26 મે, કુઆલાલમ્પુર: ત્રીજા સેટમાં આસાનીથી જીતી જવાય તેવી લીડ મેળવી હોવા છતાં મલેશિયન માસ્ટર્સ ટુર્નામેન્ટની ફાઈનલમાં પીવી સિંધુને હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલો સેટ 21-16થી જીત્યા બાદ બીજો સેટ 5-21થી હાર અને છેલ્લો સેટ 16-21થી ગુમાવી દેતા પીવી સિંધુની હાર થઇ હતી. અહીં એ નોંધનીય છે કે સિંધુ ત્રીજા સેટમાં એક સમયે 11-3થી આગળ હતી.
ચીનની વાંગ ઝી યી જે વર્લ્ડ નંબર 7 છે તેની સામે સિંધુની હાર થઇ છે. મલેશિયન માસ્ટર્સ એ બેડમિન્ટનની સુપર 500 કેટેગરીની ટુર્નામેન્ટ છે. પીવી સિંધુ જુલાઈ 2022 બાદ એક પણ BWF વર્લ્ડ ટૂર ટાઈટલ જીતી શકી નથી.
જોકે મલેશિયામાં આ સમગ્ર અઠવાડિયું સિંધુ માટે ઘણું સારું રહ્યું હતું. સિંધુ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જ ઈજાગ્રસ્ત થઇ હતી, ત્યારબાદ સાજી થઈને તે તેણે આ વર્ષે કુલ ત્રણ ટુર્નામેન્ટ રમી હતી. જેમાંથી બેમાં તે ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચી હતી જ્યારે અહીં મલેશિયામાં તે ફાઈનલ સુધી પહોંચી ગઈ હતી.
એક રીતે જોવા જઈએ તો મલેશિયન માસ્ટર્સએ પીવી સિંધુના ઓવરઓલ દેખાવને આગળ વધારતી ટુર્નામેન્ટ જરૂર કહી શકાય.
સિંધુ જેને તેણે સેમીફાઈનલમાં થાઈલેન્ડની ખેલાડીને હરાવી હતી તેના કરતાં 88 મિનીટ વધુ ફાઈનલમાં રમી હતી. જેમ આગળ આપણે જાણ્યું તેમ સિંધુની શરૂઆત ખૂબ સારી રહી હતી. તે સમગ્ર કોર્ટમાં દરેક તરફ બહુ જ સારી રીતે મુવ પણ કરી રહી હતી. તો સામે પક્ષે વાંગ પણ ચતુરાઈથી પોતાની રમત દર્શાવી રહી હતી.
આ મેચની નોંધપાત્ર બાબત એ હતી કે સમગ્ર મેચમાં પીવી સિંધુએ પોતાના શોટ્સ દ્વારા વાંગના શરીર ઉપર વધુ આક્રમણ કર્યા હતા. વાંગ ત્રીજા સેટ સુધી આ આક્રમણને ખાળવામાં લગભગ નિષ્ફળ રહી હતી. સિંધુ મોટાભાગની મેચમાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખવામાં સફળ રહી હતી પરંતુ ત્રીજા સેટમાં જીતી શકાય તેવી લીડ લીધા બાદ પણ સિંધુને હારનો સામનો કરવો પડ્યો હતો.
ત્રીજા સેટમાં વાંગ પોતાની ચતુરાઈભરી રમતથી પીવી સિંધુ પાસે એક પછી એક ભૂલો કરાવવામાં સફળ રહી હતી. એક વખત હારની નજીક પહોંચી ગયેલી વાંગે જ્યારે વિનિંગ પોઈન્ટ જીત્યો ત્યારે તે આનંદથી કોર્ટ ઉપર ઉછળી પડી હતી.