ભારતીયોને વિમાની સેવા પુરી પાડવામાં વધુ એક કંપનીનો ઉમેરો થયો છે. રાકેશ ઝુનઝુનવાલાની અકાસા એર દ્વારા ફ્લાઈટ બુકીંગ શરૂ કરવામાં આવ્યું છે. તેઓના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ દરમિયાન મુસાફરોને એવી સુવિધાઓ મળશે, જે સેક્ટરમાં પ્રથમ વખત આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કંપનીના નવા એરક્રાફ્ટમાં સીટોને વધુ આરામદાયક બનાવવામાં આવી છે. જે તેની મોટી ખાસીયત રહેવાની છે.
આવતા મહિનાથી શરૂ થવાની છે ફ્લાઈટ, પ્રથમ ઉડાન અમદાવાદ-મુંબઈની રહેશે
દેશના અનુભવી રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની અકાસા એરલાઈન્સ આવતા મહિનાથી તેની ફ્લાઈટ્સ શરૂ કરવા જઈ રહી છે. એરલાઈન્સ કંપની મુંબઈ અમદાવાદ રૂટથી તેની ફ્લાઈટ્સ શરૂ કરશે. આ રૂટ પરની પ્રથમ ફ્લાઈટ 7 ઓગસ્ટે ઉપડશે અને તે જ સમયે 13 ઓગસ્ટથી બેંગ્લોર-કોચી રૂટ પર ફ્લાઇટ્સ શરૂ થશે. એરલાઈન્સ અનુસાર, આ રૂટ પર ટિકિટનું બુકિંગ શરૂ થઈ ગયું છે.
મુંબઈ અમદાવાદ રૂટ પર ન્યૂનતમ ભાડું 3948 રૂપિયા અને 3906
જો તમે પણ અકાસા સાથે ઉડ્ડયન કરવા માંગો છો, તો અમે અહીં તમને ફ્લાઇટના રૂટ અને ભાડા વિશે માહિતી આપી રહ્યા છીએ.
લઘુત્તમ ભાડું કેટલું હશે ? એરલાઈન્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મુંબઈ અમદાવાદ રૂટ પર ન્યૂનતમ ભાડું 3948 રૂપિયા છે અને આ ફ્લાઇટ 80 મિનિટની એટલે કે એક કલાક 20 મિનિટની હશે. બીજી તરફ, અમદાવાદ મુંબઈનું ભાડું 3906 રૂપિયાથી શરૂ હશે. બેંગલોર કોચી ફ્લાઈટનું ભાડું 3483 રૂપિયાથી શરૂ થશે અને આ મુસાફરી 75 મિનિટની હશે. તે જ સમયે, કોચીથી બેંગ્લોરનું ભાડું 3282 રૂપિયાથી શરૂ થશે.
પ્રથમ વર્ષમાં તેના કાફલામાં દર મહિને બે વિમાન ઉમેરશે
અકાસા એરના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ દરમિયાન મુસાફરોને એવી સુવિધાઓ મળશે, જે સેક્ટરમાં પ્રથમ વખત આપવામાં આવી રહી છે. નવા એરક્રાફ્ટમાં સીટોને વધુ આરામદાયક બનાવવામાં આવી છે. તમામ મુસાફરોને યુએસબી પોર્ટની સુવિધા મળશે.
અકાસા એર પ્રથમ વર્ષમાં તેના કાફલામાં દર મહિને બે વિમાન ઉમેરશે. અકાસા એરના કો-ફાઉન્ડર અને ચીફ કોમર્શિયલ ઓફિસર પ્રવીણ અય્યરે જણાવ્યું હતું કે, અમે નવા બોઇંગ 737 MAX એરક્રાફ્ટ સાથે મુંબઈ અને અમદાવાદ રૂટ પર અમારી સેવાઓ શરૂ કરી રહ્યા છીએ. અમે અમારી નેટવર્ક વિસ્તરણ યોજનાઓને સમર્થન આપવા અને દેશના વધુને વધુ શહેરોને જોડવા માટે તબક્કાવાર અભિગમ અપનાવીશું. અમે પ્રથમ વર્ષમાં અમારા કાફલામાં દર મહિને બે એરક્રાફ્ટ ઉમેરીશું.
Akasa Air બોઇંગ પાસેથી 72 MAX એરક્રાફ્ટ ખરીદશે
વધુમાં કંપનીના CMOએ જણાવ્યું હતું કે તેમની કંપની Akasa Air એ આ મહિને 7 જુલાઈના રોજ ઉડ્ડયન નિયમનકાર DGCA (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) પાસેથી એર ઓપરેટર સર્ટિફિકેટ મેળવ્યું હતું. Akasa Air એ 26 નવેમ્બર, 2021 ના રોજ 72 MAX એરક્રાફ્ટ ખરીદવા માટે બોઇંગ સાથે સોદો કર્યો, DGCA એ ઓગસ્ટ 2021 માં મેક્સ વિમાનોને ફ્લેગ ઓફ કર્યા પછી જ કરાર કર્યા.