLના હાઇએસ્ટ ટોટલનો રેકોર્ડ તોડનારી હૈદરાબાદને ગઈકાલની મેચમાં એક-એક રન માટે તલસવું પડ્યું હતું. છેવટે સાતત્યપૂર્ણ દેખાવ કરનાર કોલકાતા નાઈટ રાઈડર્સ આસાનીથી મેચ જીતી ગયા હતા અને તેની સાથે IPL 2024ની ટ્રોફી પણ જીતી ગયા હતા.

આ હાર બાદ કાવ્યા મારન રડવા લાગી હતી. પરંતુ તેણે કેમેરા તરફ પોતાની પીઠ કરીને પોતાના આંસુ છુપાવી દીધા હતા. તેમ છતાં તે જ્યારે કેમેરા તરફ પાછી વળી ત્યારે પોતાના આંસુઓને લૂછતાં રોકી શકી નથી અને તે આ હરકત કરતાં પકડાઈ ગઈ હતી.

Back to top button