કેન્દ્ર સરકારે આર્મી ચીફનો કાર્યકાળ લંબાવ્યો, જનરલ મનોજ પાંડે હવે 30 જૂન સુધી રહેશે સૈન્ય વડા
- કેન્દ્ર સરકારે આર્મી ચીફનો લંબાવ્યો કાર્યકાળ
- આર્મી ચીફ આ મહિનાની 31 તારીખે થઈ રહ્યા હતા નિવૃત્ત
- કાર્યકાળ લંબાતા હવે 30 જૂન સુધી રહેશે સૈન્ય વડા
દિલ્હી, 26 મે: કેન્દ્ર સરકારે રવિવારે આર્મી ચીફ જનરલ મનોજ પાંડેનો કાર્યકાળ લંબાવ્યો છે. આ કાર્યકાળ એક મહિના માટે લંબાવવામાં આવ્યો છે. જનરલ મનોજ પાંડે 31 મેના રોજ તેમના પદ પરથી નિવૃત્ત થવાના હતા. સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને આ જાણકારી આપી છે. જનરલ મનોજ પાંડેએ 30 એપ્રિલ 2022ના રોજ આર્મી ચીફનું પદ સંભાળ્યું હતું. ત્યારથી જનરલ મનોજ પાંડેએ સેનાના હિતમાં ઘણા ફાયદાકારક કાર્યો કર્યા છે.
કાર્યકાળ કેટલા સમય માટે લંબાવવામાં આવ્યો?
નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, “26 મેના રોજ કેબિનેટની એપોઇન્ટમેન્ટ કમિટીએ આર્મી રૂલ્સ, 1954ના 16A (4) હેઠળ આર્મી ચીફ જનરલ મનોજ સી પાંડેની સેવા નિવૃત્તિની સામાન્ય ઉંમરથી એક મહિના માટે લંબાવી છે. 31 મેના બદલે હવે 30 જૂને થશે નિવૃત્ત. એપ્રિલ 2022 માં આ પદ સંભાળતા પહેલા તેઓ આર્મી સ્ટાફના ડેપ્યુટી ચીફના પદ પર હતા. જનરલ મનોજ પાંડેને ડિસેમ્બર 1982માં કોર્પ્સ ઓફ એન્જીનિયર્સ (ધ બોમ્બે સેપર્સ)માં કમિશન આપવામાં આવ્યું હતું. હાલમાં સેનામાં અંદાજે 1.2 મિલિયન સૈનિકો છે.
29માં આર્મી ચીફ છે જનરલ મનોજ પાંડે
તેમના કાર્યકાળ દરમિયાન જ સેનાએ લદ્દાખમાં સરહદી વિવાદ વચ્ચે ચીની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) સામે તેની સ્થિતિ મજબૂત કરીને પૂર્વીય ક્ષેત્રમાં ઘણી નવી શસ્ત્ર પ્રણાલીઓ તૈનાત કરી હતી. જનરલ મનોજ પાંડેનો જન્મ 6 મે, 1962ના રોજ થયો હતો. જનરલ મનોજ પાંડે બે વર્ષથી વધુ સમયથી 29માં આર્મી ચીફ છે.
આ પોસ્ટની નિવૃત્તિ વય કેટલી છે?
આર્મી ચીફનો કાર્યકાળ ત્રણ વર્ષનો હોય છે, એટલે કે તેઓ 62 વર્ષના થાય ત્યાં સુધી જ આ પદ પર સેવા આપી શકે છે. વાઇસ ચીફનો ચાર્જ સંભાળતા પહેલા પાંડે કોલકાતા સ્થિત ઇસ્ટર્ન કમાન્ડનું નેતૃત્વ કરી રહ્યા હતા, જે પૂર્વીય ક્ષેત્રમાં ચીન સાથેની ભારતની સરહદની રક્ષા કરે છે.
આ પણ વાંચો: દેશમાં UCC ક્યારે લાગુ થશે? અમિત શાહે કરી જાહેરાત, જાણો વન નેશન-વન ઈલેક્શન પર શું કહ્યું